રામમંદિર બનશે તો દિલ્હીથી કાબુલ સુધી તબાહી મચશે, પાકિસ્તાનના આતંકવાદી સંગઠને આપી ધમકી

અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં પાકિસ્તાનના આઈએસઆઈ પ્રેરીત આતંકવાદી સંગઠનો પણ પોતાની પ્રાસંગિકતા સાબિત કરવા માટે ભૂતકાળમાં ભડકાઉ ભાષણો અને કાર્યવાહી કરી ચુક્યા છે. હવે અયોધ્યા વિવાદ પર પાકિસ્તાની સેનાના બગલબચ્ચા જેવા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ધમકી આપી છે. આતંકવાદી મસૂદ અઝહરની આગેવાનીવાળા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ધમકી આપી છે કે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થવા દેવામાં નહીં આવે.

પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરે કહ્યુ છે કે બાબરી મસ્જિદ મામલામાં પર તેની પુરેપુરી નજર છે. કંદહાર કાંડ વખતે ભારત સરકાર દ્વારા છોડવામાં આવેલા ત્રણ આતંકીઓમાંથી એક એવા મસૂદ અઝહરે ધમકી આપી છે કે અયોધ્યામાં વિવાદીત સ્થળે રામમંદિરનું નિર્માણ કરવામાં આવશે, તો જૈશ-એ-મોહમ્મદ દિલ્હીથી કાબુલ સુધી તબાહી ફેલાવી દેશે. આ પહેલા પણ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ જલાલાબાદ સહીતના અફઘાનિસ્તાન ખાતેના ભારતીય સંસ્થાનોને નિશાન બનાવી ચુક્યા છે. મહત્વપૂર્ણ છે કે રામજન્મભૂમિના વિવાદીત સ્થાન પર બનેલા કામચલાઉ મંદિરને નિશાન બનાવીને 2005માં લશ્કરે તૈયબાના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જો કે હુમલો કરનારા ત્રણ આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા હતા.

પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરે બાબરી મસ્જિદને લઈને નવ મિનિટનો એક ઓડિયો જાહેર કર્યો છે. આ ઓડિયોમાં પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરે ધમકી આપી છે કે જો ભારત બાબરી મસ્જિદના સ્થાને રામમંદિર બનાવશે. તો દિલ્હીથી કાબુલ સુધી તેના આતંકીઓ બદલો લેવા માટે તૈયાર છે. મસૂદે કહ્યુ છે કે તેના આતંકવાદીઓ સંપૂર્ણપણે તબાહી ફેલાવવા માટે તૈયાર છે. મસૂદ અઝહરે દાવો કર્યો છે કે કાબુલ અને જલાલાબાદમાં ભારતીય સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી હતી.

પાકિસ્તાની આતંકવાદીએ ઓડિયોમાં કહ્યુ છે કે બાબરી મસ્જિદને તોડીને ત્યાં અસ્થાયી મંદિર બનાવવામાં આવ્યું છે. ત્યાં લોકો ત્રિશૂળ સાથે એકઠા થઈ રહ્યા છે. મુસ્લિમોને ડરાવાઈ રહ્યા છે અને ફરી એકવાર જૈશ-એ-મોહમ્મદને બાબરી મસ્જિદ બોલાવી રહી છે. ઓડિયોમાં જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરે કહ્યુ છે કે તે બાબરી મસ્જિદ પર નજર માંડીને બેઠો છે. તમે સરકારી ખર્ચ કરવાની હેસિયત રાખો છે. તો તે જાન ખર્ચ કરવાની ત્રેવડ ધરાવે છે.

અઝહર મસૂદે કરતારપુર કોરિડોર મામલે ટીપ્પણી કરી છે અને પાકિસ્તાની સરકાર દ્વારા ભારતના પ્રધાનોને બોલાવવા મામલે નારાજગી વ્યક્ત કરી છે. આ ઓડિયોમાં મસૂદ અઝહર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પણ ઝેર ઓકી રહ્યો છે. પાકિસ્તાની આતંકવાદીએ કહ્યુ છે કે આ બધું વડાપ્રધાન મોદી કથિતપણે ચૂંટણી માટે કરી રહ્યા છે.

Read also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter