GSTV

નાના બાળકોમાં તોતડાપણાની સમસ્યા વધી રહી છે, આયુર્વેદિક પ્રક્રિયાથી કરો તેની સારવાર

નાના બાળકોમાં તોતડાપણાની સમસ્યા આજ-કાલ ખૂબ વધી ગયેલી જોવા મળે છે. ઘણા માતા-પિતાને તો આ બાબતે શું કરવું તેનો કોઈ જ ખ્યાલ હોતો નથી. ઘણીવાર તો બાળક નાનું છે ને, એમ કહીને માતા-પિતા સમગ્ર વાતને નજરઅંદાજ પણ કરતા જોવા મળે છે. સ્પષ્ટ અને કડકડાટ બોલવા માટે પણ મગજનો ડાબી બાજુનો અને જમણી બાજુનો આ બંને ભાગ પરસ્પર સહયોગથી કાર્યરત રહે તે અત્યંત જરૂરી છે.
આ બંને વચ્ચે થોડી પણ ગડબડ ઉભી થાય ત્યારે તોતડાપણાની સમસ્યા સર્જાતી હોય છે. બાળકોમાં આમ તો આ લક્ષણ સામાન્ય છે. આ લક્ષણ મોટાભાગે ૩ થી ૫ વર્ષની ઉંમરના શરૂઆતનાં તબક્કામાં ૭% બાળકોમાં આ સમસ્યા જોવા મળતી હોય છે. જેમાંથી ૫% બાળકોમાં કોઈપણ સારવાર વગર જ આ સમસ્યા ઠીક થઈ જાય છે. જ્યારે ૨% બાળકોને સારવારની જરૂરિયાત ઉભી થાય છે.
સમાજમાં પ્રાય: એવું જોવા મળે છે કે, પુરુષોનાં પ્રમાણમાં સ્ત્રીઓમાં આ સમસ્યા ખૂબ નહિવત પ્રમાણમાં જોવા મળતી હોયછે. આ રોગની કરૂણતા એ છે કે આ રોગથી પીડાતી વ્યક્તિનાં મનમાં ઘણું બધું કહેવાની ઈચ્છા હોય છે. પરંતુ લોકોનાં અપમાનનું કે મજાકનું કારણ ન બનવું પડે તેવા ભયથી આવી વ્યક્તિઓ બહુ બોલી શકતી નથી. આપણે પણ ઘણીવાર અનુભવીએ છીએ કે, જ્યારે આપણે ખૂબ ક્રોધે ભરાયા હોઈએ ત્યારે ક્રોધનાં કારણે ઘણીવાર સળંગ બોલી શકતા નથી. આ પ્રક્રિયા ખૂબ જ સ્વાભાવિક હોય છે.


