તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્યની હત્યાના કેસમાં ભાજપમાં સક્રિય આ કદાવર નેતાનું આવ્યું નામ

તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્ય સત્યજીત બિસવાસની હત્યાના કેસમાં પક્ષના પૂર્વ નેતા અને હાલમાં ભાજપમાં સક્રિય મુકુલ રોયનું નામ પણ સામે આવ્યું છે. આ આરોપીઓમાં મુકુલ રોય ઉપરાંત અન્ય ત્રણનો સમાવેશ આ હત્યાના કેસમાં દાખલ એફઆઇઆરમાં કરવામાં આવ્યો છે જેને પગલે સોકસભાની ચૂંટણી પહેલા જ મુકુલ રોયની મુશ્કેલી વધી ગઇ છે.

ગયા વર્ષે જ તૃણમુલ કોંગ્રેસના જનરલ સેક્રેટરી પદેથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયેલા મુકુલ રોય અને પક્ષના વડા મમતા બેનરજી વચ્ચે ઘણા મુદ્દાઓેને લઇને ખેંચતાણ જોવા મળી હતી. જે બાદ મુકુલ રોય ટીએમસીમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા. 

પોલીસે જણાવ્યું હતું કે જે સરસ્વતી સ્થળે આ ધારાસભ્યની હત્યા કરવામાં આવી હતી ત્યાં સિક્યોરિટીની કોઇ જ સુવિધા નહોતી, આ ધારાસભ્યની સાથે એક મંત્રી પણ હતા તેમ છતા સુરક્ષા સાથે બાંધછોડ કરવામાં આવી હતી. જેને પગલે આ ધારાસભ્યની હત્યા કરવામાં હત્યારાઓ સફળ રહ્યા હતા.

આ મામલે પોલીસે ચાર લોકોની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે તેમાં મુકુલ રોયનો પણ સમાવેશ થાય છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે હત્યાના કેસમાં જે ચાર લોકોનો સમાવેશ થાય છે તેમાં બેની ધરપકડ થઇ ચુકી છે જ્યારે બાકીના આરોપીઓ રાજ્ય છોડીને ભાગી ન જાય માટે પોલીસને રાજ્યની સરહદોએ એલર્ટ કરી દેવામાં આવી છે. 

પોલીસે જણાવ્યું હતું કે અમારી પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું છે કે ધારાસભ્યની હત્યા પીઠ પાછળ ગોળી મારીને કરવામાં આવી હતી. જેના પરથી પુરવાર થાય છે કે આ હત્યા બહુ જ સમજી વિચારીને તૈયાર કરેલા એક પ્લાન અંતર્ગત કરવામાં આવી હતી. જે સ્થળે ઘટના બની ત્યાંથી દેશી બનાવટની રિવોલ્વોર મળી આવી હતી. જેની પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન પશ્ચિમ બંગાળના શહેરી વિકાસ પ્રધાન ફિરહાદ હકીમે જણાવ્યું હતું કે ભાજપ ગુજરાતથી પશ્ચિમ બંગાળમાં હિંસા અને હત્યાની રાજનીતી આયાત કરી રહ્યું છે. વડા પ્રધાન મોદી ગયા સપ્તાહે પશ્ચિમ બંગાળ આવ્યા હતા અને હવે તેમના પક્ષના નેતાઓ સત્તા મેળવવા માટે હત્યાનો સહારો લઇ રહ્યા છે. ટીએમસીના નાડીયા જિલ્લા પ્રમુખ ગૌરી શંકર દત્તાએ જણાવ્યું હતું કે મુકુલ રોય આ હત્યાના મુખ્ય કાવતરાખોર છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter