GSTV

નારિયેળ પાણીથી થતાં લાભ જાણશો તો આજે જ સૉફ્ટ ડ્રિન્ક્સ પીવાનું છોડી દેશો

Last Updated on October 10, 2019 by Karan

આજે ૫૦ કે ૬૦ વર્ષની વય વટાવી ગયેલા લોકોને શાળામાં ભણાવવામાં આવેલો નાળિયેરીના વૃક્ષનો પાઠ કદાચ હજી સુધી યાદ હશે. તેમાં માત્ર નાળિયેરના જ નહીં, બલ્કે તેના વૃક્ષના પણ એકેએક ભાગ કોઇને કોઇ રીતે આપણને કામમાં આવે છે તે કેટલી સરસ રીતે સમજાવવામાં આવ્યું હતું. નાળિયેરનો એકે ભાગ નકામો નથી હોતો તેથી તેને કલ્પવૃક્ષ નામ આપવામાં આવ્યું છે એ વાત  અંગ્રેજી માધ્યમમાં ભણેલી પેઢીને ખબર હશે કે કેમ એ પ્રશ્ન થઇ પડે.

જે સમયમાં સોડા અને કેમિકલ્સના મિશ્રણવાળા ‘સોફ્ટ ડ્રિંક્સ’નું ચલણ નહોતું તે વખતે લોકો નાળિયેર પાણી પીતાં. પરંતુ સમયાંતરે ઘણું બદલાતું ગયું. પશ્ચિમી સંસ્કૃતિની અસર હેઠળ બદલાયેલી આપણી ખાણીપીણીની આદતો અને જીવનશૈલીને પગલે ગુણકારી નાળિયેરનું સ્થાન સોફ્ટ ડ્રિંક્સોએ લઇ લીધું. અને તેના માઠાં ફળ આપણી યુવા પેઢી ભોગવી પણ રહી છે. પરંતુ હવે  સમય પાકી ગયો છે કે આપણે આપણાં આ દેશી પીણાંના ગુણોને ફરીથી સંભારીને આપણા  સ્વાસ્થ્યનાં રખોપાં કરીએ. 

જોકે મહત્વની વાત એ છે કે સોફ્ટ ડ્રિંક્સથી આરોગ્યને થતી હાનિ અને નાળિયેરને કારણે સ્વાસ્થ્યને થતાં લાભ પ્રત્યે જાગૃતિ આવતી જાય છે. અને માત્ર કોઇ બીમાર હોય ત્યારે તેની પાસે નાળિયેર લઇ જવાને બદલે લોકો ધીમે ધીમે નિયમિત રીતે નાળિયેર પાણી પીવા પ્રત્યે ઢળી રહ્યાં છે. તબીબો સુધ્ધાં નાળિયેરના ગુણગાન ગાઇને દરદીઓને તેના તરફ વાળવાના પ્રયાસો કરી રહ્યાં છે. જોકે એક વાત બેને બે ચાર જેવી સ્પષ્ટ છે કે જો નાળિયેર ગુણકારી ન હોય તો બીમાર વ્યક્તિની  ખબર કાઢવા જતી વખતે આપણે નાળિયેર ન લઇ જઇએ.આજે આપણે આ’શ્રીફળ’ના વિસરાઇ ગયેલા ગુણોને ફરીથી સંભારીએ.

નિષ્ણાતો કહે છે કે લીલું તેમ જ સુકું, બંને નાળિયેર સ્વાદમાં મીઠું હોવાથી તેઆપણને ભાવે ત ેસ્વાભાવિક  છે. પરંતુ તેના અપાર ઔષધિય ગુણો પણ છે. એક આહારશાસ્ત્રી કહે છે કે નાળિયેરના પાણીમાં લૌરિક એસિડ હોય છે જે આપણા શરીરમાં એન્ટિવાયરલ, એન્ટબેક્ટેરિયલ ,લો ડેન્સિટી લિપોપ્રોટિન્સ (એલડીએલ)કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે કોપરેલ તેલ માથામાં થતા ખોડાને અટકાવે છે અને વાળની સુરક્ષા કરે છે. 

આ તેલ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનમાં રાહત આપીને લિવરને થતું નુક્સાન ખાળે છે. નાળિયેરમાં પૂરતા પ્રમાણમાં રેષા, લોહ તત્વ,મેગ્નેશિયમ-ઝિંક-કોપર-મેંગેનિઝ-સેલેનિયમ જેવા  ખનિજ  તત્વો હોય છે. આ ફળ આપણા શરીરમાં વિટામીન ‘બી૬’ની આપૂર્તિ કરે છે. તેમાં રહેલા લૌરિક એસિડમાંથી આવતી સેચ્યુરેટેડ ફેટ આપણા શરીરમાં હાઇ ડેન્સિટી  લિપોપ્રોટિન (એચડીએલ)નું સ્તર વધારે છે. તે પાચનક્રિયા પણ સુચારુ રીતે ચલાવવામાં સહાયક બને છે.

કોપરેલ તેલમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિઇનફ્લેમેટરી ગુણધર્મો ભરપૂર પ્રમાણમાં છે. તે આપણી ચયાપચયની ક્રિયા સુચારુ રીતે ચલાવામાં સહાયક હોવાથી આપણને ભૂખ ઓછી લાગે  છે. તે આપણી ત્વચા, વાળ અને દાંત માટે પણ અત્યંત ગુણકારી છે. માથામાં કોપરેલ તેલથી મસાજ કરવાના ફાયદાથી આપણે અજાણ નથી. પરંતુ જેમની ત્વચા શુષ્ક હોય તે કોપરેલ તેલથી માલીશ કરે તો તેમની ચામડી સુંવાળી બને છે. તેનાથી ખરજવા જેવા ત્વચા રોગમાં પણ રાહત મળે છે. 

બહુ ઓછા લોકો એ જાણતા હશે કે કોપરેલ તેલનો ઉપયોગ સનસ્ક્રીન લોશન તરીકે પણ કરી શકાય. તે સૂર્યના પારાજાંબલી કિરણોની અસર ૨૦ ટકા જેટલી ઓછી કરીને આપણી ત્વચાને તડકામાં બળતી અટકાવે છે. આ સિવાય તેનો માઉથવોશ તરીકે પણ ઉપયોગ કરી શકાય. તે મોઢામાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરીને આપણાં દાંતની સુરક્ષા કરે છે અને મોઢામાંથી આવતી દુર્ગંધ રોકે છે. 

ગુજરાતી પ્રજા ભાગ્યે જ રાંધવા માટે કોપરેલ તેલનો ઉપયોગ કરે છે. પરંતુ આ તેલનો આંતર-બાહ્ય ઉપયોગ આપણા શરીર માટે અત્યંત લાભકારી છે. આહારશાસ્ત્રીઓ જણાવે છે કે કોપરેલ તેલમાં રહેલા ફેટી એસિડ્સ અને એન્ટિઓક્સિડંટ્સ વધતી જતી વયની શરીર પર દેખાતી નિશાનીઓને મોળી પાડે છે. તેમાં રહેલા એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો ત્વચાને સ્વસ્થ રાખીને ચેપ,  એલર્જી તેમ જ ત્વચા પર ચકામા પડવા, વાળમાં ખોડો થવા અને કેશ પાતળા થવા માટે  જવાબદાર યીસ્ટ ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ પેદા કરે છે. 

તેમાં રહેલું લૌરિક એસિડ શરીરમાં કોલાજન પેદા કરે છે અને વિટામીન ‘ઇ’ આપણી ત્વચાને સૂર્યના તડકાથી થતી હાનિથી બચાવે છે. માથામાં માત્ર પાંચ મિનિટ માટે પણ કોપરે લ તેલથી માલિશ કરવામાં આવે તોય માથામાં રક્ત પરિભ્રમણ ઝડપી બને છે જે વાળ વધારવામાં મદદ કરે છે. તે માથામાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરવામાં સહાયક પુરવાર થાય છે. રાંધવામાં કોપરેલ તેલનો ઉપયોગ કરવાથી પાચનક્રિયા સુધરે છે. તેમાં રહેલા એન્ટિ-માઇક્રોબાયલ ગુણો પેટમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. 

નાળિયેર પાણીના ગુણો વર્ણવતાં પોષણવિદે કહે છે કે તેમાં પોટેશિયમ જેવું ક્ષાર તત્વ પ્રચૂર માત્રામાં હોવાથી તે આપણા શરીરમાં શક્તિનો સંચાર થાય છે.વળી તેમાં ચરબી બિલકુલ નથી હોતી અને કેલરી પણ નહીંવત્ હોવાથી વજન વધવાની ભીતિ ટળી જાય છે.નાળિયેર પાણી પીવાથી શરીરમાં  રહેલા ઝેરી તત્વો બહાર ફેંકાઇ જતાં હોવાથી આપણી ત્વચા અંદરથી શુધ્ધ બને છે જેનું પરિણામ બાહ્ય ત્વચા પર પણ જોવા મળે છે. 

તેઓ વાળને સુંવાળા બનાવવા માટે નાળિયેરની મલાઇનો ઉપયોગ કરવાની સલાહ આપતાં કહે છે કે વાળ પર તેનો માસ્ક લગાવવાથી કેશ સુંવાળા બને છે.

Read Also

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!