ભૈયાજી સુપરહિટ : આ ફિલ્મ કરતા તો કોઇ રાજ્યની ચૂંટણીમાં વધારે મનોરંજન મળશે

તો થીએટરમાં આવી ચૂક્યા છે બોડી બિલ્ડર સન્ની દેઓલ અને આ વર્ષની તેમની ત્રીજી ફ્લોપ ફિલ્મ પણ. હા, 2018માં સન્ની દેઓલની ત્રીજી ફિલ્મ ભૈયાજી સુપરહિટ થીએટરોમાં લાગી ગઇ છે. આ વર્ષે ફુટી ગયેલી તોપ જેવા સન્નીપાજી મહોલ્લા અસ્સી અને યમલા પગલા દિવાના 3 જેવી ફિલ્મો કરી ચૂક્યા છે. જે દર્શકો માથે રીતસરનો ટોપલો ઢોળવામાં આવ્યો હતો. સન્ની દેઓલ હવે ક્યા પ્રકારની ફિલ્મો કરે તો ઓડિયન્સને મઝા આવે તે મોટો પ્રશ્ન છે કારણ કે સન્ની દેઓલના સમયની ફિલ્મો અત્યારે ચાલી શકે તેવી હાલત નથી દેખાઇ રહી. 

આ ફિલ્મનો પ્લોટ સન્ની દેઓલની ઇમેજ કરતા વિરૂદ્ધનો છે. સન્ની દેઓલ પોતાના જમાનામાં પોલીસના રોલ કરતા હતા. જીત ફિલ્મના ગુંડાને છોડતા !! હવે જીત ફિલ્મનો એ ખલનાયક ભૈયાજી સુપરહિટમાં પાછો ફર્યો છે. યૂપીના ડોનનો રોલ સન્ની પાજી પ્લે કરી રહ્યા છે. જે બનારસમાં રહે છે. નામ છે 3D (દીન દયાલ દૂબે) ભૈયાજી. એમાં પાછા સુપરહિટ…

સોશિયલ મીડિયા અને સેલફોનમાં જમાનમાં રાઇટરને આવી ક્રિએટીવીટી સૂઝી છે. માર્કેટમાં તેમનો યૂપી સ્ટાઇલમાં ભૌકાલ (ડર) છે. તેમની પત્ની વારંવાર તેમના પર શક કર્યા કરે છે. શકની સાથે સાથે પતિ પત્ની રોમેન્ટીકલી ઇન્વોલ્વ પણ થાય છે. પરંતુ શક વધારે પડતો થતા પત્ની પીયર ચાલી જાય છે. હવે આ ડૉન પોતાની પત્નીને પરત લાવવા માટે નીત નવીન પેંતરા કરે છે. અને ભૈયાજી સુપરહિટ નામની ફિલ્મ ભાગે છે. 

ફિલ્મમાં ખટારો ભરીને કલાકારો છે. એટલા બધા કેરેક્ટર છે કે કોણ ક્યુ પાત્ર ભજવી રહ્યું છે તે પહેલા વિચારવું પડે. ઉપરથી બે બે સન્ની દેઓલ પણ નજર આવે છે. જો એક્ટિંગના લેવલથી જોવામાં આવે તો સન્ની પાજી સિવાય ફિલ્મમાં બધું ઠીક છે. ફિલ્મમાં સન્ની દેઓલ સિવાય પ્રિતિ ઝિન્ટા, અમીષા પટેલના રોલ પણ એટલા ખાસ નથી.  અરશદ વારસી, શ્રેયસ તલપડે અને સંજય મિશ્રા જેવી ગોલમાલની જોડી હોવાથી વાતે વાતે કોમેડી ઉપજાવ્યા કરે છે.

અરશદ વારસીએ ફિલ્મને થઇ શકે તેટલી બચાવી છે. ફિલ્મમાં જયદીપ અહલવાતનો રોલ મજબૂત છે. મજબૂત વિલનનો થઇ શકે તેમ હતો, પણ ડિરેક્ટરે એ રોલને પણ ધોબીપછાડ આપી. ફિલ્મમાં અમીષા પટેલ હોત કે નહોત કંઇ ફર્ક ન પડેત. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી બે સીનમાં દેખાય છે એ પણ એવી જગ્યાએ જ્યાં તેમની કોઇ જરૂરત નથી.

સૌથી ખરાબ વસ્તુ કે ફિલ્મમાં એકદમ નબળો પ્લોટ અને કોન્સેપ્ટ પણ વીક છે. મહાકાલ અને મહાદેવનું નામ લઇ વરસાદ કરી દેવો. બનારસના એક વ્યક્તિનું નામ ચરસભૈયા રાખવું. આ બધી વસ્તુ ફિલ્મને છે તેનાથી પણ વધારે નબળી બનાવે છે. બેંકગ્રાઉન્ડ સ્કોર સન્ની દેઓલ ફિલ્મોની માફક છે.

એક વર્ષમાં સન્ની દેઓલની ત્રીજી ફિલ્મ હોવી તે જ બોલિવુડની સૌથી મોટી નબળાઇ છે. સન્ની દેઓલે એક સીનમાં પણ એક્ટિંગ નથી કરી. બે બે સન્ની દેઓલનું હોવું એ પણ મૂંઝાવતો પ્રશ્ન છે. ઓડિયન્સને દર્દ તો ત્યારે મહેસૂસ થાશે જ્યારે ખબર પડશે કે તેનું સાચું નામ યો યો ફની સિંહ છે. ફિલ્મ ફ્લોપ થતા બચી શકતી હોત જો ફની સિંહ મૂક્યું નહોત. બનારસમાં પંજાબ ક્યાંથી આવી ગયું ?

જમવામાં જેટલી વખત મીઠું નાખો તેટલી વખત સારું લાગે તેમ ડાયરેક્ટરના પોંઇન્ટ ઓફ વ્યૂથી તેણે એટલું મીઠું નાખી દીધું છે કે હવે મહેમાનોને જમવાનું ભાવી નથી રહ્યું. સિનેમાની ટોપ 100 ખરાબ ફિલ્મોની લિસ્ટ કાઢવામાં આવે તો પહેલા નંબર પર આધુનિક સમયની ભૈયાજી સુપરહિટને મુકવી જોઇએ. પરિવાર સાથે તમે માત્ર રિફ્રેશ થવા અથવા તો કંઇ કામ ન હોય તો થીએટરમાં ધક્કો ખાવા માટે જઇ શકો છો. બાકી ભૈયાજી સુપરહિટ નહીં સુપરફ્લોપ છે. 

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter