GSTV

કોંગ્રેસનાં ડબલાં ડૂલ : અતથી ઇતિ કહાની… 52…47…43…8…0…0…

Last Updated on February 12, 2020 by Karan

દિલ્હી વિધાનસભા 2020ની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને નામોશીભર્યો પરાજય મળ્યો છે. જેમાં આમ આદમી પાર્ટી 63 જ્યારે બીજેપી 7 સીટો પર છે. તો દેશની એક સમયની સૌથી મોટી પાર્ટી તરીકે જેની ગણના થતી હતી તે કોંગ્રેસ શૂન્યના સ્કોર પર આઉટ થઈ ચૂકી છે. જ્યારે પરિણામો આવવાની શરૂઆત થઈ ત્યારે કોંગ્રેસને 2 સીટો મળશે તેવું પ્રારંભિક તબક્કામાં લાગતું હતું, પણ બાદમાં આમ આદમી પાર્ટીનો જ મેજીક છવાયેલો રહ્યો હતો અને કોંગ્રેસ પાર્ટીનો રકાસ થઈ ગયો હતો. કોંગ્રેસ પાર્ટી જ્યારે અપક્ષ હોય તેમ તેને એક પણ સીટ હાથમાં નહોતી આવી.

કોંગ્રેસ પાર્ટીનો શિલા દીક્ષિતના નેતૃત્વમાં ઉદય

કોણ માની શકે કે આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેણે દિલ્હીના તખ્ત પર 15 વર્ષ સુધી શીલા દીક્ષિતના નેતૃત્વ હેઠળ શાસન કર્યું હતું. 1998માં શીલા યુગની શરૂઆત થઈ હતી. આ ચૂંટણીમાં મોંઘવારી એક પ્રમુખ મુદ્દો રહ્યો હતો. જેના કારણે ભાજપની સરકાર પડી ગઈ હતી. એ સમયે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. શીલા દીક્ષિત મુખ્યમંત્રી તરીકે આવ્યા. એ સમયે વિધાનસભામાં શીલા દીક્ષિતને 52 સીટો મળી હતી. જેમાં કોંગ્રેસના લગભગ 48 ટકા વોટ કોંગ્રેસને મળ્યા હતા. સુષ્મા સ્વરાજના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની હાર થઈ. તેને માત્ર 15 સીટો મળી. અને બીજેપીને 34 ટકા વોટ મળ્યા.

2003માં ફરી કોંગ્રેસ

વર્ષ 2003માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જબરદસ્ત જીત મળી. એ ચૂંટણીમાં કોંગ્રેસે 47 સીટો મેળવી હતી. ફરી એકવાર કોંગ્રેસે શીલા દીક્ષિતના નેતૃત્વ હેઠળ સત્તા મેળવી. ડિસેમ્બર 2003માં વિધાનસભાની ચૂંટણી લડનારી કોંગ્રેસને 48.13 ટકા વોટ મળ્યા. બીજા સ્થાને ભારતીય જનતા પાર્ટી રહી. જેને 20 સીટો અને 35 ટકા વોટ મળ્યા.

2008માં શીલાની હેટ્રીક

વર્ષ 2008ની ચૂંટણીમાં શીલા દીક્ષિતના નેતૃત્વવાળી કોંગ્રેસ પાર્ટીએ સત્તત ત્રીજી વખત જીત મેળવી હેટ્રીક નોંધાવી દીધી. ફરી કોંગ્રેસની સરકાર રચાય. જેમાં કોંગ્રેસને કુલ 43 સીટો મળી હતી અને પાર્ટીના વોટશેર 40 ટકા હતા. આ સમયે ચૂંટણીમાં માત્ર બે જ પાર્ટીઓ હતી. એક ભાજપ અને બીજી કોંગ્રેસ, પણ આ બંન્ને પાર્ટીઓને ખ્યાલ નહોતો કે આવનારા પાંચ વર્ષમાં એક એવી પાર્ટી આવવાની છે જે કાયમ માટે દિલ્હી તેમનાથી દૂર કરી નાખશે.

2013માં ઉલટ ફૂલટ

2013ની સાલમાં કોંગ્રેસના નબળા દિવસોની શરૂઆત થઈ. કોમનવેલ્થ કૌભાંડ અને અણ્ણા આંદોલને દિલ્હીને ગજવી નાખ્યું. જેમાં આમ આદમી પાર્ટીનો ઉદય થયો. વિધાનસભાના પરિણામો ત્રિશંકુ રહ્યા. ભારતીય જનતા પાર્ટીને 31, આમ આદમી પાર્ટીને 28 અને કોંગ્રેસને માત્ર 8 સીટો મળી. કોઈ માની નહોતું શકતું કે શીલા દીક્ષિતના નેતૃત્વવાળી આ એ જ કોંગ્રેસ પાર્ટી છે, જેણે સત્તત ત્રણ ટર્મ સુધી શાસન કર્યું. પણ કેજરીવાલ સત્તા પર વધારે સમય ન ટકી શક્યા. 49 દિવસોમાં જ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું અને બાદમાં ફરી વખત ચૂંટણી કરવાની નોબત આવી ગઈ.

2015માં AAP પાર્ટીનો ઉદય

વર્ષ 2015માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન રહ્યું અને આમ આદમી પાર્ટીનો ઉદય થયો. આમ આદમી પાર્ટીએ મચાવેલા તોફાનમાં વિપક્ષના કિલ્લાઓ ધ્વંસ થઈ ગયા. ભાજપને માત્ર ત્રણ સીટો મળી. તો કોંગ્રેસને માત્ર અને માત્ર શૂન્ય હાથમાં આવ્યું. એટલું જ નહીં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પણ હારનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો. આમ આદમી પાર્ટીને 70માંથી 67 સીટો હાથમાં આવી.

2020માં પણ કોંગ્રેસે હારને રિપીટ કરી

વર્ષ 2020માં પણ કોંગ્રેસ માટે કંઈ નવું પરિણામ ન આવ્યું. કોંગ્રેસ ચારેખાનો ચિત્ત થઈ એટલું જ નહીં તેના 67 ઉમેદવારોની જમાનત પણ જપ્ત થઈ ગઈ. દિલ્હીના તખ્ત પર ફરી શૂન્ય જોવા મળ્યું. બીજી તરફ ભાજપના પ્રદર્શનમાં થોડો સુધાર આવ્યો. ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2015માં માત્ર ત્રણ સીટો મેળવી હતી તેની જગ્યાએ હવે સાત સીટો સુધી પહોંચી છે. છતાં વિરોધ કરવા માટે વિરોધ પક્ષ જેવું આ વખતે પણ નથી રહ્યું અને કેજરીવાલની પાર્ટીના જ નેતાઓ દેખાય રહ્યા છે. જેમણે ઝાડુ દ્રારા વિરોધીઓની પૂરતી સફાઈ કરી નાખી છે.

READ ALSO

Related posts

આતંકીસ્તાનને ભણાવવો પડશે પાઠ: યુએસ એજન્સીના રિપોર્ટમાં ચોંકાવનારો અહેવાલ, કુખ્યાત આંતકીસંગઠોના નિશાના પર ભારત!

pratik shah

મોટા સમાચાર: પંજાબ કોંગ્રેસમાં કકળાટ વધ્યો, પ્રદેશ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામું

Pravin Makwana

દિલ્હી હાઈકોર્ટનું તારણ: દિલ્હીમાં જે હિંસા થઈ તે અચાનક નહોતી પણ પૂર્વયોજીત હતી, આરોપીના જામીન માટે થઈ સુનાવણી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!