મહારાષ્ટ્રની રાજકીય ઉથલ-પાથલ વચ્ચે શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેએ તેમને 50થી વધારે ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. તેમાં 37થી વધારે ધારાસભ્યો શિવસેનાના છે. એકનાથ શિંદેના કહેવા પ્રમાણે ‘જેમને અમારી ભૂમિકા પર વિશ્વાસ છે, જે બાલાસાહેબની આઈડિયોલોજીને આગળ લઈ જવા માગે છે, જેમને તે પસંદ છે તે અમારા સાથે આવશે.’ઉપરાંત 12 બાગી ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરવાની અરજીને ગેરકાયદેસર ગણાવતા કહ્યું હતું કે, અમે લોકો બહુમતમાં છીએ અને લોકશાહીમાં નંબરનું જ મહત્વ હોય છે. તેઓ આ પ્રકારે સસ્પેન્ડ ન કરી શકે. સાથે જ પલટવાર કરતા કહ્યું હતું કે, વ્હિપ ફક્ત વિધાનસભાના કાર્યો માટે જ લાગુ થાય છે. શિંદેએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘તમે કોને ધમકી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છો? અમે તમારી ચાલાકીઓને સમજીએ છીએ તથા કાયદાને પણ સમજીએ છીએ. બંધારણની 10મી અનુસૂચિ પ્રમાણે વ્હિપ વિધાનસભાના કાર્યો માટે લાગુ થાય છે, કોઈ બેઠક માટે નહીં.’