GSTV
Home » News » શ્રીમંત પરિવારનો કુળ દિપક જ્યારે કુછંદે ચઢ્યો, પિતા બોલતા-બોલતાં ડૂસકે ચઢી ગયા

શ્રીમંત પરિવારનો કુળ દિપક જ્યારે કુછંદે ચઢ્યો, પિતા બોલતા-બોલતાં ડૂસકે ચઢી ગયા

આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે ત્યારે આપણે શારીરિક આરોગ્ય તરફ હવે ધ્યાન આપવા લાગ્યા છીએ પણ મનની સ્વસ્થતા તરફ આપણે દુર્લક્ષ સેવી રહ્યા છીએ. આ અસંતુલન કેવી મોટી સમસ્યા સર્જે છે, તે આ પ્રસંગ ઉપરથી સમજાશે. તન અને મન બેઉની સ્વસ્થતા કેળવ્યા થકી જ આપણે જીવનમાં પ્રગતિનો માર્ગ મોકળો કરી શકીશું તે આ સત્યઘટના ઉપરથી સ્પષ્ટ થશે.

અતિ વ્યસ્ત દિવસની પ્રવૃત્તિ પછી જ્યારે હું નિરાંતે બેઠો હતો ત્યારે મારા પરીચીત વડીલનો મારી પર ફોન આવ્યો, વડીલ નિવૃત્ત સરકારી અધિકારી હતા. ઔપચારિક વાતચિત પછી તેમણે મારી સાથે વાત માંડી, મને કહે, ‘હું મારા એક મિત્રને અને તેમની પત્નીને લઈને તમારે ત્યાં મહેમાનગતી માણવા આવું છું. ખાસ તો મારા મિત્ર પરદેશથી આવ્યા છે અને તમારી પાસે જ્યોતિષ આધારીત માર્ગદર્શન મેળવવા ઇચ્છા રાખે છે.’ મેં સહર્ષ તેમની વાત સ્વીકારી અને આવવાનું આમંત્રણ આપ્યું.

સાંજે લગભગ 7.30 થી 8.00નો સમય થયો હશે. મારા વડીલ મિત્ર અને યુગલ એમ કુલ ત્રણ જણા આવી પહોંચ્યા. થોડીવાર ઔપચારિક વાતચીત પછી એમણે વાત માંડી. મને કહે, ‘ભાઈ… મારા દિકરાની જન્મકુંડળી તમને બતાવવી છે.’ એમ કહી બેગમાંથી તેમણે જન્મકુંડળી બહાર કાઢી અને મને  તેમના દિકરાની જન્મકુંડળી આપી. હું જન્મકુંડળીનો અભ્યાસ કરું તે પહેલા એ ભાઈએ પિતા સહજ સ્વભાવથી પ્રેરિત થઈ દિકરાના ઠીક ઠીક વખાણ કર્યા. દિકરો પોતાના વેપારમાં ખૂબ પાવરધો છે, દેખાવડો છે, ખૂબ બુદ્ધિશાળી છે વગેરે વખાણ  કર્યા અને પછી મૌન થઈ મને કુંડળી હાથમાં આપી.

જન્મકુંડળીના ગ્રહો, નક્ષત્રો અને રાશિનો સૂક્ષ્મ અભ્યાસ મેં પ્રારંભ કર્યો. આખીય જન્મકુંડળીના ગ્રહોનું બળાબળ બરાબર ચકાસ્યા પછી મને કહે, શાસ્ત્રીજી કહો શું લાગે છે ?  મેં કહ્યું, ‘જન્મકુંડળીમાં વ્યાપકપણે ઘણી બધી બાબતો સંકળાયેલી હોય છે. આથી, તમે ક્યા પ્રશ્નના અનુસંધાનમાં માર્ગદર્શન મેળવવા ઇચ્છો છો તે કહો ?’ એ ભાઈ કહે, ‘શાસ્ત્રીજી ! ક્યાંથી શરૂ કરું તેની મને સમજ નથી પડતી. તમે તમારી રીતે વાતનો પ્રારંભ કરો.’ મેં કહ્યું, ‘ભાઈ… જન્મકુંડળીના ગ્રહોનો અભ્યાસ કરતા મને બે પ્રશ્નો સમજાય છે. આપના દિકરાને લગ્નજીવનમાં પ્રશ્ન છે અને આરોગ્યનો પ્રશ્ન પણ છે.’ જવાબમાં પેલા ભાઈએ માથુ હલાવ્યું. પછી એમણે વાત શરૂ કરી. મને કહે, ‘શાસ્ત્રીજી… મારો કરોડોનો વેપાર છે, પરદેશમાં. પૈસાની કોઈ કમી જ નથી. છેલ્લા ત્રણ વર્ષથી દિકરો આડે રવાડે ચડી ગયો છે. અતિશય દારૂ પીવે છે, સાથે સાથે નશીલી દવાઓનું સેવન પણ કરે છે. એનું લગ્નજીવન પણ ભંગાણના આરે છે.’

