GSTV
Home » News » આજનો ચૂકાદો આ બે દોસ્તોને છે સાચી શ્રદ્ધાંજલી, મોત સુધી સાથે રહ્યા પણ કોર્ટમાં કરતા કટ્ટર વિરોધ

આજનો ચૂકાદો આ બે દોસ્તોને છે સાચી શ્રદ્ધાંજલી, મોત સુધી સાથે રહ્યા પણ કોર્ટમાં કરતા કટ્ટર વિરોધ

સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમાન હાશમિ અન્સારી અને રામચંદ્રદાસ પરમહંસની દોસ્તીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. કોર્ટમાં સામસામે કેસ લડતાં અન્સારી મુસ્લિમ પક્ષકાર હતા અને રામચંદ્રદાસ દિગંબર અખાડા વતી હિન્દુ પક્ષકાર હતા પરંતુ બંને એક જ રીક્ષામાં અદાલતમાં આવતા હતા. અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. દેશની સૌથી મોટી કોર્ટે સૌથી મોટો ચૂકાદો આપતા અયોધ્યાની વિવાદિત જમીન પર રામલલા વિરાજમાનનો હક માન્યો છે.જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ 5 એકર જમીન આપવાનો આદેશ કર્યો છે. અયોધ્યાનો આ ચૂકાદો ખરા અર્થમાં હિંદુ-મુસ્લિમ બે પક્ષકારોને સાચી શ્રદ્ધાંજલિ ગણી શકાય.

અયોધ્યાના વતની હાશિમ અન્સારીનો જન્મ 1921માં થયો હતો. બાબરી મસ્જિદ તરીકે ઓળખાતી ઈમારતમાં 22-23 ડિસેમ્બરની મધ્યરાત્રિએ નિર્મોહી અખાડાના ત્રણ સાધુઓએ મુખ્ય ગુંબજની નીચે રામલલાની મૂર્તિ મૂકી ત્યાં પૂજા-અર્ચના, આરતી કરીને જતાં રહ્યા. આ સમગ્ર ઘટના પોતે નજરે નીહાળી હોવાના દાવા સાથે સૌ પ્રથમ અદાલતમાં જનાર મુસ્લિમ પક્ષકાર એટલે હાશિમ અન્સારી. એ વખતે તેમની ઉંમર 28 વર્ષની હતી. માત્ર 2 ધોરણ સુધી ભણેલા અન્સારી દરજી કામ કરતા હતા. પ્રથમ ફરિયાદી તરીકે સુન્ની વકફ બોર્ડે તેમને મુખ્ય પક્ષકાર બનાવ્યા હતા અને છ દાયકાઓ સુધી ફૈઝાબાદથી માંડીને લખનૌ, દિલ્હીની અદાલતોમાં અન્સારીએ પણ એકપણ વખત ચુક્યા વગર દરેક મુદત વખતે હાજરી આપી હતી.

બીજા શબ્દોમાં કહીએ તો, અયોધ્યા વિવાદમાં તેઓ મુસ્લિમ પક્ષકારનો મુખ્ય ચહેરો ગણાતાં હતા. તો દિગંબર અખાડાના સાધુ તરીકે રામચંદ્રદાસ પરમહંસ 1934થી રામ જન્મસ્થાન મુક્તિ આંદોલન જગાવવા પ્રયત્નશીલ હતા. અયોધ્યા મેં નહિ રામ, તબ તક નહિ વિરામ એ સૂત્ર લખેલું બેનર પોતાની કુટિર પર કાયમ માટે રાખતાં રામચંદ્રદાસ સ્થાનિક કલેક્ટરને આવેદનપત્ર આપીને ધરપકડ વ્હોરી લેનારા સૌ પ્રથમ કારસેવક હતા. બાબરી મસ્જિદની જગ્યાએ રામમંદિર બનવું જોઈએ એ અંગે 1949માં ફૈઝાબાદની અદાલતમાં દાવો દાખલ કરનારા પ્રથમ હિન્દુ પક્ષકાર તરીકે રામચંદ્રદાસનું નામ છે.

પ્રથમ મુસ્લિમ પક્ષકાર અને પ્રથમ હિન્દુ પક્ષકાર વચ્ચે અતૂટ દોસ્તી રસપ્રદ બાબત એ છે કે, હાશિમ અન્સારી અને રામચંદ્રદાસ વચ્ચે અદાલતી ખટલાનો આરંભ થયો એથી પણ પહેલાંની દોસ્તી હતી. અયોધ્યા વિવાદ સંબંધિત કેસમાં ફૈઝાબાદની અદાલતમાં મુદત હોય ત્યારે એક જ રીક્ષામાં બેસીને આવતાં હાશિમ અન્સારી અને રામચંદ્રદાસ બંને ધર્મ વચ્ચેના એખલાસનું પ્રતીક ગણાતા હતા. 2003ના રોજ રામચંદ્રદાસનું અવસાન થયું. એ વખતે 82 વર્ષના અન્સારી એપેન્ડિક્સનું ઓપરેશન કરાવીને લખનૌ હોસ્પિટલમાં આરામ કરી રહ્યા હતા. સમાચાર મળતાં જ તરત તેઓ અયોધ્યા આવ્યા અને નાદુરસ્ત તબિયતની પરવા કર્યા વગર રામચંદ્રદાસના મૃતદેહ પાસે બેસીને રાતભર પવિત્ર કુરાનની આયાતો પઢતા રહ્યા.

દોસ્તની અંતિમવિધિ પછી હિન્દુની માફક સરયુમાં સ્નાન કર્યું. મુંડન કરાવ્યું અને પછી જ ઘરે ગયા. એક જ મુદ્દે પોતપોતાના ધર્મસ્થાન માટે, પોતપોતાની આસ્થા માટે અદાલતનો આશરો લેનારા આ બંને દિવંગત દોસ્તોનો આત્મા આજે સર્વોચ્ચ અદાલતના સંતુલિત ચુકાદા પછી શાતા અનુભવતો હશે. આ ચુકાદો કોઈનો વિજય નથી, કોઈનો પરાજય નથી. એ આ બેમિસાલ દોસ્તીની જીત છે.

READ ALSO

Related posts

NCP, શિવસેના અને કોંગ્રેસ સરકાર ન બનાવે આ માટે ભાજપે રચ્યો હતો આ માસ્ટરપ્લાન

Mayur

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi

આ બે નેતાઓના કારણે શિવસેનાનું સત્તા મેળવવાનું સપનું ‘સપનું’ જ બનીને રહી ગયું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!