મોદી 2 દિવસ ગુજરાત રોકાશે : આ છે કાર્યક્રમો, રાજ્યની 26 લોકસભાનું ઘડાશે પ્લાનિંગ

૨૧મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. ગુજરાતમાં બીજી વાર આયોજિત ડીજી કોન્ફરન્સનું વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે. કેવડિયા કોલોની ખાતે આયોજિત કોન્ફરન્સને પગલે સમગ્ર વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મોદી ગુજરાતમાં આવી રહ્યાં હોવાથી પોલીસ તંત્ર પણ એલર્ટ બની ગયું છે. મોદી એક રાત રોકાવાના છે. ગુજરાતમાં અહી લોકસભાની સીટો અંગે ચર્ચા વિચારણા થઈ શકે છે. બીજા દિવસે ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન હોવાથી ભાજપના મોટાભાગના નેતાઓ ગુજરાત પહોંચે તેવી સંભાવના છે. ગુજરાતમાં આ દિવસે રાજકીય માહોલ ગરમ બને તેવી પૂરી સંભાવના છે.

નરેન્દ્ર મોદી કેવડિયા કોલોનીમાં જ રાત્રી રોકાણ કરશે

સૂત્રોના મતે, ૨૧મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી સીધા જ વડોદરા આવશે ત્યાંથી તેઓ કેવડિયા કોલોની પહોંચશે. કેવડિયા કોલોનીમાં ડીજી કોન્ફરન્સમાં સંબોધન કર્યા બાદ તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ય મુલાકાત લેશે. નરેન્દ્ર મોદી કેવડિયા કોલોનીમાં જ રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે વડાપ્રધાન અડાલજમાં ત્રિમંદિર ખાતે ભાજપ રાષ્ટ્રીય મહિલા સંમેલનમાં સંબોધન કરશે. ત્યાંથી તેઓ દિલ્હી જવા રવાના થશે. આમ મોદી 2 દિવસ ગુજરાતમાં હશે એ ફાયનલ છે. જેમની સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. 20મીએ જસદણની ચૂંટણી અને 21 અને 22મીએ મોદી બાદ 23મીએ જસદણનું રિઝલ્ટ હોવાથી પોલીસ તંત્ર 4 દિવસ હાઇએલર્ટ પર રહેશે એ નક્કી છે.

૧૫૦થી વધુ ડીજી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેશે

સૌ પ્રથમવાર કચ્છમાં ડીજી કોન્ફરન્સ આયોજિત કરાઇ હતી. હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં આયોજન કરાયું છે. આ કોન્ફરન્સમાં ૧૫૦થી વધુ ડીજી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જમ્મુ કાશ્મીરની વર્તમાન પરિસ્થિતીથી માંડીને આતંકવાદ એ મુખ્ય ચર્ચાનો વિષય હશે. હાલમાં પોલીસંત્રમાં રજાઓ પણ કેન્સલ કરી દેવાઈ છે. ગુજરાતમાં ડી. જી. કોન્ફરન્સ પણ હોવાથી ગુજરાત પોલીસ હાલમાં એલર્ટ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter