ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા કોંગ્રેસ માટે અંતિમ ઉમ્મીદ, દિલ્હીનો દરવાજો ખોલવાની કૂંચી યુપી

ભારતીય રાજનીતિમાં એક વાત બિલકુલ સ્પષ્ટ રીતે માનવામાં આવે છે કે, દિલ્હીનો તખ્ત હાંસલ કરવાનો રસ્તો ઉત્તરપ્રદેશ થઈને જ જાય છે. એટલે કે જે પક્ષ યુપીમાં પ્રભુત્વ પુરવાર કરશે તે દિલ્હીની ગાદીએ બિરાજશે. પણ એક વાત બિલકુલ સ્પષ્ટ છે કે, યુપીમાં રાજકીય સફળતા મેળવવા કંઈ એટલી સહેલી પણ નથી. જે પ્રમાણે બિહારનો રાજકીય ઢાંચો જુદો છે, જેમ બિહારના મતદારોનો મિજાજ જુદો છે તે પ્રમાણે યુપીના મતદારોનો મિજાજ પણ જુદો છે. આ પ્રદેશમાં એક નાનો રાજકીય તણખો પણ મસમોટી જ્વાળાનું સ્વરૂપ ધારણ કરી લેતું હોય છે.

યુપીમાં આજે ‘ભાજપા ભગાઓ’નો નારો બુલંદ

સમય બડા બલવાન- આ ઊક્તિ બધા જ ક્ષેત્રોમાં બંધબેસે છે. એક સમય હતો કે, જ્યારે ‘કોંગ્રેસ હટાઓ’ સૂત્ર દેશભરમાં ગુંજતું હતું પણ, આજે પરિસ્થિતિ થોડી બદલાઈ છે. યુપીમાં આજે ‘ભાજપા ભગાઓ’નો નારો બુલંદ અવાજે બોલાઈ રહ્યો છે. લોકસભામાં સત્તાનો દરવાજો ખોલવાની કૂંચી મેળવવા માટે યુપીની જીત આવશ્યક છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપાના 71 ઉમેદવારો જીત મેળવી સંસદના દરવાજે પહોંચ્યા હતા આજે આ સંખ્યા ઘટીને 68ની થઈ ગઈ છે. આ પહેલા પણ વર્ષ 1998 અને 1999માં કેન્દ્રમાં ભાજપા દ્વારા સત્તાના સૂત્રો સંભાળવામાં આવ્યા હતા ત્યારે પણ યુપીમાં જ ભાજપાના સૌથી વધુ ઉમેદવારો સાંસદ બન્યા હતા. વળી જ્યારે 2004 યુપીમાં ભાજપાની પકડ ઢીલી પડી તે સાથે કેન્દ્રની સત્તા પણ હાથમાંથી ગઈ.

પ્રથમ તો પ્રિયંકા ગાંધી એક લોકપ્રિય ચહેરો

હાલમાં, પ્રિયંકા ગાંધીના કોંગ્રેસમાં પદાર્પણની સાથે કેટલાક મુદ્દા ધ્યાનાકર્ષક છે. પ્રથમ તો પ્રિયંકા ગાંધી એક લોકપ્રિય ચહેરો છે. પ્રિયંકા ગાંધી યુપીના મોટાભાગના નેતાઓથી પરિચીત છે. રાહુલ ગાંધીની સાથે સાથે યુપી પ્રદેશના નેતાઓ સાથે પ્રિયંકા ગાંધીએ સક્રીય ભૂમિકા ભજવી હતી. પડદા પાછળની ભૂમિકા ભજવનાર પ્રિયંકા ગાંધી હવે સક્રીય રાજકારણમાં પોતાનો સિંહફાળો આપવા માટે સક્ષમ છે. વિરોધીઓનો એક વરતારો એવો પણ છે કે, કોંગ્રેસ પાસે પ્રિયંકા ગાંધી સિવાય અન્ય કોઈ સર્વસ્વીકૃત વ્યક્તિત્વ નથી.

હિન્દી વિસ્તારમાં પ્રિયંકા મતદારો સાથે સંવાદ કરી લોકચાહના મેળવશે

પ્રિયંકા ગાંધીની કોંગ્રેસ મહાસચિવ પદે વરણી થવાથી ભાજપમાં હડકંપ વધુ દેખાય છે. ભાજપા દ્વારા પ્રિયંકા ગાંધી ઉપર સોશીયલ મિડીયામાં આલોચનાનો મારો ચલાવાઈ રહ્યો છે. કેટલાક રાજકીય વ્યક્તિઓ પ્રિયંકા ગાંધી પ્રત્યે પોતાની ભાષાકીય મર્યાદા ચૂક્યા છે. આ વાતને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પાર્ટી દ્વારા કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ ગાંધી પછી ભાજપાને ટક્કર આપી શકે તેવી કોઈ પ્રતિભા નથી. આ સંજોગોમાં પ્રિયંકાની પ્રતિભા દેશવ્યાપી છે. પ્રાદેશિક લઢણની હિન્દી ભાષા ઉપર પ્રભુત્વ હોવાને કારણે હિન્દી વિસ્તારમાં પ્રિયંકા મતદારો સાથે સંવાદ કરી લોકચાહના મેળવી શકે છે. આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા 543 સીટ ઉપર ઉમેદવારો જાહેર કરવામાં આવશે તો પ્રત્યેક વિસ્તારમાં રાહુલ ગાંધીનું પ્રચાર અર્થે પહોંચવું લગભગ અશક્ય બની જશે. આ પરિસ્થિતિમાં પ્રિયંકા ગાંધીની ભૂમિકા મહત્વની પુરવાર થઈ પડશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter