રાજકોટના યુનિવર્સિટી રોડ પરથી પોલીસે શાપર વેરાવળના શખ્સને દેશી તમંચા અને 2 જીવતા કારતુસ સાથે દબોચી લીધો હતો. રાજકોટ પોલીસે કહ્યું હતુ કે આરોપી પ્રકાશ ઉર્ફે પકો પરમાર અગાઉ પણ બે વખત ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો છે. જોકે આ વખતે હથિયાર નોર્થ ઇન્ડિયાથી લઈ આવ્યો હોવાનું આરોપીએ કબુલ્યું છે. આરોપી પર અગાઉ પણ ખૂનની કોશિશ અને મારામારી સહિતની કલમો હેઠળ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

હાલ શાપર વેરાવળથી રાજકોટ હથિયાર લઈને આવવાનું કારણ પોલીસ તપાસ કરી રહી છે. કારખાનાઓમાં કામ કરતા શ્રમિકો અનલોક થતા હવે અન્ય રાજ્યોમાંથી ફરી ગુજરાત તરફ પરત આવી રહ્યા છે. એવા સમયે જ ગેરકાયદેસર હથિયારો પકડાઈ રહ્યા છે. જેથી ગુજરાતમાં ગેરકાયદે હથિયારો ઘુસાડવામાં આવતા હોય તેવી શક્યતાઓ છે. પોલીસ ઔદ્યોગિક વિસ્તારોમાં કડક ચેકીંગ કરે તો અનેક હથિયારો મળી આવે તેવી શક્યતા છે.
