GSTV
Ahmedabad Trending ગુજરાત

અંદરની વાતઃ ભાજપનું ‘ઓપરેશન વિક્રમ’ કઈ રીતે પાર પડ્યું? હવે નિશાન પર કોણ હશે?

આમઆદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદની સભામાં રીક્ષાચાલકો સાથે સંવાદ યોજ્યો અને વિક્રમ દંતાણી નામના એક રીક્ષાચાલકે ભોજનનું આમંત્રણ આપતાં તેની રીક્ષામાં બેસીને તેનાં ઘરે જમવા પણ ગયા. આ ઘટનાએ ભાજપના પેટમાં જાણે ઉકળતું તેલ રેડી દીધું હોય તેવો પ્રત્યાઘાત જોવા મળ્યો હતો. એ વખતે જ નક્કી થઈ ગયું હતું કે ભાજપ યેનકેન પ્રકારે આ ઘટનાનો જવાબ તો વાળશે જ. આખરે એ જ જવાબ આવ્યો, જેમાં ભાજપની હથોટી છે.

કેજરીવાલે દંતાણીના ઘરે ભોંય પર બેસીને દૂધીનું શાક અને રોટલીનું ભોજન લીધું એ ઘટનાથી ભાજપને અકળામણ થાય એ સ્વાભાવિક હતું. ગુજરાત જેવા પોતાના ગઢમાં કોઈ વ્યક્તિ આમઆદમી પાર્ટીને સભા યોજવા માટે કાયદેસર ભાડું લઈને પાર્ટીપ્લોટ આપે તો પણ તેને તોડી પાડવા બુલડોઝર મોકલી દેવાતું હોય એવા માહોલમાં એક રીક્ષાચાલક કેજરીવાલને પોતાના ઘરે જમવા નોંતરું આપે એ તો ભાજપ કેવી રીતે સાંખી લે? એટલે આરંભે તો આ બધું પ્લાન્ટેડ હતું. રીક્ષાચાલકને પહેલેથી સાધી લેવાયો હતો. તેને પૈસા આપવામાં આવ્યા હતા એવા બધા આક્ષેપો કરવામાં આવ્યા. પરંતુ તેને સોશિયલ મીડિયા પર ખાસ પ્રોત્સાહક પ્રતિભાવ ન મળ્યો.

આંતરિક સૂત્રોમાંથી એવું જાણવા મળે છે કે રીક્ષાવાળાના માધ્યમથી શહેરી નિમ્ન મધ્યમવર્ગ પર પ્રભાવ વધારી રહેલ આમઆદમી પાર્ટીને ખાળવા માટે ભાજપે ખાસ થિન્ક ટેન્કની રચના કરી હતી અને આ ટીમનું કામ આમઆદમી પાર્ટીને જડબાતોડ જવાબ કઈ રીતે આપી શકાય એ અંગેના વિવિધ વિકલ્પો વિચારવાનું હતું. આ ટીમે જ દંતાણીને પક્ષપલટો કરાવવાનું આયોજન કર્યું હતું અને વડાપ્રધાન મોદીની સભા વખતે જ પાર પાડવાનું નક્કી કરવામાં આવ્યું. વડાપ્રધાનના પ્રવાસ વખતે નેશનલ મીડિયાનું પણ ગુજરાતમાં ધ્યાન હોય. એવે વખતે જો વિક્રમ દંતાણી કેસરી ખેસ પહેરીને હાજર રહે તો આમઆદમી પાર્ટીના દાવાઓમાંથી સડસડાટ હવા નીકળી જાય.

આવી ગણતરી સાથે ઓપરેશન વિક્રમ પાર પાડવામાં આવ્યું. ભાજપના ઘાટલોડિયા વિસ્તારના કાર્યકરોને સભાસ્થળે પહોંચાડતી બસમાં જ વિક્રમ દંતાણીને કેસરી ખેસ પહેરાવવામાં આવ્યો અને તેનાં વીડિયો વહેતા કરાયા. એ પછી વિક્રમને માધ્યમો સમક્ષ પણ લવાયો જેમાં તેણે કહ્યું કે તે મોદીનો ફેન છે. કેજરીવાલને તો અમસ્તું જ આમંત્રણ આપ્યું હતું. પરંતુ ખેસ પહેરતી વખતે કે માધ્યમો સમક્ષ કેફિયત આપતી વખતે પણ તેનાં ચહેરાના હાવભાવ મૂંઝાયેલા જણાતા હતા. સમગ્ર વખત ભાજપના કાર્યકરો સતત તેને ઘેરેલા જોવા મળતા હતા.

વિક્રમે જે કર્યું એ તો ખેર, તેની વ્યક્તિગત મરજી ગણાય અને એ મરજી કોઈપણ કારણથી બદલાઈ પણ શકે. પરંતુ સોશિયલ મીડિયામાં આ ઘટનાની પ્રતિક્રિયા પણ બહુ રસપ્રદ જોવા મળી. કોઈએ એવું રસપ્રદ મીમ પણ મૂક્યું કે ગુજરાતમાં ચૂંટાયેલા ધારાસભ્યો ય લલચાઈ જતાં હોય તો એક સાધારણ રીક્ષાચાલકની શું વિસાત?

ગઈકાલે આ ઘટના પછી તરત સિંઘ નામના કોઈ બિનગુજરાતીના ટ્વિટનો હવાલો આપીને ભાજપના મીડિયા સેલના કન્વિનર યજ્ઞેશ દવેએ ગોપાલ ઈટાલિયા ટૂંક સમયમાં રાજીનામું આપશે એવો દાવો ય વહેતો કર્યો હતો. હવે એવું જાણવા મળે છે કે ભાજપનું ઓપરેશન વિક્રમ હવે બીજા તબક્કામાં પણ આગળ વધશે. આમઆદમી પાર્ટીનું સમર્થન કરનારા દરેકને હવે પક્ષપલટો કરવા માટે ‘પ્રેરિત’ કરવામાં આવશે. વેલ, વિક્રમ પહેલાં દિગ્ગજ ઉદ્યોગપતિ મહેશ સવાણી અને લોકગાયક વિજય સુંવાળાને ખેડવી લેવાયા હતા. વિક્રમ પછી એ નામ કોનું હશે?

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ગેહલોતે સચિન પાયલટને ગદ્દાર કહ્યા બાદ બંને નેતાઓ પ્રથમ વખત આમને-સામને, કેસી વેણુગોપાલ રાજકીય ખેંચતાણ અંગે ચર્ચા કરી શકે

HARSHAD PATEL

રવિન્દ્ર જાડેજાના પરિવારનો આંતરિક કલેહ ચરમસીમાએ, રવિન્દ્રના પિતા પણ ખુલીને સામે આવતા રાજકીય ગરમાવો

pratikshah

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL
GSTV