GSTV
Gujarat Government Advertisement

કોઈ દિવસ ‘હાર ન માનનારા’ વાજપેયી કદાચ રાજકારણની ઊંચાઈના છેલ્લા શિખરપુરુષ હતા

Last Updated on December 25, 2019 by Mayur

રાજકારણની ઊંચાઈના કદાચ છેલ્લા શિખરપુરુષોમાં અટલજીનો સમાવેશ થાય છે. નફરત અને પાર્ટી લાઈનથી પર નૈતિક ઊંચાઈવાળી રાજનીતિ ખેલનાર વાજપેયી તમામ પક્ષો માટે સમ્માનીય નેતા છે. વાજપેયી ભાજપની સ્પષ્ટ બહુમતીવાળી મોદી સરકારનો પાયો નાખનાર સારથિ ગણાય છે. અટલજીએ જાહેરજીવનમાં ક્યારેય છીછરાપણું દેખાડયું નથી. તેમની ટીકાઓ અને મતભેદો પણ ગરિમાપૂર્ણ રહ્યા છે.

શિક્ષકના ઘરે થયો જન્મ

એક શિક્ષકને ઘરે જન્મેલા વાજપેયીનું પ્રારંભિક જીવન અનેક સંઘર્ષોથી ભરેલું હતું. 25 ડિસેમ્બર, 1924ના રોજ ગ્વાલિયરના એક નિમ્ન-મધ્યમ વર્ગ પરિવારમાં જન્મેલા વાજપેયીનું પ્રારંભિક શિક્ષણ સ્થાનિક વિક્ટોરિયા કોલેજ અને ત્યાર બાદ કાનપુરની ડીએવી કોલેજમાં થયું હતું. વાજપેયીએ રાજનીતિ વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી અને પત્રકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે રાષ્ટ્રધર્મ, પાંચજન્ય અને વીર અર્જુનમાં સંપાદનનું કામ કર્યું હતું. આ સમયગાળામાં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરિચયમાં આવ્યા અને પહેલા વિસ્તારક બાદ પ્રચારક તરીકે કામ કરવા લાગ્યા હતા.

ભારતીય જનસંઘના સંસ્થાપક

1951માં ભારતીય જનસંઘની સ્થાપના થઈ હતી. અટલજી તેના સંસ્થાપક સભ્ય હતા. પોતાની કુશળ વકૃત્વ શૈલીને કારણે રાજકારણના શરૂઆતના ગાળામાં તેમણે પોતાનું કરિશ્માઈ વ્યક્તિત્વ જનતામાં સ્થાપિત કર્યું હતું. લખનૌ લોકસભાની પેટાચૂંટણીમાં હાર્યા બાદ 1957માં તેઓ ત્રણ બેઠક પરથી ચૂંટણી લડયા અને બલરામપુરથી લોકસભામાં ચૂંટાયા હતા. અહીંથી આગામી પાંચ દશક માટે વાજપેયીની સંસદીય કારકિર્દીની શરૂઆત થઈ હતી.

ભારતીય જનસંઘના બન્યા અધ્યક્ષ

1968થી 1973 સુધી તેઓ ભારતીય જનસંઘના અધ્યક્ષ રહ્યા હતા. જો કે જનસંઘના અન્ય કદ્દાવર નેતા બલરાજ મધોકની સાથેના તેમના મતભેદો ઘણાં ચગ્યા હતા. 1971ના યુદ્ધમાં ભારતના અભૂતપૂર્વ વિજય બદલ તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને દુર્ગા સ્વરૂપ ગણાવનારા વાજપેયી કટોકટી વખતે ઈન્દિરાની સરકારની સામે પડયા હતા. લોકશાહીની હત્યા કરનાર કટોકટી સામે લડીને વાજપેયી અન્ય વિપક્ષી નેતાઓની જેમ જેલમાં પણ ગયા હતા.

વિદેશ પ્રધાન અટલજી

1977માં કટોકટી બાદ થયેલી ચૂંટણીમાં જનતા પાર્ટીની સરકારમાં વાજપેયી વિદેશ પ્રધાન બન્યા હતા. તેમણે યુનોમાં હિંદીમાં ભાષણ આપીને ભારતીય ભાષાનું ગૌરવ વધારવાનું કામ કર્યું હતું. જેને તેઓ પોતાના જીવનની સૌથી સુખદ ક્ષણ ગણાવે છે.

ભારતીય જનતા પાર્ટીની સ્થાપના

1980માં જનતા પાર્ટીમાંથી જનસંઘના નેતાઓ સંઘ સાથેના સંબંધોને કારણે અલગ થયા હતા. 1980માં મુંબઈ ખાતે વાજપેયીના વડપણ હેઠળ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી. ગાંધીવાદી સમાજવાદની વિચારધારા સાથે અટલજીએ 1980થી 1986 સુધી ભાજપનું નેતૃત્વ કર્યું અને તે વખતે ભાજપ સંસદીય દળના નેતા પણ હતા.

9 વખત લોકસભાના સાંસદ

અટલજી કુલ નવ વખત લોકસભામાં સાંસદ તરીકે ચૂંટયા છે. બીજી લોકસભાથી 14મી લોકસભા સુધી અમુક અપવાદોને બાદ કરતા વાજપેયીની સંસદના નીચલા ગૃહમાં સતત હાજરી રહી હતી. જો કે 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ યોજાયેલી ચૂંટણીમાં ગ્વાલિયરથી કોંગ્રેસના ઉમેદવાર માધવરાવ સિંધિયાના હાથે અટલજી હારી ગયા હતા. 1962થી 1967 અને 1986માં એમ બે વખત રાજ્યસભાના સાંસદ હતા.

પ્રથમ વખત બન્યા વડાપ્રધાન

16 મે, 1996ના રોજ અટલજી પ્રથમ વખત ભારતના વડાપ્રધાન બન્યા હતા. પરંતુ લોકસભામાં બહુમતી નહીં હોવાથી તેમને 31 મે, 1996ના રોજ 13 દિવસ બાદ વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડયું હતું. ત્યાર બાદ તેઓ 1998 સુધી લોકસભામાં વિપક્ષના નેતા તરીકે કામગીરી બજાવતા રહ્યા હતા. 1998માં સાથીપક્ષો સાથે મળીને ગઠબંધનના આધારે વાજપેયી બીજી વખત 13 માસ માટે વડાપ્રધાન બન્યા હતા. પરંતુ જયલલિતાએ વાજપેયીની સરકારને ટેકો પાછો ખેંચતા લોકસભાની ચૂંટણી યોજાઈ હતી.

ત્રીજીવાર બન્યા વડાપ્રધાન

1999માં એનડીએમાં 23 પક્ષો કોમન મિનિમમ પ્રોગ્રામના આધારે ચૂંટણી લડયા અને આ ચૂંટણીમાં વાજપેયીનું નેતૃત્વ એક મુખ્ય મુદ્દો બનાવાયો હતો. એનડીએને બહુમતી મળી અને વાજપેયી ત્રીજીવાર વડાપ્રધાન બન્યા હતા. અટલજી ગઠબંધન દ્વારા ટર્મ પુરી કરનારી સરકારના પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન હતા. 2004ની લોકસભાની ચૂંટણીમાં અટલજી અને વિકાસના નામે ભાજપ-એનડીએ ચૂંટણીમાં જનતા સામે ગયા હતા. પરંતુ એનડીએને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો હતો. જો કે અટલજી લખનૌથી ભાજપના સાંસદ બન્યા. પણ 2005માં ખરાબ તબિયતને કારણે તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી. જો કે આજે પણ ઘણાં લાંબા સમયથી બારતના સૌથી વધારે કરિશ્માઈ રાજપુરુષોમાંથી એક અટલજી ખરાબ સ્વાસ્થ્ય સામે લડી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એસબીઆઈ-એચડીએફસીને પાછળ છોડી આ બેંક ભારતમાં બની નંબર વન, અહીં જુઓ ટોપ -10નું સંપૂર્ણ લિસ્ટ

Vishvesh Dave

સાવધાન / ફ્રીમાં ઇન્ટરનેટ વાપરવાની લાલચ ભારે પડી શકે છે, પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરતા સમયે રહો અલર્ટ

Zainul Ansari

પંજાબમાં ભાજપની જગ્યા બસપા લેશે: 25 વર્ષ બાદ અકાલી દળ સાથે માયાવતીનું ગઠબંધન, દલિત મતદારો ભજવશે મહત્વની ભૂમિકા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!