GSTV

Australian Camel : માત્ર ઊંટડીની જ જરૃર છે, તો પછી નર ઊંટ જાય છે ક્યાં? જવાબ જાણીને અચરજ થશે!

australian camel

Last Updated on November 24, 2021 by Lalit Khambhayata

ભારત, સાઉદી અરબ, અન્ય મધ્ય એશિયાએ દેશો..માં ઊંટોની મોટી વસતી છે. ઊંટ રણનું વાહન છે એટલે રણ ધરાવતા દેશોમાં એમની વધુ વસતી હોય એની કોઈ નવાઈ નથી. પરંતુ હકીકત એ છે કે જગતમાં ઊંટની સૌથી વધુ વસતી ઓસ્ટ્રેલિયામાં છે. વધુ એટલે કેટલા? દસ લાખથી પણ વધારે. સાથે એ પણ હકીકત છે કે સમૃદ્ધ દેશ તરીકે ઓળખ ધરાવતા ઓસ્ટ્રેલિયાનો મોટો ભાગ રણ વિસ્તાર છે. આઉટબેક તરીકે ઓળખાતા એ વિસ્તારમાં ઊંટના ટોળાં ફરતાં રહે છે. આ ઊંટના ટોળાં આમ તો રાષ્ટ્રની સંપત્તિ છે, પણ સાથે સાથે સરકાર માટે માથાનો દુખાનો પણ છે. ગામડામાં ભેંસને ત્યાં પાડો જન્મે તો થોડા સમય પછી દેખાતો બંધ થઈ જાય. એ રીતે તેને ઠેકાણે પાડી દેવામાં આવે. કેમ કે લાંબેગાળે પાડાની કશી કિંમત હોતી નથી. પાડી હોય તો તેની માવજત થાય અને આગળ જતા ભેંસ બની દૂધના પૈસા કમાવી આપે. આવી સ્થિતિ અન્ય દૂધાળા પશુઓમાં પણ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયામાં અત્યારે એટલે જ ઘણા નર ઊંટ બેઘર થયા છે. આશરાની શોધમાં રણમાં રખડી રહ્યા છે.  ઓસ્ટ્રેલિયામાં વસતા આ ઊંટો જંગલી છે. આપણે આપણી આસપાસ જોઈએ એવા પ્રેમાળ કે પાલતુ નથી. માટે તેની સાચવણી બધી રીતે મુશ્કેલ છે.

કેટલાક ઊંટોને સાચવવા માટે જીવદયાપ્રેમીઓ આગળ આવ્યા છે. અમુક લોકોએ પોતાની ખુલ્લી જમીનો ઊંટોને રહેવા આપી દીધી છે. જેથી ઊંટોને કાયમી આશરો ન મળે ત્યાં સુધી રહી શકે. ઊંટડીનું દૂધ પોષકતત્વોથી ભરપૂર હોય છે. ભારત જેવા દેશમાં ગાય-ભેંસના દૂધની બોલબાલા છે. એટલે ઊંટડીના દૂધનું ખાસ ચલણ નથી. તો પણ માર્કેટમાં ઊંટનું દૂધ મળે તો છે જ. ઘણા રોગોમાં એ ઉપયોગી થાય છે. ઓસ્ટ્રેલિયામાં હવે ઊંટના દૂધની ડિમાન્ડ વધી રહી છે. કોરોના પછી લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવાના કામમાં વ્યસ્ત થયા છે. એમાં પણ ઊંટના દૂધના ભાવ ઊંચકાયા છે.

ઊંટના દૂધ સહિતની પ્રોડક્ટ પુરી પાડતા ઘણા ફાર્મ છે. પરંતુ સમસ્યા એ છે કે એ બધાને માદા ઊંટની જરૃર છે. તો પછી નર ઊંટને ક્યાં નાખવા? કેટલાક ફાર્મ સંચાલકો નર ઊંટને એમ જ રઝળતા મુકી દે છે. આવા ફાર્મમાં નર ઊંટની જરૃર પડે, પરંતુ માત્ર પ્રજનન પુરતી. એ પણ બહુ થોડી સંખ્યામાં. એટલે સેંકડો ઊંટ નકામા ઠરે અને તેમને હાંકી કાઢવામાં આવે. આવા ઊંટ માથાનો દુખાવો બની રહ્યા છે.

જે જીવદયાપ્રેમીઓ ઊંટોને સાચવવા આગળ આવે છે, તેમની પણ મર્યાદા છે. કેમ કે અમુક સંખ્યાથી વધારે ઊંટ સાચવી શકાતા નથી. વળી ઊંટ માટે પુષ્કળ ચારો, મોટી જગ્યા, જગ્યા ફરતે ઊંચી વાડ, દેખભાળ માટે ટીમ વગેરે જરૃરિયાતો છે. દસ લાખને ઊંટ સાચવવા એ સરકારની પણ ત્રેવડ બહારની વાત છે. એટલે ઓસ્ટ્રેલિયામાં ઘણી વખત કેટલાક ઊંટોને મારી નાખવામાં આવે છે. જેમ કે 2020માં જ ઓસ્ટ્રેલિયા સરકારે દસ હજાર ઊંટોને ખતમ કરવાનો આદેશ આપ્યો હતો. ઊંટો સાચવવા મુશ્કેલ છે એમ મારવા પણ આસાન નથી. એટલે હેલિકોપ્ટરમાંથી સ્નાઈપર રાઈફલો વડે ગોળી વરસાવી મારી નખાયા હતા. મારતી વખતે આ ઊંટોને બહુ પીડા ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. ગોળીએ તુરંત જીવ લેવાનો સૌથી સરળ રસ્તો છે. 2019માં ઓસ્ટ્રેલિયામાં દુકાળ પડ્યો હતો. જંગલમાં ભયંકર આગ લાગી હતી. અબજો સજીવો તેમાં મૃત્યુ પામ્યા હતા. ઓસ્ટ્રેલિયાના કાંઠા સિવાયનો ભાગ રણ છે અને સુક્કો પણ છે. ત્યાં રહેતા ઊંટ મોટી માત્રામાં પાણી પી જાય, ઘાસ-ચારો ખાઈ જાય. એક ઊંટના ખોરાક-પાણીમાં બીજા અસંખ્ય સજીવોનું પેટ ભરી શકાય. એ ગણતરીએ અમુક હજાર ઊંટને ખતમ કરવાનો નિર્ણય લેવાયો હતો.

રસપ્રદ વાત એ છે કે ઊંટ એ ઓસ્ટ્રેલિયાના મૂળ વતની નથી. એ સજીવોની એ ભૂમિ જ નથી. મહેમાન કલાકાર છે. પરંતુ મહેમાનોને જમીન એટલી બધી માફક આવી ગઈ કે હવે દેશમાં ઠેર ઠેર ફેલાઈ ચૂક્યા છે. ઊંટ ઓસ્ટ્રેલિયામાં ભારતમાંથી લવાયા હતા. 19મી સદીના અંત ભાગમાં ભારતમાંથી 20 હજાર જેટલા ઊંટ ત્યાં પહોંચાડાયા હતા. એ વખતે ઓસ્ટ્રેલિયામાં ત્યાંના સ્થાનિક મૂળ નિવાસીઓ અને ઈંગ્લેન્ડથી તડીપાર થયેલા ગુનેગારો તથા કેટલાક અંગ્રેજો રહેતા હતા. સમય જતા હવે ઊંટની સંખ્યા ઘણી વધી ગઈ અને સરકાર માટે માથાનો દુખાવો બની ચૂક્યા છે.

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!