GSTV
GSTV લેખમાળા Trending

નેટ નોલેજ / સર્ચ એન્જિનમાં મળે એ બધા જવાબ સાચા હોય?

સર્ચ

દેશની સૌથી ભંગાર ભાષા કઈ એવા સવાલના જવાબમાં હમણા ગૂગલે કન્નડ ભાષાને જવાબ તરીકે રજૂ કરી હતી. વિવાદ થતાં ગૂગલે માફી માંગી લીધી. એનાથી સાબિત થયું કે ગૂગલમાં જવાબ મળે એ કંઈ અંતિમ સત્ય નથી હોતું

ભણેલા-ગણેલા લોકો પણ બહુ નવાઈજનક રીતે, ગૂગલ પર સર્ચ કરતાં જે રિઝલ્ટ મળે તેને ‘ગૂગલ’ના જવાબ માની લે છે. ગૂગલ, ફેસબુક, યુટ્યૂબ વગેરે બધું જ આખરે એક પ્લેટફોર્મ છે, તેના પર જે કંઈ જોવા મળે છે એમાંનું કશું જ આ બધી જે તે કંપનીનું હોતું નથી.

હમણાં ગૂગલ સર્ચ એન્જિનનું એક ‘જબરું મોટું ભોપાળું’ સમાચારમાં ચમક્યું. થયું એવું કે ‘‘ભારતની સૌથી ગંદી કે ભદ્દી (અગ્લીએસ્ટ) ભાષા કઈ છે?’’ એવું ગૂગલ પર સર્ચ કરતાં ‘કન્ન્ડ ભાષા’ એવો જવાબ મળતો હતો. દેખીતી રીતે આ સર્ચ ક્વેરી અને તેના જવાબના સ્ક્રીનશોટ્સ સોશિયલ મીડિયા પર ફટાફટ વાઇરલ થયા. સદીઓનો ભવ્ય ઇતિહાસ ધરાવતી કન્નડ ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ-આદર ધરાવતી દરેક વ્યક્તિ ઉકળી ઊઠે એવી આ વાત હતી. ખરેખર તો ભાષામાત્ર પ્રત્યે પ્રેમભાવના ધરાવતી વ્યક્તિ ગૂગલના આ ‘લોચા’થી નારાજ થાય – કોઈ પણ ભાષા ‘અગ્લી’ કેવી રીતે હોઈ શકે?

કર્ણાટક સરકારે ગૂગલને લીગલ નોટિસ મોકલવાની તૈયારી કરી. ગૂગલ સામે જબરો વિવાદ થયા પછી ગૂગલે તરત કન્નડભાષીઓ અને સૌની માફી માગી અને વિવાદાસ્પદ ક્વેરી તથા તેના જવાબ ગૂગલ સર્ચ પરથી દૂર કર્યાં. આ ઘટનાએ વધુ એક વાર સાબિત કર્યું કે ગૂગલ (કે તેના જેવા કોઈ પણ સર્ચ એન્જિન) પર આપણે આંખોં મીંચીને વિશ્વાસ કરવા જેવો નથી.

તમને કદાચ યાદ હશે કે ૨૦૧૬ના વર્ષમાં દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ભારત-વિરોધી દેખાવોનો મોટો વિવાદ થયો હતો ત્યારે ગૂગલ પર ‘એન્ટિનેશનલ’ કે ‘સેડિશન’ (રાષ્ટ્રદ્રોહ) જેવા શબ્દો સર્ચ કરતાં દિલ્હીની જવાહરલાલ યુનિવર્સિટીનાં રિઝલ્ટ જોવા મળતાં હતાં. એ જ અરસામાં ‘ઇન્ડિયાઝ ટોપ ક્રિમિનલ્સ’ એવું સર્ચ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો જોવા મળતી હતી. તેના બે વર્ષ પછી, ૨૦૧૮માં યુએસમાં ‘ઇડિયટ’ સર્ચ કરતાં, હવે ભૂતપૂર્વ બની ગયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરો જોવા મળતી હતી! વાત અમેરિકાની હતી એટલે ગૂગલના સીઇઓ સુંદર પિચાઈએ અમેરિકન કોંગ્રેસ સમક્ષ સ્પષ્ટતા કરવી પડી હતી કે ગૂગલ કંપની કોઈ સર્ચ રિઝલ્ટ મેન્યુઅલી તૈયાર કરતી નથી, આ પરિણામો જુદી જુદી વેબસાઇટનાં કન્ટેન્ટ પર આધારિત હોય છે.

સર્ચ એન્જિન આખરે ઇન્ટરનેટનો અરીસો છે

આપણા સૌના મનમાં એક ગેરસમજ ગજબની ઘર કરી ગઈ છે કે ઇન્ટરનેટ પર સર્ચ કરતાં જે કંઈ જોવા મળે છે એ બધું ‘ગૂગલે લખેલું’ હોય છે. વાસ્તવમાં સર્ચ એન્જિન ઇન્ટરનેટનો માત્ર અરીસો છે. ઇન્ટરનેટ પરની અસંખ્ય વેબસાઇટ્સ અને વેબપેજીમાંનાં લખાણ, ઇમેજ વગેરેને આધારે, આપણા પ્રશ્નનો જવાબ કઈ વેબસાઇટ કે વેબપેજ પર મળશે તે સર્ચ એન્જિન બતાવતું હોય છે.

Google

આપણે ગૂગલ કે બિંગ કે યાહૂ પર જે કંઈ સર્ચ કરીએ, તેનાં જે પરિણામો મળે તે ગૂગલ, માઇક્રોસોફ્ટ કે યાહૂ કંપનીના પોતાના અભિપ્રાય દર્શાવતાં નથી. અનેક પ્રકારની જટિલ પ્રક્રિયાઓ અને ૨૦૦થી વધુ જુદા જુદા માપદંડના અંતે આ સર્ચ એન્જિન કયાં પરિણામો બતાવવાં તે નક્કી કરતાં હોય છે.

આ માપદંડોમાં એક મહત્ત્વની બાબત હોય છે – સર્ચ કરાયેલા શબ્દો અને તેની સાથે વધુમાં વધુ ગાઢ સંબંધ ધરાવતા અન્ય શબ્દો. જે તે સમયે, ઇન્ટરનેટ પર વિવિધ સાઇટ્સ પર જે શબ્દો વારંવાર એક જ પેજ પર કે એ પેજની લિંક્સના પેજ પર જોવા મળતા હોય તે સર્ચ કરતાં, સર્ચ રિઝલ્ટમાં આગળ આવી જાય છે.

‘‘ભારતની સૌથી ગંદી ભાષા કઈ?’’ એવું સર્ચ કરનારો પણ કોઈ પાક્યો અને નસીબજોગે એનો જવાબ ધરાવતી એક વેબસાઇટ પણ હતી.

Google

ગૂગલના સર્ચ એન્જિનનાં અલ્ગોરિધમ હવે અત્યંત સ્માર્ટ છે. અગાઉ તેની ભૂમિકા સહદેવ જેવી હતી, આપણે પૂછીએ એનો જ જવાબ આપે. હવે આપણે કંઈ પણ સર્ચ કરીએ તો જુદાં જુદાં પેજ પરથી તેને સંબંધિત માહિતી તારવીને, સામે ચાલીને તે આપણે અલગ ઇન્ફો કાર્ડમાં બતાવે છે (ભાષા બાબતે આ જ કારણે કાચું કપાયું).

હવે આપણે ‘તાજ’ સર્ચ કરીએ તો ગૂગલ સમજી જાય છે કે એ નામની અાગ્રામાં પ્રખ્યાત ઇમારત છે અને મુંબઈમાં એક હોટેલ છે. એ મુજબ, આપણી ક્વેરી તથા બીજી ઘણી બાબતોને આધારે તે બંનેને સંબંધિત સચોટ માહિતી તારવી બતાવે છે, પણ આખરે તો સર્ચ એન્જિન પણ મશીન છે!

જેએનયુના વિવાદ વખતે, ઇન્ટરનેટ પર સંખ્યાબંધ વેબસાઇટ્સ પર લખાયેલા લેખોમાં એન્ટિ-નેશનલ અને સેડિશન શબ્દોની સાથે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ થતો હોવાથી, સર્ચ રિઝલ્ટમાં પણ બંને નજીક આવી ગયાં. ‘પેટ્રિયોટિઝમ’ કે ‘ભારત માતા કી જય’ જેવા શબ્દો સર્ચ કરતાં પણ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીનું રિઝલ્ટ મળતાં હતાં, કેમ કે આ બંને શબ્દ પ્રયોગો સાથે પણ યુનિવર્સિટી ચર્ચામાં રહી હતી.

સર્ચ એન્જિન આવી ‘ભૂલ’ કેમ કરે છે?

તમને યાદ હશે કે ગૂગલ ઇમેજીસ સર્ચમાં ‘ટોપ ૧૦ ક્રિમિનલ્સ’ લખતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો જોવા મળતી હતી એ મુદ્દે પણ ખાસ્સો વિવાદ થયો હતો. ઉશ્કેરાયેલા અનેક ભારતીયોએ સોશિયલ મીડિયા પર પસ્તાળ પાડી અને #top10criminals જેવા હેશટેગ્સ સાથે ગૂગલને પોતાની ભૂલ સુધારી લેવા કહ્યું. ગૂગલે માફી માગી પણ લીધી. એ કિસ્સામાં શું થયું હતું એ જાણવા જેવું છે.

Corona

ઇંગ્લેન્ડનાં સૌથી મોટાં અખબારોમાંના એક, ‘ધ ટેલિગ્રાફ’માં એ સમયગાળામાં એક સમાચાર છપાયા હતા, જેની હેડલાઇન હતી “Top Indian educationalist accused of racism over portrayal of criminal ‘negroes”. એ લેખમાં એ ભારતીય શિક્ષણવીદને ભારતના નવા વડા પ્રધાનનો ટેકો હોવાનો ઉલ્લેખ હતો અને તેની સાથે નરેન્દ્ર મોદીનો ફોટોગ્રાફ હતો.

વેબસાઇટના જાણકારો જાણે છે કે વેબસાઇટમાં જે કંઈ કન્ટેન્ટ હોય – ટેક્સ્ટ, ઇમેજ, વીડિયો વગેરે – તે શું છે તે સમજાવતી બે-ત્રણ લીટી અને અમુક કીવર્ડ લખેલા હોય છે, જેને ‘મેટાડેટા’ કહે છે. બધાં જ સર્ચ એન્જિનને વિવિધ વેબપેજ આપણને દેખાય છે તેવાં દેખાતાં નથી. એ તો ફક્ત આ મેટાડેટા પરથી માહિતી મેળવે છે.

નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફ સાથે આવો મેટાડેટા લખાયો હતો : “India’s Prime Minister Narendra Modi: Top Indian educationalist accused of racism over portrayal of criminal ‘negroes” મતલબ કે મેટાડેટામાં ફોટોગ્રાફ કોનો છે તે અને કયા લેખ સાથે ફોટો મૂકાયો છે તેની નોંધ હતી, નરેન્દ્ર મોદી ક્રિમિનલ છે એવો કોઈ ઉલ્લેખ નહોતો.

પણ સર્જ એન્જિન્સ જ્યારે સર્ચ ક્વેરીનાં પરિણામ બતાવે છે ત્યારે તે બે બાબત પર ખાસ મૂકે છે, એ શબ્દો કયા કયા વેબપેજમાં છે અને એ વેબપેજને બીજા કોણ કોણ લિંક કરે છે (તેમનું કેટલું મહત્ત્વ, એ પણ જોવાય). ‘ધ ટેલિગ્રાફ’ની વેબસાઇટ આખી દુનિયામાં લોકપ્રિય છે અને સર્ચની દૃષ્ટિએ તેના જેટલી જ મહત્ત્વની બીજી અનેક સાઇટ્સ તેની લિંક આપે છે. પરિણામે, ‘ટોપ ૧૦ ક્રિમિનલ્સ’ની સર્ચ ક્વેરીમાં ટેલિગ્રાફના મેટાડેટાને ખોટું મહત્ત્વ અપાઈ ગયું!

મજાની વાત એ છે કે #top10criminals જેવા હેશટેગ સાથે મોદીની તસવીરો હટાવી લેવાનું સૂચન કરનારા લોકોએ જાણે-અજાણે, સર્ચ એન્જિનને વધુ ગૂંચવ્યાં કેમ કે તેમને વધુ ને વધુ જગ્યાએ ‘મોદી’ અને ‘ક્રિમિનલ’ શબ્દો નજીક નજીક દેખાવા લાગ્યા!

કર્ણાટકના આ વિવાદ પછી ગૂગલે ફરી માફી સાથે સ્પષ્ટતા કરી કે તેનાં પરિણામો પરફેકટ હોતાં નથી. સર્ચ એન્જિન આખરે તો મશીન છે, મગજ નહીં!

Read Also

Related posts

યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને કિવની લીધી મૂલાકાત, કહી આ વાત, જાણો

Akib Chhipa

100 ટકા બેટરી ચાર્જ થયા પછી પણ સ્માર્ટફોનને ચાર્જિંગમાંથી કાઢવામાં ન આવે, તો શુ થાય છે, જાણો

Akib Chhipa

દેશની સૌથી મોટી બેંકની સ્પષ્તા / SBIએ અદાણી ગ્રુપને અધધ.. 21000 કરોડની આપી લોન, બેંકના ચેરમેને આપ્યું નિવેદન

Hardik Hingu
GSTV