એક જ મેચમાં બે વખત 200 રન ફટકારી આ ખેલાડીએ પ્રેક્ષકોના પૈસા વસૂલ કરી દીધા

શ્રીલંકાની ટીમ ટેસ્ટમાં ખૂબ ખરાબ પ્રદર્શન કરી રહી છે. આવા સમયે શ્રીલંકાને એક ઘાતક બેટ્સમેન મળ્યો છે. જેણે એવો રેકોર્ડ બનાવ્યો છે જે બીજા ક્રિકેટરો માટે તોડવો એ લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે. શ્રીલંકાની ઘરેલું સિરીઝ નોનડેસ્ક્રિપ્ટ્સ ક્રિકેટ ક્લબ તરફથી રમતા કેપ્ટન એન્જેલો પરેરાએ પ્રથમ શ્રેણી મેચમાં બે ડબલ સેન્ચુરી લગાવી દીધી છે. ક્રિકેટ ઈતિહાસમાં આવું માત્ર બીજી વખત થયું છે જ્યારે કોઈ બેટ્સમેને એક જ શ્રેણીમાં બે ડબલ સેન્ચુરી લગાવી દીધી હોય.

80 વર્ષ પહેલા કેંટના આર્થર ફેગે એક્સેસ વિરૂદ્ધ કાઉંટી ક્રિકેટ મેચ રમતા બે વાર બસ્સોનો આંકડો પાર કર્યો હતો. 1938માં આર્થર ફેંગે નોટ આઉટ 244 અને 202 રન ફટકાર્યા હતા. જે પછી લાંબા સમયના અંતરાલે હવે આ ખેલાડીના નસીબમાં આ રેકોર્ડ લખાયો છે.

28 વર્ષીય એન્જેલો પરેરાએ શ્રીલંકાની પ્રથમ શ્રેણી પ્રીમીયર લીગના આઠમાં મેચમાં સિંહલીઝ ક્રિકેટ ક્લબ વિરૂદ્ધ ચાર દિવસીય મેચની પહેલી ઈનિંગમાં 203 બોલ પર 201 રન ફટકાર્યા અને બીજી ઈનિંગમાં 268 બોલમાં 231 રન ફટકાર્યા. એનસીસીની પીચને તો બેટ્સમેનો માટે સ્વર્ગ માનવામાં આવે છે. આમ છતા એન્જેલો પરેરાએ પોતાના આ પ્રદર્શનમાં સારા બોલરો વિરૂદ્ધ ધાક્કડ ઈનિંગ રમી બતાવી હતી. સિંહલીઝ ક્રિકેટ ક્લબના બોલરોની વાત કરવામાં આવે તો ધમિકા પ્રસાદ અને સચિત્રા સેનનાયક જેવા બોલરો હતા, જે શ્રીલંકા વિરૂદ્ધ આંતરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. જેની સામે રન ફટકારવા એ પણ એન્જેલો પરેરા માટે ચેલેન્જ હતી. જો કે આ આંતરાષ્ટ્રીય બોલરો પણ એન્જેલો પરેરા આગળ ઘુંટણીયે નમી ગયા હતા.

પ્રીમીયર લીગની આ મેચમાં ઘણા બેટ્સમેનોએ ડબલ સેન્ચુરી ફટકારી હતી. પણ એન્જેલો પરેરા એવો પહેલો બેટ્સમેન છે જેણે બંન્ને ઈનિંગમાં ડબલ સેન્ચુરી ફટકારી દીધી હોય. 2013થી 2016 વચ્ચે શ્રીલંકા માટે ચાર વનડે અને બે ટ્વેન્ટી મેચ રમનારા આ બેટ્સમેને ડબલ સેન્ચુરી પણ આક્રામક અંદાજમાં ફટકારી. એન્જેલો પરેરા સિવાય બંન્ને ટીમ તરફથી ત્રણ સેન્ચુરીઓ લાગી. 26 વિકેટ પડી અને મેચ પણ ડ્રો પરિણમી.

આ એ જ મેદાન છે જ્યાં 2006માં મહેલા જયવર્ધને અને કુમાર સંગકારાએ સાઉથ આફ્રિકા સામે 624 રનની પાર્ટનરશીપ કરી હતી. ક્રિકેટમાં કોઈ પણ ટીમ દ્વારા કરવામાં આવેલી આ સૌથી મોટી ભાગીદારી છે. ત્યારે એન્જેલો પરેરા હવે ટૂંક સમયમાં જ શ્રીલંકા તરફથી ટેસ્ટમાં પોતાનું ડેબ્યુ કરી શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter