ભારત રત્ન, ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગુરુવારે અવસાન થયું હતું. દેશના રાજકારણમાં સૌથી વધુ પ્રભાવશાળી અને લોકપ્રિય ચહેરાઓ પૈકી એક વાજપેયીએ 93 વર્ષની વયે દિલ્હીના ઑલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) માં અંતિમ શ્વાસ લીધા હતાં.

25 ડિસેમ્બર, 1924ના રોજ, મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં અટલ બિહારી વાજપેયીનો જન્મ થયો હતો. અટલજીના પિતા કૃષ્ણ બિહારી વાજપેયી અને માતા કૃષ્ણા દેવી હતા. ચાલો અટલ બિહારી વાજપેયીના અંગત જીવન વિશે આપણે જાણીએ…
રાજકારણી હોવાની સાથે સાથે કવિ અને પત્રકાર તરીકે અટલ બિહારી વાજપેયીએ દરેક ભૂમિકામાં પોતાની અમીટ છાપ છોડી છે. કવિતાઓ ઉપરાંત, અટલ બિહારી વાજપેયીના શોખ સામાન્ય માનવી જેવા હતાં અને અંગત જીવનમાં પણ તેઓ સામાન્ય માનવીની જેમ જ જીવન જીવતાં હતાં.
અટલ બિહારી વાજપેયીને ભોજન બનાવવાનો શોખ હતો. તેઓ અત્યંત સ્વાદિષ્ટ ભોજન બનાવતા હતા.
ઉલ્લેખનીય છે કે વાજપેયીને સંગીતમાં ખાસ રસ હતો. તેઓ ગીતો સાંભળતાં હતાં. એક ઇન્ટરવ્યુમાં તેમણે તેમના આ શોખ વિશે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે લોકપ્રિય ગઝલ ગાયક જગજીતસિંહ સાથે મળીને બે આલ્બમ પણ બહાર પાડ્યાં હતા.
સામાન્ય લોકોની જેમ, અટલ બિહારી વાજપેયી પણ ફિલ્મો જોતા અને સંગીત સાંભળવાના ખૂબ શોખીન હતા. તેમને બૉલીવુડની લોકપ્રિય ફિલ્મ ‘દેવદાસ’, ‘બંદીની’ અને ‘તીસરી કસમ’ જેવી ફિલ્મો ખૂબ જ ગમતી. આ ઉપરાંત આરડી બર્મનનું ‘ઓ! ‘માંજી’ અને મુકેશ-લતા મંગેશકરે સ્વરબદ્ધ કરેલું ‘કભી કભી મેરે દિલ મેં’ તેમના મનપસંદ ગીતો હતાં.
તેમને ફરવાનો પણ ખૂબ જ શોખ હતો. મનાલી,અલ્મોડા અને માઉન્ટ આબૂ તેમના મનપસંદ સ્થળો હતાં.
વાજપેયીજી સફારી-સુટ પહેરવાના બદલે સામાન્ય વ્યક્તિની જેમ ધોતી-કુર્તા પહેરવાનું પસંદ કરતાં હતા. તેઓ ખાસ પ્રસંગોએ ધોતી-કુર્તા અથવા પઠાણી સૂટ પહેરતાં હતાં.
અટલ બિહારી વાજપેયીને કવિતા લખવાનો પણ ખૂબ જ શોખ હતો. તેમણે કવિતાઓ વિશે કહ્યું હતું કે મારી કવિતા યુદ્ધની ઘોષણા છે, પરાજયની પ્રસ્તાવના નથી.
રાજકરાણમાં એક મોટું નામ હોવા છતાં તેઓ સંસ્કારો સાથે જોડાયેલા રહ્યાં. ધર્મ, જાતિમાં ભેદભાવ રાખ્યાં વિના તેઓ વડીલોને માન આપવાનું સારી રીતે જાણતાં હતા. જેનું ઉદાહરણ આ તસવીર છે.
દરેક તહેવારને તેઓ એક સામાન્ય નાગરિકની જેમ પૂરા ઉત્સાહ સાથે ઉજવતાં હતા. હોળી દરમિયાન રંગમાં રંગાયેલા અટલજી.