અવસર નાકિયા : જેણે એક સમયે કુંવરજી માટે ગામો ખુંદી વળીને પ્રચાર કર્યો હતો

જસદણની પેટાચૂંટણીમાં કોંગ્રેસે કુંવરજી સામે અવસર નાકિયાને મેદાનમાં ઉતાર્યા છે. રસપ્રદ વાત એ છે કે અવસર નાકિયાને રાજકારણના પાઠ શીખવાડનાર કુંવરજી બાવળિયા જ છે. આમ કોંગ્રેસે ગુરૂ બાવળિયા સામે અવસરને મેદાનમાં ઉતારી આબાદ સોગઠી મારી છે. વર્ષોથી પક્ષના પાયાના કાર્યકર અને બિલકુલ સાદાઇભર્યું જીવન જીવતા અવસર નાકિયા કુંવરજીને બરાબરના હંફાવી રહ્યા છે. ત્યારે આવો નજર કરીએ અવસર નાકિયાની રાજકીય કારકિર્દી પર.

જસદણની પેટાચૂંટણીમાં કોંગ્રેસે અનેક મજબૂત દાવેદારોને બાજુમાં રાખીને અવસર નાકિયાને કુંવરજી સામે મેદાનમાં ઉતારતા ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે. અવસર નાકિયાનો જન્મ 4 જુલાઇ 1972ના રોજ વીંછીયાના આસલપુર ગામે થયો હતો. આસલપુરની જ પ્રાથમિક શાળામાં તેમણે ધોરણ-6 સુધી અભ્યાસ કર્યો હતો. વર્ષ 1995માં અવસર નાકિયાના લગ્ન ગીતાબેન સાથે થયા હતા. તેમને 5 પુત્રીઓ અને 1 પુત્ર એમ કુલ 6 સંતાન છે.

હાલ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કાર્યરત અવસર નાકિયા છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. અવસર નાકિયા 2 ટર્મથી પીપરડી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા છે. રસપ્રદ વાત એ છે કે અવસર નાકિયાએ રાજકારણના પાઠ કુંવરજી બાવળિયા પાસેથી શીખ્યા છે અને તેને રાજકારણમાં લાવનાર પણ કુંવરજી બાવળિયા જ છે. કુંવરજી બાવળિયા 5 ટર્મથી કોંગ્રેસમાંથી ચૂંટાતા આવતા હતા ત્યારે અવસર નાકિયા ગામેગામ ખુંદી વળી તેનો પ્રચાર કરતા હતા. કુંવરજી બાવળિયાના શિષ્ય રહી ચૂક્યા હોવાના કારણે અવસર નાકિયા તેમના રાજકીય દાવપેચ સારી રીતે જાણે છે. ગામડાઓમાં લોકો વચ્ચે જઇને કેવી રીતે પ્રચાર કરવો અને ક્યા ગામમાં કોંગ્રેસને કેટલા મત મળશે તેનું ગણિત 6 ચોપડી ભણેલા અવસર નાકિયાને બરાબર ખબર છે

એકદમ સરળ અને મિલનસાર સ્વભાવને કારણે અવસર નાકિયા આસપાસના વિસ્તારમાં સારી એવી લોકચાહના ધરાવે છે. બીજી તરફ કુંવરજી બાવળિયાએ પ્રધાનપદ મેળવવા ભાજપનો ભગવો ધારણ કર્યા બાદ તેમની પક્ષપલટું તરીકેની છાપ ઉભી થઇ છે.

આ કારણે જસદણના અનેક લોકોમાં બાવળિયા પ્રત્યે રોષની લાગણી પ્રવર્તી રહી છે. જ્યારે કે અવસર નાકિયા છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ પક્ષના પાયાના કાર્યકર તરીકે વફાદાર નેતાની છાપ ધરાવે છે. આ ઉપરાંત બાવળિયાની જેમ જ કોળી સમાજ પર પણ તેમનું સારું એવું પ્રભુત્વ છે. આમ શિષ્ય અવસરની સાદગી અને વફાદારી ગુરૂ બાવળિયાને ચૂંટણીમાં ભારે પડી શકે છે તેમ રાજકીય નિષ્ણાતોનું માનવું છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter