GSTV
Ahmedabad Trending Videos ગુજરાત ટોપ સ્ટોરી

માત્ર બે ઈંચ વરસાદમાં જ અમદાવાદના 52 સ્થળોએ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા, જો દસ ઈંચ પડ્યો હોત તો ?

અમદાવાદ શહેરમાં ગુરૂવારની રાત્રે  માત્ર એક કલાકમાં પડેલા સરેરાશ બે ઇંચ વરસાદે શહેરની દશા બગાડી મૂકી હતી. જળબંબાકારની સ્થિતિ વચ્ચે મ્યુનિ.તંત્ર લાચાર જોવા મળ્યું હતું.  દક્ષિણ પશ્ચિમ ઝોનમાં  સરખેજમાં સૌથી વધુ એકસામટો ૪ ઇંચ વરસાદ પડી જતા સમગ્ર વિસ્તારમાં ઢીંચણસમા પાણી  ભરાતા આ વિસ્તારોમાં રહેતા લોકોની હાલક કફોડી બની ગઇ હતી. રાત્રે પડેલા વરસાદમાં  શહેરમાં કુલ ૫૨ સ્થળોએ પાણી ભરાયા ગયા હતા.  શહેરમાં ૧૦ સ્થળોએ ઝાડ પડી ગયા હતા. ૩ મકાનો ભયજનક હોવાની ફરિયાદ મ્યુનિ.તંત્રને મળતા આ મકાનો  ઉતારી લેવાની  કામગીરી હાથ ધરાઇ હતી. પશ્ચિમ ઝોનમાં એક ભુવો પડયો હતો.  અખબારનગર અંડરપાસમાં પાણી ભરાઇ જતા  સલામતીના કારણોસર ગુરૂવારે રાત્રે ૧૦ઃ૩૦ કલાકે તેને બંધ કરવો પડયો હતો. સાડા ત્રણ કલાકે પાણીનો નિકાલ ે કરીને તેને રાત્રે ૩ વાગ્યે ફરીથી લોકોની અવર-જવર માટે ખૂલ્લો મૂકાયો હતો. 

અમદાવાદ શહેરમાં ગુરૂવારના સવારના ૬ વાગ્યાથી શુક્રવારના સવારના ૬ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં સરેરાશ બે ઇંચ વરસાદ પડયો હતો. જેમાં ગુરૂવારે રાત્રે ૧૦ થી ૧૧ કલાકના એક કલાકના સમયમાં સરખેજમાં પોણા ચાર ઇંચ, દૂધેશ્વરમાં બે ઇંચ તેમજ ઉસ્માનપુરા, ચાંદખેડા, રાણીપ, બોડકદેવ, ગોતા ,મેમ્કોમાં પોણા બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતા આ વિસ્તારોની હાલાક દયનીય બની જવા પામી હતી.  જોકે ભારે વરસાદ રાત્રિ દરમિયાન પડયો હોવાથી શહેરીજનોને વધુ હાલાકી પડી નહોતી. ભારે વરસાદની સ્થિતિને જોતા વાસણા બેરેજના પાંચ દરવાજા ૩ ફૂટ સુુધી ખોલી નાંખીને સાબરમતી નદીમાં ૯,૩૩૪ ક્યૂસેક પાણી છોડાયું હતું. બેરેજની પાણીની સપાટી  ત્રણ ફૂટ જેટલી ઘટાડીને ૧૨૮.૭૫ ફૂટે લાવવામાં આવી હતી.

ગુરૂવારે રાત્રે પડેલા વરસાદે પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જી દેતા લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા હતા. તૂટેલા રોડ, મેટ્રો ટ્રેનના કામને લઇને સાંકળા થયેલા રસ્તાઓ, ડ્રેનેજ  લાઇનનું ચાલતું સમારકામ અને રોડ પેચવર્કના કામને લીધે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ હતી. તેમજ પાણી અવરોધાતા પાણીનો ઝડપી નિકાલ ન થઇ શકતા સમગ્ર વિસ્તાર જળબંબાકરની સ્થિતિ સર્જાઇ હતી. 

શહેરના માર્ગો પર રોડ પરના બમ્પની ખામીયુક્ત ડિઝાઇનના કારણે  પણ પાણી ભરાવાની સમસ્યા ઠેરઠેર જોવા મળી હતી. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આ સમસ્યા વધુ પ્રવર્તી રહી છે. જેમાં રોડ પરના બમ્પ ક્યાંક નાના-મોટા જોવા મળી રહ્યા છે. પાણીના નિકાલ માટે બમ્પમાં જગ્યા રખાઇ ન હોવાથી પાણી ભરાઇ જતા બમ્પ પણ દેખાતા બંધ થઇ જાય છે. આ સ્થિતિમાં વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.

શુક્રવારે દિવસ દરમિયાન  એટલેકે સવારના ૬ થી રાતના ૮ વાગ્યા સુધીમાં ગોતમાં ૧૧ મિ.મી. અને સરખેજમાં ૭ મિ.મી., બોડકદેવમાં ૮ મિ.મી.વરસાદ નોંધાયો હતો. શહેરના બાકીના વિસ્તારોમાં ૨ મિ.મી. સુધીનો જ વરસાદ પડયો હતો.અમદાવાદ શહેરમાં સિઝનનો ૮૧૫.૩૪ મિ.મી.વરસાદ પડી ચૂક્યો છે. એટલેકે  સિઝનનો કુલ ૩૨ ઇંચ વરસાદ નોંધાયો છે.

વરસાદને લઇને નવરાત્રિના ગરબા મહોત્સવના આયોજકો ચિંતામાં પડયા

અમદાવાદમાં જામેલો વરાસાદી માહોલ નવરાત્રિના તહેવારમાં મોટું વિધ્ન ઉભું કરશે તેવા એંધાણ વર્તાતા ખેલૈયાઓ તેમજ ગરબાના આયોજકો ચિંતામાં મૂકાઇ ગયા છે. પાર્ટી પ્લોટો અને ગાયક કલાકારો એડવાન્સમાં બુક કરીને નવરાત્રિના આયોજનની પુરેપુરી તૈયારી કરી દીધી હોય તેવા આયોજકો હવે ચિંતામાં મૂકાયા છે.

ગુરૂવારે રાત્રે પડેલા વરસાદમાં કેટલાક પાર્ટી પ્લોટોમાં વરસાદી પાણી ભરાતા કાદવ-કિચડ જામી ગયો છે. જેને સૂકાતા પણ બે દિવસ લાગી શકે તેમ છે. ડેકોરેશન પાછળ કરેલો ખર્ચ પણ માથે પડે તેવી ભીતિ વચ્ચે હાલતો ગરબાના આયોજકો ચિંતાતુર બની ગયા છે.બીજી તરફ સાર્વજનિક નવરાત્રિ મહોત્સવ યોજતા આયોજક પણ ચાલુ વરસાદે કેવી રીતે સ્થિતિ સંભાળવી તેની ચિંતામાં પડી ગયા છે.

READ ALSO


Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

સુરત /  ડ્રગ્સ માફિયા અલારખ્ખાની મિલકત પર ફરી વળ્યું સરકારી બુલડોઝર, દ્વારકા બાદ સુરતમાં કાર્યવાહી

Hemal Vegda
GSTV