ગૌરવ/ આ ગામની સરકારી સ્કૂલનું ૮૯ ટકા પરિણામઃ તમામ વિદ્યાર્થીઓ ટયૂશન વગર પાસ થયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સના જાહેર થયેલા પરિણામમાં વડોદરા નજીક પાદરા તાલુકાના ડબકા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના ૮૯ ટકા પરિણામે બધાને દંગ કરી દીધા છે.આ સ્કૂલમાં ધો.૧૨ની પરીક્ષા આપનારા ૧૮ વિદ્યાર્થીઓમાંથી ૧૬ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને આ તમામ વિદ્યાર્થીઓ કોઈ પણ જાતના ટયૂશન વગર આ સફળતા મેળવી છે.
વડોદરા શહેરની નામાંકિત ગણાતી ખાનગી શાળાઓનુ પરિણામ સારુ આવે તે તો સ્વાભાવિક છે.કારણકે અહીંયા ભણતા વિદ્યાર્થીઓ ટયુશન કલાસમાં પણ જતા હોય છે અને તેમને ઘરમાં અને સ્કૂલમાં ભણવા માટે તમામ પ્રકારની સુવિધાઓ પણ મળતી હોય છે.
જ્યારે ડબકાની સરકારી સ્કૂલમાં ધો.૧૨ની પરીક્ષા પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓ ડબકા તથા આસપાસના ગામડાઓના છે.કોઈ પાંચ કિલોમીટર તો કોઈ દસ કિલોમીટર દુરથી સ્કૂલમાં અભ્યાસ કરવા આવતા હતા.મોટાભાગની આર્થિક સ્થિતિ પણ સાધારણ છે.

સ્કૂલના આચાર્ય ધર્મેશ મકવાણા કહે છે કે, વડોદરા જિલ્લામાં ૧૭ સરકારી માધ્યમિક સ્કૂલો છે.આ પૈકીની વાઘોડિયા અને ડબકાની સ્કૂલમાં ધો.૧૧-૧૨ સાયન્સ શરુ કરાયુ છે.૨૦૧૯માં અમારી સ્કૂલને ધો.૧૧ અને ૧૨ સાયન્સની મંજૂરી અપાઈ હતી.૨૦૨૦માં માસ પ્રમોશન જાહેર થયુ હતુ.એ પછી ૨૦૨૨ની બોર્ડ પરીક્ષા વિદ્યાર્થીઓની સાથે અમારા માટે પણ પરીક્ષા પૂરવાર થવાની હતી.
તેમનુ કહેવુ છે કે, સ્કૂલમાં સાયન્સ માટે પાંચ શિક્ષકો છે.જે વિદ્યાર્થીઓને ભણાવે છે અને જરુર પડે તો એક્સ્ટ્રા ક્લાસ લે છે.કારણકે આ વખતે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમને ટયુશન શું છે તે ખબર નથી.સ્કૂલમાં પ્રેક્ટિકલ માટે તમામ પ્રકારની સુવિધાઓ છે.વિદ્યાર્થીઓ પણ લગનથી ભણ્યા છે અને તેના કારણે અમે અપેક્ષા રાખી હતી તેના કરતા વધારે સારુ પરિણામ આવ્યુ છે.
વિદ્યાર્થીઓ સાયન્સ લે તે માટે સ્કૂલોમાં જઈને કાઉન્સિલિંગ
ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ધો.૧૦ પાસ કર્યા બાદ ધો.૧૧ સાયન્સમાં પ્રવેશ લે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા આચાર્ય ધર્મેશભાઈ પોતે પાદરા તાલુકાની જેટલી પણ સ્કૂલો છે તેમાં જાતે જાય છે અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને તેમને સાયન્સમાં અભ્યાસ કરવાના ફાયદા સમજાવે છે.આ સિવાય તેઓ સરકારી સ્કૂલનો સોશિયલ મીડિયા પર પ્રચાર કરે છે.

બે વિદ્યાર્થીઓ એટલા ગરીબ હતા કે તેમની પરીક્ષા ફી પણ શિક્ષકોએ ભરી
સ્કૂલના આચાર્ય કહે છે કે, સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ હોવાથી વિદ્યાર્થીઓએ એક પણ રુપિયો ફી ભરવાની હોતી નથી.આમ છતા કેટલાક વિદ્યાર્થીઓ આર્થિક રીતે એટલા નબળા હતા કે, તેમને શિક્ષકો નોટબૂકો અને બીજા સાહિત્ય માટે પણ મદદ કરતા હતા.બે વિદ્યાર્થીઓની તો બોર્ડ પરીક્ષાની ફી પણ શિક્ષકોએ ભરી હતી.આ વિદ્યાર્થીઓ પણ પાસ થયા છે તેનો વિશેષ આનંદ છે.
સ્કૂલના ટોપ થ્રીમાં તમામ ગર્લ્સ
- ડબકાની સરકારી સ્કૂલમાં ધો.૧૨ સાયન્સ પાસ કરનારા વિદ્યાર્થીઓમાં સ્નેહા મહેશભાઈ ઓડે ૭૩ ટકા સાથે સ્કૂલમં પહેલો ક્રમ મેળવ્યો છે.
- જ્યારે બીજા ક્રમે નિકિતા અરવિંદ સિંહ પઢિયારે ૬૪ ટકા તથા ત્રીજા ક્રમે નિકાતા બેન પ્રવિણ સિંહ પઢિયારે ૬૦ ટકા માર્કસમેળવ્યા છે.
- આમ શાળાના ટોપ થ્રી સ્ટુડન્ટસ ગર્લ્સ જ છે.
Read Also
- ઉનાળામાં કસરત કરવાનો કયો છે શ્રેષ્ઠ સમય? જાણો શું કહે છે નિષ્ણાંતો, કઈ વાતનું રાખવું જોઈએ ધ્યાન
- કેન્દ્ર-રાજ્યના મંત્રીઓ હાજરી આપશે ,નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષના ખાતમુહૂર્તને લઈ તૈયારીનો ધમધમાટ
- Video/ મેદાન વચ્ચે અમ્પાયર સાથે બાખડી પડ્યો કૃણાલ પંડ્યા, આ વાતને લઇને ભડકી ઉઠ્યો
- પૃથ્વીરાજનો સેટ 12મી સદીનો બતાવવા આદિત્ય ચોપરાએ ખર્ચ્યા 25 કરોડ રૂપિયા, આ શહેરોની આબેહૂબ છબી બનાવી
- દુ:ખદ: આફ્રિકી દેશ સેનેગલના ઈતિહાસમાં સૌથી મોટી આગ હોનારત, 11 નવજાત શિશુઓ જીવતા ભૂંજાયા