વિમાન ઉડાડીને, હોડી ચલાવીને, સાઈકલ પર કે પગપાળા ધરતીની સફર કરવાના પરાક્રમો સતત સાહસિકો કરતાં રહેતા હોય છે. પોતાનું સાહસ આખા જગતમાં ચર્ચાસ્પદ બને એ માટે તેમાં નાવિન્ય જોઈએ. આર્જેન્ટિનાના ઝપ્પ પરિવારે આવી જ નવિનતા સાથે જગતનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. ઝપ્પ પરિવારે 22 વર્ષ સુધી ગાડી ચલાવીને આખા જગતની સફર કરી છે. એ દરમિયાન પરિવારે કુલ મળીને 362,000નો પ્રવાસ કર્યો છે. એટલું જ નહીં પ્રવાસ શરૃ કર્યો ત્યારે પરિવાર બે વ્યક્તિનો હતો, હવે ચારનો થયો છે કેમ કે બે બાળકો રસ્તામાં જ જન્મ્યાં હતા. એ બાળકો હવે મોટા પણ થઈ ગયા છે. પ્રવાસની વધુ એક વિશેષતા એ છે કે પરિવારે આખો પ્રવાસ વિન્ટેજ કારમાં પુરો કર્યો હતો. હવે અત્યારે તેઓ આર્જેન્ટિના અને ઉરુગ્વેની સરહદે પહોંચી ગયા છે. રવિવારે પરિવાર પોતાના દેશમાં પ્રવેશ કરશે.

હેરમાન અને તેની પત્ની કાન્ડેલારિઆએ 2000ની સાલમાં 25મી જાન્યુઆરીએ આર્જેન્ટિનાના પાટનગર બ્યુએનોસ એરિસથી ગાડી ચલાવવાની શરૃઆત કરી હતી. એ વખતે તેમની ઉંમર અનુક્રમે 31 અને 29 વર્ષ હતી. સફર દરમિયાન પરિવારે 102 દેશોની મુલાકાત લીધી છે. આ સફર અંગે પરિવારે કહ્યું હતું કે જ્યાં પહોંચ્યા ત્યાં લોકોએ અમને સારી રીતે આદર-આવકાર આપ્યો છે. એ અમારી સફરની સૌથી મોટી સિદ્ધિ છે. જગતમાં ઘણા દેશોમાં અશાંતિ-લડાઈ ચાલતી રહે છે. આવા દેશોમાં તેમણે સીધાને બદલે લાંબો પણ સલામત રસ્તો લેવો પડ્યો હતો.

હેરમાન-કાન્ડેલારિઆએ હજુ તો છ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. ઘર લીધું અને બાળકોનું આયોજન કરતાં હતા. એ દરમિયાન તેમને એક પ્રવાસ વખતે વિચાર આવ્યો કે જીવન જીવવાની મજા તો સફરમાં જ છે. એમાં વળી એમને 1928ના મોડેલની Graham-Paige કાર મળી ગઈ. એટલે એ કારમાં જ સફર કરવાનું એમણે નક્કી કર્યું. પરંતુ કારની હાલત તો ભંગાર હતી. એટલે પહેલા તો ગાડીને રિપેર કરીને ચાલે એવી કરવી પડી. પણ જૂનું અને ખડતલ મોડેલ હોવાનો ફાયદો એ થયો કે શહેરી વિસ્તાર ઉપરાંત કાદવ-કિચળ, ટેકરી, અખડ-દખડ બધા રસ્તામા ગાડી ચાલ્યા કરી.

22 વર્ષ તો કોઈ ગાડી અવિરત ચાલે જ નહીં. એટલે રસ્તામાં બે વખત એન્જિન રિપેરિંગની કામગીરી પણ એમણે કરાવવી પડી. ગાડી સાથે ગમે ત્યાં ખોડી શકાય એવા તંબુ-કેમ્પિંગની સુવિધા પણ તેમણે લીધી હતી. રસ્તે ચાલતા તેમના પરિવારનો વિસ્તાર થયો. અમેરિકામાંથી પસાર થતાં હતા ત્યારે પામ્પા નામની દીકરી જન્મી જે હવે 19 વર્ષની થઈ છે, તો તેહુ નામનો દિકરો પણ પેદા થયો જે હવે 16 વર્ષનો છે. એમની સગવડ સચવાય એટલે સીટને થોડી કાપ-કૂપ કરીને ગાડીની જગ્યામાં તેમણે વધારો કર્યો હતો. એ પછી વળી આગળ જતાં કેનેડામાં પાલોમાનો જન્મ થયો અને ઓસ્ટ્રેલિયામાં વેલેબીનો. પાલોમાની ઉંમર હવે 14 અને વેલેબીની 12 વર્ષ છે. બાળકોએ રસ્તામાં જે રીતે ભણી શકાય એ રીતે ભણવાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ સફર દરમિયાન જે જીવનના પાઠ મળ્યા એ કોઈ પુસ્તકમાં ન લખેલા હોય એવા છે. એ ઉપરાંત એક કૂતરો પણ પરિવારનો સાથી છે.

રસ્તામાં રાતવાસો કરવાનો થયો ત્યારે તેઓ લગભગ 2 હજાર લોકોના ઘરમાં રોકાયા હતા. આવી સફર દરમિયાન અનેક મુશ્કેલીઓ આવે. એશિયામાંથી પસાર થતી વખતે હેરમાનને મલેરિયા થયો હતો. એ પછી આગળ વધ્યા તો બર્ડ ફ્લુનો હાહાકાર હતો એવા વિસ્તારમાંથી પસાર થવું પડ્યુ હતું. સેન્ટ્રલ આફ્રિકામાંથી પસાર થતા હતા ત્યારે બે ઘાતક રોગચાળા ઈબોલા અને ડેન્ગ્યુનો પણ સામનો કરવો પડ્યો હતો.પ્રવાસ દરમિયાન તેઓ એશિયા, આફ્રિકા, અમેરિકા, ઓશેનિયા, યુરોપમાં ફર્યા. એવરેસ્ટના બેઝ કેમ્પ નજીકથી સફર કરી તો વળી આફ્રિકાના નામિબિયામાં પરંપરાગત આદિવાસીઓ સાથે નૃત્યુ પણ કર્યું. ઈજિપ્તમાં કિંગ તૂત આમેન ખાનની કબર પણ જોઈ અને અનેક સમુદ્રો પરથી ગાડીને જહાજમાં ચડાવીને પસાર પણ થયા. એમની ગાડી બહાર જ એમણે લખી રાખ્યું છે, ‘અ ફેમિલિ ટ્રાવેલિંગ અરાઉન્ડ ધ વર્લ્ડ’. એટલે કોઈને ગાડી જોઈને જ આમ તો સમજ પડી જાય.
આ સફર પુરી થયા પછી હવે જળમાર્ગે સફર કરવાની પરિવારની વિચારણા છે. એટલે હોડી લઈને વળી ફરી નીકળી પડશે.