શરીરમાં જેમ છીંક આવવી, બગાસું ખાવું વગેરે સ્વાભાવિક રીતે થાય છે તેમ આ સમસ્યા પણ ખૂબ સ્વાભાવિક છે. જેથી આ સમસ્યાનાં દર્દીઓએ સહેજ પણ શરમ કે સંકોચમાં રહેવાની જરૂર નથી. મક્કમ મનોબળથી ચોક્કસ આ સમસ્યાને હરાવી શકાય છે. પ્રબળ ઈચ્છાશક્તિ અને યોગ્ય ઔષધોપચારથી આ સમસ્યાનું નિવારણ શક્ય છે.
બાળકો જ્યારે આ પ્રકારની સમસ્યાનો સામનો કરતા હોય ત્યારે તેમનાં માતા-પિતાએ નીચેની બાબતોમાંની સાવધાની રાખવી જરૂરી છે જેમાં,
(૧) બાળકની બોલવાની પધ્ધતિની ક્યારેય મજાક ન ઉડાડવી. અન્યો દ્વારા પણ આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેની ખૂબ જ કાળજી રાખવી.
(૨) બાળકમાં લઘુતાગ્રંથિ, ભય કે તનાવ ઉત્પન્ન ન થાય તેની ખૂબ કાળજી રાખવી. બાળકને તે વધુમાં વધુ બોલે તે માટે ઉત્સાહિત કરવું.
(૩) બાળકમાં તોતડાપણાની સમસ્યા પ્રયત્નો કરવા છતાંય સુધરતી ન જણાય છતાં પણ બાળકને ધમકાવવું કે ડરાવવું નહિ. પણ તેની ઔષધ-સારવાર કરાવવી. જો જરૂર લાગે તો સારા સ્પીચ થેરપીસ્ટની સલાહ પણ અવશ્ય લેવી.
(૪) માતા-પિતાએ બાળકને માનસિક રૂપથી મોરલ સપોર્ટ પૂરો પાડવો જોઈએ અને તેનામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન કરવો જોઈએ. તેનાં મગજમાં કોઈ બિનજરૂરી વાતનો ભય પેસી ગયો હોય તો તેને હટાવવો જોઈએ.
આયુર્વેદિક સારવાર: નીચે બતાવેલાં ઔષધ પ્રયોગો આ તકલીફમાં ખૂબ ઝડપી પરિણામ આપે છે. જેમાં,
(૧) દરરોજ સવારે નિયમિત રૂપે આમળાનું સેવન આ રોગમાં ખૂબ જ લાભદાયી છે. સવારે ૧ ચમચી આમળાના ચૂર્ણને ૧ ચમચી ગાયના ઘી સાથે નિયમિત લેવાથી આ સમસ્યામાં ફાયદો જણાશે.

(૨) બ્રાહ્મી તેલને થોડું ગરમ કરી શિર પર ૨૦ થી ૨૫ મિનિટ સુધી તેની માલિશ કરવી. ત્યારબાદ સુખોષ્ણ જળથી સ્નાન કરી લેવું. આ પ્રયોગ નિયમિત કરવાથી બાળકની યાદશક્તિ પણ વધે છે અને બોલવાની સમસ્યામાં પણ સુધારો થતો જાય છે.
(૩) ૧૦ નંગ બદામ લઈ રાત્રે તેને પલાળી દેવી અને સવારે તેની છાલ ઉતારીને તેનું ચૂર્ણ બનાવી ૨૫ ગ્રામ ગાયના ઘીમાં બનાવેલું માખણ મિક્સ કરી બાળકને ખવડાવવું. આ પ્રયોગથી પણ થોડા જ સમયમાં આ સમસ્યામાંથી છૂટકારો મળે છે.
(૪) ૧૦ નંગ બદામ અને ૧૦ નંગ કાળા મરીને વાટીને તેનું ૧૦ દિવસ સુધી સેવન કરવું.
(૫) બ્રાહ્મી સિરપ કે શંખપુષ્પી સીરપ ૧-૧ ચમચી સવાર-સાંજ ભોજન પછી બાળકને આપવી. વાકશુધ્ધિકર ચૂર્ણ ૧ ચમચી સવાર-સાંજ લેવું તથા બ્રાહ્મી વટી ૧-૧ ગોળી ગાયના દૂધ સાથે સવાર-સાંજ લેવી.આ સિવાય ઉપચાર કરવામાં તકલીફ પડે તેવા ઉચ્ચારણો કે શબ્દોનો ઉચ્ચાર બાળક પાસે વારંવાર કરાવવો.ઉપરોક્ત પ્રયોગો તેમજ દ્રઢ ઈચ્છાશક્તિ આ સમસ્યાને જડમૂળથી અવશ્ય કાઢે છે.

Read Also

Related posts

મહિલાઓ ખાસ વાંચે/ 24 કલાક આ વસ્તુ પહેરવી સાબિત થઇ શકે છે ખૂબ જ ખતરનાક, સ્વાસ્થ્યને થાય છે આટલા નુકસાન, જાણી લો

Bansari

કેન્સર, વધુ વજન અને ડાયાબિટીસ જેવી બીમારીઓમાં Mangosteen ઘણું લાભદાયી, આ છે તેના ફાયદાઓ

pratik shah

ગંભીર બિમારીઓમાં પણ ઔષધિઓની જેમ કામ કરે છે આ શાકભાજી, જાણો દૂધીથી થતાં ફાયદાઓ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!