વિશ્વ કપ પહેલા ભારતીય ટીમની કીટ બેગમાં મજબૂતાઈ પણ અને મજબૂરી પણ!

એક સમય હતો કે ભારતીય ટીમ પાસે અમુક મજબૂત વિકલ્પ ન હતા એટલે મજબૂરી હતી. 2003ના વિશ્વ કપને યાદ કરીએ તો બેટિંગ લાઈનઅપ સ્ટ્રોંગ કરવા માટે ખુદ રાહુલ દ્રવિડને વિકેટકીપરની જવાબદારી સોંપાઈ, ટીમ ઈન્ડિયા 20 વર્ષ બાદ વિશ્વ કપના ફાઈનલમાં પણ પહોંચી. પરંતુ આજકાલ ટીમ પાસે એક કરતા વધુ વિકલ્પ છે તો પણ મજબૂરી કેમ એ એક મોટો સવાલ છે.

2015ના વિશ્વ કપ બાદથી અત્યાર સુધી ભારતીય ટીમને વન-ડેમાં નંબર ચાર માટે મજબૂત દાવેદાર નથી મળ્યો, ટીમ પાસે વિકલ્પો ઘણા છે આ વિકલ્પો પ્રયોગોના રૂપે પ્લેઈંગ ઈલેવનમાં જોવા પણ મળે છે. જેમ કે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝમાં નંબર ચાર પર પંત, વિજય શંકર અને રાયડૂ એમ ત્રણ-ત્રણ નામો ટ્રાય થયા. સીરિઝના અંતે કેપ્ટન કહે છે કે ‘તેના દિમાગમાં વિશ્વ કપની પ્લઈંગ ઈલેવન ક્લીયર છે. હજૂ પણ એક જગ્યા એવી છે જે ઓપન છે.’

કેપ્ટન વિરાટ કોહલીના આ નિવેદનને બેટિંગ ઓર્ડરમાં નંબર ચારના સ્લોટ તરીકે ઉલ્લેખ કરીએ તો કઈં ખોટુ નથી, કેમ કે છેલ્લા ચાર વર્ષમાં આ નંબર પર ઘણા પ્રયોગો થયા છે. 4 વર્ષ પહેલા અંતિમ વિશ્વ કપમાં પણ રાયડૂને આ નંબર પર ટ્રાય કરાયો અને વિશ્વ કપ બાદ રાયડૂ ફરીથી પ્લેઈંગ ઈલેવનમાંથી ગાયબ થઈ ગયો. છેલ્લા 1 વર્ષથી ફરીથી આ નામને નંબર ચાર પર ટ્રાય કરાયું. તો શું માની લઈએ કે ત્રણ વર્ષ બાદ ટીમ ઈન્ડિયા પાસે આ નંબર પણ કોઈ મજબૂત વિકલ્પ નથી?

ભૂતકાળમાં આ સ્લોટમાં યુવરાજસિંહ, સુરેશ રૈના અને અજિંક્ય રહાણે ટીમ માટે સ્તંભ હતા. પરંતુ આ ત્રણ નામો હાલ ટીમથી બહાર છે. અહીં યુવા નામોને આ સ્લોટમાં ટ્રાય કરાઈ રહ્યાં છે તેનો મતલબ એ પણ થયો કે સિલેક્શન કમિટી કે પછી કેપ્ટનની સ્કીમ ઓફ થીંગ્સમાં રૈના-રહાણે ફીટ નથી બેસી રહ્યાં. નંબર ચાર પણ મજબૂત દાવેદાર સાથે સાથે ટીમ ઈન્ડિયામાં લાંબા સમયથી પાર્ટ ટાઈમ બોલર્સનો પણ દુકાળ છે.

માનીએ કે કેદાર જાધવ એક પાર્ટ ટાઈમ હોવાથી તેને પ્લેઈંગ ઈલેવનમાં વધારે એડવાન્ટેજ મળે છે. પણ શું ટીમ પાસે રૈના કે યુવરાજસિંહ જેવો કોઈ હુકમનો એક્કો છે? જે બંને મળી મુશ્કેલ પરિસ્થિતિમાં 10 ઓવરનો ક્વોટા પર પૂરો કરી શકે ? આ સવાલ એટલા માટે કેમ કે અત્યારની સ્થિતિમાં ન તો હાર્દિક પંડ્યા કે ન તો વિજય શંકર 10 ઓવરના ક્વોટા પૂરો કરવા માટે સક્ષમ છે.

વિશ્વ કપ પહેલા કેપ્ટન, કોચ અને ટીમ મેનેજમેન્ટ માટે સૌથી મોટો પડકાર નંબર ચાર માટે મજબૂત વિકલ્પ અને એક પાર્ટ ટાઈમરની તલાશ રહેશે. જે હજુ સુધી અધૂરી છે. વિશ્વ કપ માટેની પ્લેઈંગ ઈલેવનના સમિકરણને એક લાઈનમાં વર્ણવીએ તો કહી શકાય કે ટીમ પાસે મજબૂત વિકલ્પની કીટ બેગ તો છે પણ સાથે મજબૂરી પણ..

પ્રવિણ આહિર
સ્પોર્ટસ એડિટર

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter