ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાના વિસ્તારમાં કેટલાક રાજકીય નેતાઓ દ્વારા ખંડણી ઉઘરાવામાં આવે છે તેવો નનામો પત્ર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. આ અંગે દેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે મનસુખ વસાવાએ એ નેતાના નામ જાહેર કરવા જોઈએ.હવે આ મામલે ચૈતર વસાવાને જવાબ આપતા સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પત્ર જાહેર કર્યો છે અને ચૈતર વસાવા પર પ્રહાર કર્યા છે.

આ પત્ર મેં નથી લખ્યો : મનસુખ વસાવા
મનસુખ વસાવા વસાવાએ લખ્યું છે, “શ્રી સી.આર.પાટીલ સાહેબને જે પત્ર લખ્યો છે તે મે નથી લખ્યો આ વિશે મેં મિડિયા સમક્ષ તથા અનેક લોકો સમક્ષ ખુલાસો કર્યો છે. જે પત્ર જીલ્લામાં આ ક્ષેત્રે કામ કરનાર નારાજ લોકોએ લખ્યો હશે એવું મારું માનવુ છે. આ પ્રશ્ન બાબતે 18 માર્ચ ના રોજ જીલ્લા સંકલનની બેઠક પહેલા મુખ્ય અધિકારીઓ સાથે પણ મારી ચર્ચા થઈ હતી તથા જીલ્લા સંકલનની બેઠક પૂર્ણ થયા બાદ તમારી સાથે તેમજ જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની સાથે આ પત્ર બાબતે ચર્ચા કરવામાં આવી હતી.”
“છતાં પણ આ પ્રશ્ન ને તમે જાણી જોઈને નકારાત્મક પ્રસિધ્ધિ મેળવા વેગ આપી રહ્યા છો. આ પત્ર માં અમારી પાર્ટીના આગેવાનો ના પણ નામ છે. હું શું કામ પત્ર લખુ? આ પત્ર મેં નથી લખ્યો અને એમાં પત્રમાં મારી સહી પણ નથી. ચૈતર વસાવાને મારો જવાબ છે કે મનરેગા યોજના હોય કે કોઈપણ પ્રકારના બાંધકામના કામો હોય, રોડ રસ્તા સહિતના તમામ બધા જ કામોમાં ગુણવત્તા જળવાય, સરકારી નાણાનો સદઉપયોગ થાય એના માટે જિલ્લા દીશા બેઠક કે જિલ્લા સંકલન બેઠકમાં મેં સતત જિલ્લાના જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરતો આવ્યો છું.”
વન વિભાગ પર કરેલા આક્ષેપોનો જવાબ આપો : મનસુખ વસાવા
મનસુખ વસાવા વસાવાએ લખ્યું છે, “મારા સંબંધી કે મારા સમર્થકો આ કાર્યમાં નથી અને જે કરતા હશે તે સરકારના નિયમ પ્રમાણે કરતા હશે. કોઈની સાથે દાદાગીરી કે દમદાટી આપતા નથી. ચૈતર વસાવા ને હું પૂછું છું તમે એક મહિના પહેલા વન વિભાગના ડેડીયાપાડાના એક કાર્યક્રમમાં એક કરોડ રૂપિયા ચા – પાણી માટે ખર્ચ કર્યાનો ખોટો આક્ષેપ વન વિભાગ પર મૂક્યો હતો તમે જે તપાસ માંગી છે તેનું શું થયું ? તેનો જવાબ આપો.”
“ડેડીયાપાડા તાલુકામાં કામ કરતી કૃષ્ણા એજન્સી તથા ધર્મેન્દ્ર એજન્સી તથા આર.સી.બોરવેલ આ ઉપરાંત તમારી સાથે જોડાયેલ લોકોએ કયાં કયાં કામો કઈ એજન્સીના અંડરમાં રહીને કર્યા છે? તેની પણ તપાસ કરાવો, અને તે કામોની હાલત આજે શું છે તે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.”

હું બીજા લોકોની જેમ કામોમાં તપાસ માંગી તોડ પાણી નથી કરતો: મનસુખ વસાવા
મનસુખ વસાવા વસાવાએ પ્રહાર કરતા લખ્યું છે, “ચૈતરભાઈ હું જે પણ બોલું છું તે અથવા જ્યાં સરકારમાં રજૂઆત કરું છું તે પ્રજાના હિતમાં અને જિલ્લાના હિતમાં બોલું છું અને રજૂઆત કરું છું. હું બીજા લોકોની જેમ કામોમાં તપાસ માંગી તોડ પાણી નથી કરતો. કોઈ એજન્સી માટે જિલ્લામાં રજૂઆત કરી છે તો તેને નિયમ પ્રમાણે મળેલા કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા મે અધિકારીઓને ધ્યાન દોર્યું છે. ગરીબોને મનરેગા જેવી યોજનામાં સમયસર રોજગારી મળે તે માટે ચિંતા કરી છે, તે મારી ફરજમાં આવે છે. આક્ષેપો કરવા એ જુદી વાત છે અને વાસ્તવિકતા જુદી છે.”
હું તમારી જેમ પીઠ પાછળ ખંજર ભોંકવાવાળો નથી : મનસુખ વસાવા
“તમારા સિવાય નર્મદા કે ભરૂચ જિલ્લામાં કોઈએ મારા પર મારા પર આવો આક્ષેપ મૂક્યો નથી. મારા કરેલા કામોના આધારે હું લોકસભામાં ચૂંટાઈને જાવ છું. આખરી નિર્ણય કરવાનો અધિકાર જનતા પાસે હોય છે અને છ ટર્મ થી જનતાના આશીર્વાદ મળી રહ્યા છે. હું મારી પાર્ટીને વફાદાર છું એ બધું પાર્ટી પણ જાણે છે, પ્રજા પણ જાણે છે. હું તમારી જેમ પીઠ પાછળ ખંજર ભોંકવાવાળો નથી. જેમ તમે છોટુભાઈ વસાવા તથા મહેશભાઈ વસાવાને પીઠ પાછળ ખંજર ભોંખ્યું છે. તમારે જેટલા આક્ષેપ કરવા હોય તે કરો મને કોઈ ફરક પડવાનો નથી. સત્તા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કામ કરતા નથી. હું પણ માનનીય પીએમ નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી જનતાની સેવા અને માત્ર પ્રજાના હિતમાં કાર્ય કરું છું. સત્તાનો મોહ મને નથી.”
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો