GSTV
Fashion & Beauty Life Trending

Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી

શિયાળાના આગમન સાથે માનુનીઓને ત્વચા શુષ્ક થવાની અને તરડાવાની સમસ્યા સતાવી રહી છે. ઘણી મહિલાઓનો ચહેરો તો એટલો બધો સુકો થઈ જાય છે કે તેમને જોઈને એવું લાગે જાણે તેમની ઉંમર અચાનક જ બે-પાંચ વર્ષ જેટલી વધી ગઈ હોય. પરંતુ આવું ન બને તેની કાળજી લેવાની સલાહ આપતાં ત્વચા નિષ્ણાતો કહે છે કે નિયમિત રીતે મોઈશ્ચરાઈઝર લગાવવાથી ત્વચા સુંવાળી રહે છે.

તેઓ વધુમાં જણાવે છે કે સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે મોઈશ્ચરાઈઝર ત્વચાને ભીની બનાવે છે. જ્યારે હકીકતમાં તે ત્વચામાં રહેલી ભીનાશને ઊડી જતી અટકાવે છે. પરિણામે ચામડી ઝટ સુકાતી કે તરડાતી નથી. જે મોઈશ્ચરાઈઝર વધારે તૈલીય હોય તે તમારી ત્વચાને સુંવાળી રાખવામાં વધુ અસરકારક પુરવાર થાય છે.

સામાન્ય રીતે મોઈશ્ચરાઈઝર બે પ્રકારના હોય છે. એક ‘ઓઈલ-ઈન-વોટર’ અને બીજું ‘વોટર-ઇન-ઓઈલ’. તેથી તમે જે મોઈશ્ચરાઈઝર પસંદ કરો તે તમારી ત્વચાને અનુરૂપ હોવું જોઈએ. સામાન્ય ત્વચા માટે તેલનું ઓછું પ્રમાણ ધરાવતું વોટર-બેઝડ મોઈશ્ચરાઈઝર યોગ્ય ગણાય છે. પરંતુ તૈલીય ત્વચા માટે ઓઈલ-ફ્રી પ્રોડકટ વાપરવાનો જ આગ્રહ રાખવો. પરંતુ કોમ્બિનેશન ત્વચામાં ચામડીનો જે ભાગ શુષ્ક હોય ત્યાં લાઈટ મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ. જ્યારે તૈલીય ભાગમાં ઓઈલ-ફ્રી પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ. દિવસમાં બેથી ત્રણ વખત ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ.

મોઈશ્ચરાઈઝર ખરીદતી વખતે તેના ઉપર લગાવેલું લેબલ તપાસો. જે ઉત્પાદનમાં કૃત્રિમ પદાર્થોનો ઉપયોગ વધારે કરવામાં આવ્યો હોય તે ખરીદવાનું ટાળો. જેમ કે તેની સુગંધ માટે વપરાયેલો પદાર્થ સૌથી ઓછી માત્રામાં હોવો જોઈએ. તમારા મોઈશ્ચરાઈઝરમાં લિક્વિડ પેરાફીન, લેનોલિન, યુરિયા લેક્ટિક એસિડ અને ગ્લિસરીન હોવાં જોઈએ. છોડ દ્વારા મળતું જોજોબા તેલ પણ ત્વચા માટે શ્રેષ્ઠ ગણાય છે.

મોઈશ્ચરાઈઝર  લગાવવાનો ઉત્તમ સમય સ્નાન કર્યા પછીનો છે. નિષ્ણાતો કહે છે કે સ્નાન કર્યા પછી આપણી ત્વચા સહેજ સહેજ ભીની હોય ત્યારે મોઈશ્ચરાઈઝર લગાવવાથી તે સૌથી વધુ અસરકારક પુરવાર થાય છે. 

અલબત્ત, તેને ચામડી પર ઘસી નથી નાખવાનું હોતું, બલ્કે હળવે હાથે નીચેથી ઉપરની દિશામાં ગોળાકારમાં લગાવવાનું હોય છે. તેવી જ રીતે તેને હથેળીમાં ઘસીને પછી ચહેરા પર લગાવવાથી તેની અસર ઓછી થઈ જાય છે. તેની ઘણી ભીનાશ હથેળીમાં જ રહી જાય છે. તેથી આંગળીના ટેરવાં પર મોઈશ્ચરાઈઝર લઈને પછી  ધીમે ધીમે ચહેરા પર લગાવો.

શિયાળામાં ત્વચાની ભીનાશ જાળવી રાખવા અન્ય કેટલીક બાબતોની કાળજી કરવી પણ જરૂરી છે. જેમ કે વધારે પડતા ગરમ પાણીથી સ્નાન ન કરવું. તેવી જ રીતે તદ્ન ટાઢા પાણીથી પણ ન નાહવું. વધારે પડતું ગરમ જળ ત્વચાને શુષ્ક બનાવે છે. તેથી સ્નાન કરવા માટે હુંફાળુ પાણી ઉત્તમ મનાય છે.

નાહતી વખતે તમારી ત્વચાને નમક અથવા સાકર વડે એકસફોલિએટ કરો. તેનાથી તમારી શુષ્ક અને મૃત ત્વચા દૂર થઈ જશે પરિણામે તેના ઉપર મોઈશ્ચરાઈઝર વધુ સારી રીતે અસર કરશે.

ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન ન કરો. આલ્કોહોલથી તમારી શરીરમાં રહેલા જળનું પ્રમાણ ઘટી જાય છે અને તમારી ત્વચા તુરંત જ રૂક્ષ દેખાય છે. તેવી જ રીતે ધૂમ્રપાન પણ ત્વચાને શુષ્ક બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

ઠંડીની ઋતુમાં સ્વાસ્થ્યપ્રદ ભોજન પણ ત્વચાને તરોતાજા રાખવામાં મદદ કરે છે. તેથી તમારા રોજિંદા આહારમાં ફળો, લીલાં શાકભાજી પૂરતા પ્રમાણમાં લો. આ વાત વાળને પણ એટલા જ પ્રમાણમાં લાગુ પડે છે. શિયાળાની મોસમમાં ત્વચાની જેમ કેશ પણ સુકા થઈ જતાં હોવાથી પૌષ્ટિક આહાર વાળની ભીનાશ જાળવી રાખવામાં મદદગાર પુરવાર થાય છે. આ ઉપરાંત કેશ ધોવા માટે તમે કેવા શેમ્પૂનો ઉપયોગ કરો છો તે પણ એટલું જ અગત્યનું છે. જે શેમ્પૂમાં વિટા-ઓઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે શેમ્પૂ આ મોસમમાં શ્રેષ્ઠ ગણાય છે. વિટા-ઓઈલ વાળમાં રહેલી ભીનાશ જાળવી રાખવામાં સહાયક બને છે. આ ઉપરાંત શેમ્પૂમાં રહેલું નાળિયેર તેલ, બદામનું તેલ અને સુર્યમુખીનું તેલ કેશને સુંવાળા બનાવે છે. તેથી શેમ્પૂ ખરીદતી વખતે પણ તેમાં રહેલાં તત્ત્વો અચૂક તપાસી લેવાં.

Related posts

વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો,

Padma Patel

PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર

Kaushal Pancholi

હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર

Hina Vaja
GSTV