પેલા ભાઈ નિઃસાસો નાંખતા કહે, ‘અમને વધુ દુઃખી કરનારી વાત તો એ છે કે એ અમારી સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કરતો નથી, અમે તેનું દુઃખ જાણવા પ્રયાસ અનેક વખત કર્યો છે પણ એ ઘરમાં કોઈની સાથે વાત પણ કરતો નથી.’ આટલું કહેતા તો પેલાભાઈ ડૂસકે ચઢી ગયા.

પેલા ભાઈને મેં કહ્યું, ‘જુઓ… આ જન્મકુંડળીમાં બુધ અને શનિની યુતિ છે, સાથે સાથે સૂક્ષ્મ કુંડળીમાં ચંદ્ર અને બુધની પણ યુતિ છે. આપનો દિકરો કોઈ અજાણ્યા ભયથી પીડાય છે. કોઈ એવી ઘટના બની છે કે, તમારો દિકરો માનસિક રીતે ભાંગી પડ્યો છે. જન્મકુંડળીના બીજા ગ્રહોનો અભ્યાસ કરતા મને સમજાય છે કે આપના દિકરાને લગ્ન ઉપરાંત પણ પ્રેમસંબંધો હોવા જોઈએ. આપ થોડી તપાસ કરો. મારી વાત સાંભળી, પેલા ભાઈ કંઈક કહેવા જાય તે પહેલા તેમના પત્ની કહે, ભરપૂર ડ્રીંક્સ કરે છે અને આ પ્રકારના સંબંધો એને હોવા જોઈએ એવી અમને શંકા છે.  આગળ સમજાવતા મેં તેમને કહ્યું, ‘આપના દિકરાને શારીરિક નબળાઈની તકલીફ હોવી જોઈએ.

તમે મિત્રભાવે તેની સાથે વાતચીત કરો. કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધામાં તમે ફસાશો નહીં. સાથે સાથે, સૂર્યઉપાસના કરવી અત્યંત આવશ્યક છે. જેનાથી આપના દિકરાનો આત્મા બળવાન થશે. વળી, તેને દર રવિવારે સૂર્યના કોમળ તડકામાં બેસાડો. ગ્રહોનું બળ મેળવો. આ ઉપાયથી તમારો દિકરો શારીરિક અને માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરશે અને તમારી સાથે ખુલ્લા મને વાત કરશે. આપ તેને પ્રશ્ન સમજો અને જરૂરી દાક્તરી સારવાર પણ કરાવજો.’

બીજા મંત્રો તેમજ સ્તુતિ તેમજ સાત્તિવક પૂજાનું માર્ગદર્શન લઈ તેઓ મારી પાસેથી વિદાય થયા. એ આખી ઘટના સાંભળ્યા પછી સમજાય છે કે, જમાનો ગમે તેટલો મોડર્ન કેમ ન હોય… પાશ્ચાત્ય રંગરાગની અસર ગમે તેટલી પ્રબળ કેમ ન હોય… પણ આપણે મનની સ્વસ્થતા હંમેશા જાળવવી પડશે. આપણી વૈદિક સંસ્કૃતિના કેટલાક પાયાના નીતિ-નિયમોનો જો જીવનમાંથી છેદ ઉડાડીશું તો અવશ્ય ઝંઝાવાત સર્જાશે જ.

–        અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) (મો) 7069998609

Read Also

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar