બાવળીયા અને નાકિયાની જીતનો આધાર આ એક સમાજ પર, એમના એક વોટથી પણ થઇ શકે ઉલટફેર

ગુજરાતમાં 2019ની લોકસભા ચૂંટણીની દશા અને દિશા નક્કી કરનારી જસદણ વિધાનસભાની પેટાચૂંટણીને લઇને રાજ્યભરના પ્રજાજનોમાં ઉત્કંઠા ફેલાઇ છે. એક તરફ કોંગ્રેસનો હાથ છોડી ભગવો ધારણ કરનારા કુંવરજી બાવળિયા છે. તો બીજી તરફ કોંગ્રેસ તરફથી બાવળિયાના જ શિષ્ય અવસર નાકિયા તેમને બરાબરના હંફાવી રહ્યા છે. ચાર રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને બાવળિયા આગળ ચાલી રહ્યાં છે.

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ બાદ યોજાઇ રહેલી જસદણ બેઠકની પેટાચૂંટણીએ ફરી એક વખત રાજ્યમાં ઉત્કંઠા જગાવી છે. દાયકાઓથી કોંગ્રેસમાંથી જીતતા આવેલા કુંવરજી બાવળિયાએ પક્ષપલટો કરી કેસરિયો ખેસ ધારણ કરતા હવે તેઓ ભાજપમાંથી પણ દબદબો જાળવી રાખે છે કે કેમ તેના પર સૌની નજર છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર અને કુંવરજીના જ શિષ્ય અવસર નાકિયા તેમના માટે જબરદસ્ત પડકાર ઉભો કરી રહ્યા છે.

જસદણ વિધાનસભા બેઠક પર કુલ 2 લાખ 24 હજાર 290 મતદારો છે. જે પૈકી પુરૂષ મતદારોની સંખ્યા 1 લાખ 18 હજાર 722 છે. જ્યારે કે સ્ત્રી મતદારોની સંખ્યા 1 લાખ 5 હજાર 568 છે. કુલ મતદારો પૈકી અડધોઅડધ એટલે કે 50 ટકા મતદારો 20 થી 40 વર્ષની વચ્ચેની વયના છે. જે ચૂંટણીમાં નિર્ણાયક પરિબળ સાબિત થશે.

જસદણમાં કોઇ પણ પક્ષ માટે હાર કે જીતનું નિર્ણાયક પરિબળ કોળી મતદારો સાબિત થશે. જસદણમાં કોળી જ્ઞાતિના 70 થી 72 હજાર મતદારો છે. તો લેઉઆ પટેલ મતદારોની સંખ્યા 40 થી 42 હજાર છે. તો કડવા પટેલ મતદારો 10 હજાર જેટલા છે. જ્યારે કે ભરવાડ અને રબારી જ્ઞાતિના મતદારોની સંખ્યા અંદાજે 12 હજાર જેટલી છે. જો ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો કોળી મતદારો સૌથી વધુ 35 ટકા છે. જે બાદ લેઉઆ પટેલ મતદારોની સંખ્યા 20 ટકા જેટલી છે. કડવા પાટીદાર મતદારો 7 ટકા છે. તો ક્ષત્રિય મતદારો 8 ટકા છે. લઘુમતી મતદારો 7 ટકા છે. જ્યારે કે 23 ટકા અન્ય મતદારો છે.

જસદણ બેઠક એ પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. પરંતુ કુંવરજી બાવળિયાએ હાથનો સાથ છોડી ભગવો ધારણ કરતા જસદણની પ્રજામાં નારાજગી જોવા મળી છે. બીજી તરફ જસદણના મુખ્ય પ્રશ્નો જેવા કે ખેડૂતોને સિંચાઇ, પાકવીમો, પ્રાથમિક સુવિધાઓનો અભાવ સહિત અનેક પ્રશ્નો ઠેરના ઠેર છે. ત્યારે જસદણના મતદારો હવે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પૈકી કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તેના પર સમગ્ર ગુજરાતની નજર રહેલી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter