ધોનીની પડતી પાછળ BCCIનો એક અધિકારી છે જવાબદાર, નહોતો ઇચ્છતો કે ફરી કેપ્ટનશીપ મળે

ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજ જેવી ઈન ફોર્મ બેટ્સમેનને વિમેન્સ ટી-૨૦ વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ન રમાડવાના મામલે કેપ્ટન હરમનપ્રીત અને કોચ રમેશ પોવાર તેમજ સીઓએના સભ્ય ડાયના એડલજી વિવાદમાં સપડાયા છે. ત્યારે મીડિયા રિપોર્ટમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે બીસીસીઆઇના એક ઓફિસિલ્સ મેન્સ ટીમના સિલેક્શનમાં પણ દખલગીરી કરી હતી. એશિયા કપ -૨૦૧૮માં અફઘાનિસ્તાન સામેની મેચમાં કેપ્ટન રોહિત અને વાઈસ કેપ્ટન ધવન સહિતના ટોચના ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો ત્યારે ધોનીએ કેપ્ટન્સી સંભાળી હતી. જોકે રિપોર્ટ જણાવે છે કે, બીસીસીઆઇનો એક ઓફિસિઅલ નહતો ઈચ્છતો કે ધોનીને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવે. આ માટે ભારતીય ટીમના મેનેજમેન્ટ પર દબાણ લાવવા આવ્યું હતુ.
બોર્ડના ઉચ્ચ અધિકારી ખુશ નહતા
જોકે ભારતીય ટીમ મેનેજમેન્ટ તે દબાણના તાબે થયું નહતુ અને ધોનીને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. તેણે આ સાથે ૨૦૦મી વખત કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળીને ઈતિહાસ રચ્યો હતો. મીડિયા રિપોર્ટ જણાવે છે કે, એશિયા કપ-૨૦૧૮માં અફઘાનિસ્તાન સામેની મેચ અગાઉ કેપ્ટન-વાઈસ કેપ્ટન સહિતના ટોચના ખેલાડીઓને આરામ આપીને અફઘાનિસ્તાન સામે ધોનીની કેપ્ટન્સીમાં યુવાઓને રમાડવાનો નિર્ણય લેવાયો તેનાથી બોર્ડના ઉચ્ચ અધિકારી ખુશ નહતા. તેમણે ભારતીય ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયની સામે ભારે નારાજગી વ્યક્ત કરતાં તેને નકારી કાઢ્યો હતો.
મિતાલીના દાવા બાદ પ્રકાશમાં આવેલા મીડિયા રિપોર્ટે ઘણા પ્રશ્નાર્થ સર્જ્યા
સૂત્રોને ટાંકીને મીડિયા રિપોર્ટ જણાવે છે કે, એશિયા કપમા અફઘાનિસ્તાન સામેની મેચ અગાઉ જ્યારે ધોનીને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવાયો ત્યારે બીસીસીઆઇના એક સિનિયર એડમિનિસ્ટ્રેટરે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેઓ નહતા ઈચ્છતા કે ધોનીને ફરી કેપ્ટન તરીકેની જવાબદારી સોંપાય. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતુ કે, ધોનીને છોડીને મેદાન પર ઉતરનારા કોઈ પણ સિનિયર ખેલાડીને કેપ્ટન બનાવી દો, પણ ધોનીને નહિ. ભારતીય ટીમના સિલેક્શનમાં બીસીસીઆઇના જ અંદરના સૂત્રો પોતાના હોદ્દાની વગનો ઉપયોગ કરતાં હોવાની અટકળો ચાલતી રહી છે. જોકે મિતાલીના દાવા બાદ પ્રકાશમાં આવેલા મીડિયા રિપોર્ટે ઘણા પ્રશ્નાર્થ સર્જ્યા છે.