બજાજ ગ્રૂપના મોભી રાહુલ બજાજનું 12મી ફેબ્રુઆરીએ 83 વર્ષની વયે નિધન થયું. દેશમાં ઉદ્યોગપતિઓ તો અનેક છે, પરંતુ બજાજની વાત નોખી છે. કેમ કે રાહુલ બજાજના કાર્યકાળમાં આવેલા બજાજના સ્કૂટરોએ ભારતીય મધ્યમ વર્ગની આંખોમાં સપનાં આંજ્યા હતા. આઝાદી પછી ભારતમાં લોકો પાસે પોતાનું વાહન હોય એવી તો કલ્પના પણ થતી ન હતી. આર્થિક રીતે સમૃદ્ધ અને પહોંચતો-પામતો વર્ગ જ વાહન ખરીદતો હતો. એ વચ્ચે બજાજના સ્કૂટરો આવ્યા, ચેતક, પ્રિયા.. વગેરેને કારણે નોકરી કરતો મધ્યમ વર્ગ સ્કૂટર ખરીદવાનું વિચારતો થયો. એ જમાનો જોકે આજના જેવા ઉદારીકરણનો ન હતો. એટલે આજે શોરૃમમાં જઈએ અને તુરંત વાહન છોડાવીને આવીએ એવુ થઈ શકતું ન હતું. પણ વાહન નોંધાવવુ પડે અને મહિનાઓ પછી જ્યારે નંબર લાગે ત્યારે એ મળે. તેના કારણે એ સ્કૂટર લોકોને વિશેષ યાદ રહેતું. તો વળી રસ્તા પરની મુસાફરી સરળ બનાવનાર ઓટો રીક્ષાનું ઉત્પાદન કરીને પણ બજાજે લોકોના દીલમાં સ્થાન મેળવ્યું છે.

બજાજની તો દૂરદર્શન (ત્યારે તો ક્યાં બીજી ચેનલ પણ હતી) પર આવતી જાહેરખબર પણ લોકો ગણગણતા રહેતા હતા..
હમારા કલ, હમારા આજ
બુલંદ ભારતકી બુલંદ તસવીર
હમારા બજાજ.. હમારા બજાજ.
ગાંધીજીના સાથીદાર અને સ્વાતંત્ર્ય સેનાની જમનાલાલ બજાજે 1926માં બજાજ ગ્રૂપની સ્થાપના કરી હતી. બજાજ ગ્રૂપની મુખ્ય કંપની તો બજાજ ઓટો છે, પરંતુ ગ્રૂપની કુલ કંપનીઓની સંખ્યા 34 છે. જમનાલાલ પછી કમલનયન બજાજે કંપની સંભાળી. 1965મા યુવા રાહુલ બજાજ સક્રિય થયા અને 1970માં કંપનીના ડિરેક્ટર બન્યા.
ભારતમાં સ્કૂટરનું આગમન ઈટાલીથી થયું હતું. બજાજ કંપનીએ 1948માં ઈટાલિયન કંપનીના વેસ્પા સ્કૂટર અને થ્રી-વ્હીલર રીક્ષાની આયાત શરૃ કરી હતી. એ પછી 1960માં ભારતમાં જ ઈટાલિની કંપની Piaggio સાથે જોડાણ કરી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો. એ પછી ભારતમાં સ્કૂટરનું ઉત્પાદન આરંભાયુ. કંપનીનું જોડાણ તો 1971માં ખતમ થયું પણ સ્કૂટરનું ઉત્પાદન ચાલુ રહ્યું.

બજાજે લોન્ચ કરેલું ચેતક આઝાદ ભારતનું પ્રથમ સ્કૂટર હતું. નોકરી કરતો દરેક પુરુષ એવુ સપનું જોતો કે એક તરફ એન્જિન ધરાવતુ સ્કૂટર પોતાની પાસે હોય. સ્કૂટરમાં આગળ જગ્યા હોવાથી ટિફિન કે અન્ય સામગ્રી રાખવી પણ સરળ થતી. આ સ્કૂટરની ખાસ્સી ડિમાન્ડને કારણે લોકોએ વર્ષો સુધી રાહ જોવી પડી હોય એવા દાખલા નોંધાયા છે. રાહ જોવાનું કારણ એ વખતનું લાઈસન્સ રાજ હતું. 1991 પહેલા ઉદ્યોગપતિઓએ શું અને કેટલું ઉત્પાદન કરવું એ સરકાર નક્કી કરતી હતી. એ પછી ભારતમાં ઉદારીકરણ આવ્યું અને ઉદ્યોગો ફૂલ્યા-ફાલ્યા.
દીકરીના લગ્ન થાય ત્યારે દહેજમાં પણ સ્કૂટર આપવું પડતું હતું. તો વળી કેટલાક પરિવારમાં તો બાળકનો જન્મ થાય એ સાથે જ સ્કૂટરની નોંધણી કરાવી દેવાતી હતી. જેથી બાળક મોટું થાય ત્યારે સ્કૂટરની ડિલિવરી મળી જાય.

સ્કૂટર એ નોકરિયાત વર્ગની પહેલી પસંદ હતું, તો વળી સમય જતાં એ વડીલોનું વાહન બની ગયું. એટલે 1990 પછીની પેઢીને સ્કૂટરનું ખાસ આકર્ષણ ન રહ્યું, પરંતુ તેમના માટે કંપનીએ બાઈક્સ બનાવવાની શરૃઆત કરી. એ પરિવર્તન બહુ ફળ્યું અને બજાજની બાઈક્સ યુવાનોમાં ખાસ્સી લોકપ્રિય થઈ, આજે પણ છે.
રાહુલ બજાજ પછી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બનેલા રાજીવ બજાજે 2009માં જાહેરાત કરી કે કંપની હવે સ્કૂટર નહીં બનાવે. એ નિર્ણયની જે અસર પડી હોય એ પરંતુ બજાજે ફરીથી સ્કૂટર બનાવવાની શરૃઆત કરવી પડી છે. હવે જોકે તેના સ્કૂટર ઘણા મોંઘા છે અને માર્કેટમા અનેક મજબૂત વિકલ્પો ઉપલબ્ધ છે. એટલે બજાજ એ લોકોની પ્રથમ પસંદ નથી રહી.