GSTV

જેટલી જે વાજપેયી અને મોદી વચ્ચે એક મહત્વની કડી હતા, આ નેતા બાદ આવ્યા આગળ

ભૂતપૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષે અવસાન થઈ ગયું, પરંતુ ભારતીય રાજકારણમાં તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. અરૂણ જેટલી રાષ્ટ્રીય રાજકારણનો એ ચહેરો હતા જે અટલ બિહારી વાજપેયીના ભાજપથી લઈને નરેન્દ્ર મોદીના ભાજપમાં મહત્વપૂર્ણ કડી રહ્યા હતા.

આમ તો જેટલી લોકનાયક જયપ્રકાશ નારાયણ અને વીપી સિંહના સમયમાં પણ સક્રિય હતા, પરંતુ અટલ બિહારી વાજપેયીની સરકાર બાદ તે ભાજપનો એ ચહેરો બની ગયા જે મોદી સરકાર સુધી ચમકતો રહ્યો.

અટલજી અને મોદી સરકારની મહત્વપૂર્ણ કડી

અટલ બિહારી વાજપેયી સરકારની વાત કરીએ તો તે સમયના અનેક નેતા આજે સક્રિય નથી અથવા પક્ષ છોડી ચૂક્યા છે. યશવંત સિંહા અને શત્રૂઘ્ન સિંહાએ પક્ષને વિદાય કરી દીધી છે જ્યારે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી જેવા દિગ્ગજ નેતા સક્રિય રાજકારણનો ભાગ નથી રહ્યા.

અટલજીના સમયના નેતાઓમાં અરૂણ જેટલી અને સુષમા સ્વરાજ જ એવા નેતા હતા, જેમણે મોદી સરકારમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. મોદી સરકારમાં હાલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા મોટાભાગના નેતાઓનો ઉદય મોદી સરકારમાં જ થયો.

પ્રમોદ મહાજન પછી જેટલી આગળ આવ્યા

લાલકૃષ્ણ અડવાણીની કેન્દ્રીય ટીમમાં ગોવિંદાચાર્ય, પ્રમોદ મહાજન અને વેંકૈયા નાયડૂ જેવા નેતાઓનું વર્ચસ્વ હતું ત્યારે જેટલી એ થિંક ટેન્કનો ભાગ હતા. પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જેટલીના કામોની પ્રશંસા જરૂર કરી હતી, પરંતુ પ્રમોદ મહાજનને તે વધુ પસંદ કરતા હતા, જે અનેક નેતાઓને પસંદ નહોતું.જોકે, પ્રમોદ મહાજનની હત્યા પછી જેટલી અડવાણીને પણ સાધવામાં સફળ રહ્યા.

ઓક્ટોબર 1999માં અરૂણ જેટલી વાજપેયી સરકારમાં પહેલી વખત મંત્રી બન્યા. તેમને સૌથી પહેલા માહિતી-પ્રસારણ(સ્વતંત્ર પ્રભાર) મંત્રીની જવાબદારી મળી. ત્યાર પછી તેમણે ડિસઈન્વેસ્ટમેન્ટ મંત્રાલય, કાયદા મંત્રાલય, ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયની જવાબદારી પણ સંભાળી. વર્ષ 2000માં જેટલી પહેલી વખત કેબિનેટ મંત્રી બન્યાહતા.

મોદી સરકારમાં મહત્વની ભૂમિકા ભજવી

મોદીને 2014ની લોકસભા ચૂંટણી માટે ભાજપના પીએમપદના ઉમેદવાર બનાવવાની ઔપચારિક જાહેરાત પહેલા જેટલીએ મોટી ભૂમિકા ભજવી હતી. જેટલીએ રાજનાથ સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ અને નીતિન ગડકરીને સાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

બીજીબાજુ મોદી વડાપ્રધાન બન્યા તો તેમણે અરૂણ શૌરી અને સુબ્રમણ્યમ સ્વામીના બદલે અરૂણ જેટલીને મહત્વ આપતા નાણામંત્રાલયની જવાબદારી તેમને સોંપી. સ્વાસ્થ્યના કારણોથી જેટલી 2019માં સક્રિય રાજકારણથી દૂર થઈ ગયા હતા. મોદી સરકારમાં જેટલી નોટબંધી, જીએસટી અને ત્રણ તલાક જેવા મુદ્દાઓ માટે પણ ઓળખાશે.

અરૂણ જેટલી નરેન્દ્ર મોદી માટે સંકટમોચક રહ્યા

ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી નરેન્દ્ર મોદીના લાંબા સમયથી મિત્ર હતા અને તેમના માટે સંકટમોચકની ભૂમિકામાં રહ્યા હતા. ગુજરાતમાં વર્ષ 2002ના રમખાણો બાદ વડાપ્રધાન વાજપેયી મોદીને મુખ્યમંત્રી પદેથી હટાવવા માગતા હતા, પરંતુ વાજપેયીને મનાવવામાં જેટલીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેમ કહેવાય છે.

ઉપરાંત 2004માં અડવાણીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો ત્યારે આરએસએસે ભાજપને પક્ષના ચહેરા તરીકે અડવાણીથી આગળ નજર દોડાવવા જણાવ્યું હતું. આ સમયે જેટલીએ તેમના લાંબા સમયના મિત્ર નરેન્દ્ર મોદીને ભાજપના મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે ટેકો આપ્યો હતો.

2012માં મોદી વધુ એક વખત ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા બાદ જેટલીએ ખુલ્લેઆમ તેમના સમર્થનમાં આગળ આવ્યા. પાછળથી નાયડુ પણ જેટલી સાથે જોડાયા. આથી 2014માં લોકસભામાં ભાજપના વિજય બાદ જેટલીનું પક્ષમાં પ્રભુત્વ વધ્યું હતું અને તેમને નાંણાં અને સંરક્ષણના મહત્વના પોર્ટફોલિયો અપાયા હતા.

જેટલી ચૂંટણી જીતી ન શક્યા, પરંતુ ચૂંટણી રણનીતિમાં નિપુણ હતા

અરૂણ જેટલી તેમના 45 વર્ષના રાજકારણમાં ક્યારેય યુનિવર્સિટી સિવાયના કોઈ ચૂંટણી મેદાનમાં વિજય મેળવી શક્યા નહીં. પરંતુ ચૂંટણીની રણનીતિ ઘડવામાં તે નિપુણ હતા. તેથી જ તેમને પક્ષના ચાણક્ય પણ કહેવાતા હતા. અરૂણ જેટલી 1974માં દિલ્હી વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ તે 1977માં જનસંઘમાં જોડાયા. 1980માં ભાજપમાં સક્રિય થયા, પરંતુ 34 વર્ષ સુધી ક્યારેય સીધા ચૂંટણી મેદાનમાં ઉતર્યા નહીં.

2014માં તે મોદી લહેરના સમયમાં અમૃતસરમાં  લોકસભા ચૂંટણી માટે અમૃતસરથી ઊભા રહ્યા તો કેપ્ટન અમરિંદરે તેમને જીતવા ન દીધા. જોકે, પક્ષને વિધાનસભાથી લોકસભામાં જીતાડવામાં તેમણે અનેક વખત મહત્વની ભૂમિકા ભજવી છે. બિહારમાં લાલુરાજના સમયમાં 2005માં તેમને બિહારના ચૂંટણી પ્રભારી બનાવાયા હતા.

આ સમયે તેમણે પ્રમોદ મહાજનને વિશ્વાસમાં લઈ નીતિશકુમારને એનડીએના મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરાવ્યા અને તેમને ન્યાય યાત્રા પર નીકળવા સલાહ આપી. ત્યાર બાદ નીતિશ કુમારની પૂર્ણ બહુમતવાળી સરકાર બની. ત્યારથી અત્યાર સુધી નીતિશ કુમાર સીએમ છે.

અગાઉ 2003માં તેમને મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીનું સુકાન સોંપાયું હતું. તેમાં પણ તેમણે ભાજપને વિજય અપાવ્યો. તેમની રણનીતિને પગલે શિવરાજસિંહ ચૌહાણ 15 વર્ષ સુધી મુખ્યમંત્રીપદે રહ્યા. 2008માં તેમને કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું સુકાન સોંપાયું હતું અને કર્ણાટકમાં પહેલી વખત રાજ્યમાં કમળ ખીલવવામાં જેટલીની મહત્વપૂર્ણ ભૂમિકા હતી.

READ ALSO

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana

કૃષિમંત્રીનું આશ્વાસન/ MSPમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, ખેડૂતોને સરકારની વાત પર નથી ભરોસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!