વાત કરીએ ભાજપ માટે સૌથી જોખમી ગણાતી અને સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર ગણાતી અમરેલી બેઠકની. ભાજપે છેલ્લી 2 ટર્મથી સતત ચૂંટાતા નારણ કાછડિયાને ફરી ટિકીટ આપી છે. તો બીજી તરફ કોંગ્રેસે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને મેદાને ઉતારી માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો છે. પરિણામે ગુજરાતભરની તમામ બેઠકો પૈકી સૌથી વધુ હાઇવોલ્ટેજ જંગ અમરેલીમાં જામશે.
આમ તો પાટીદારોનું પ્રબળ પ્રભુત્વ ધરાવતી અમરેલી લોકસભા બેઠક છેલ્લા 3 દાયકાથી ભાજપનો ગઢ રહ્યો છે. પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસરના કારણે કોંગ્રેસે ભાજપના સૂપડા સાફ કરી નાંખતા 2019માં અહીં સૌથી વધુ રસાકસી જોવા મળશે. ભાજપે છેલ્લી 2 ટર્મથી સતત ચૂંટાતા સાંસદ નારણ કાછડિયાને ફરી ટિકીટ આપી છે. તો કોંગ્રેસે અમરેલીના યુવા. લોકપ્રિય અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીને મેદાને ઉતારી ચૂંટણી જંગને હાઇવોલ્ટેજ બનાવ્યો છે.
નારણ કાછડિયા યુવા અવસ્થાથી જ જાહેર જીવનમાં સક્રિય છે. બીજી તરફ પરેશ ધાનાણીએ પણ કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠનના નેતા તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. અમરેલીમાં ભાજપના સંગઠનને મજબૂત બનાવવામાં નારણ કાછડિયાની મુખ્ય ભૂમિકા છે. બીજી તરફ પરેશ ધાનાણીએ પણ ભાજપના પ્રભુત્વ વચ્ચે પણ અમરેલીમાં કોંગ્રેસને બેઠી કરી. નારણ કાછડિયા 1995માં જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા.
તો પરેશ ધાનાણી 2002માં તેમની પ્રથમ ચૂંટણીમાં જ ભાજપના દિગ્ગજ નેતા પુરૂષોત્તમ રૂપાલાને હરાવી જાયન્ટ કિલર સાબિત થયા. નારણ કાછડિયા સાવ છેવાડાના વ્યક્તિ સુધી સંપર્ક જાળવી રાખનારા નેતા છે. તો પરેશ ધાનાણી પણ ખેડૂતોના પ્રશ્નો અને સ્થાનિક સમસ્યાઓને સતત વાચા આપતા આવ્યા છે. છેલ્લી 2 ટર્મની નોંધપાત્ર કામગીરીને કારણે નારણ કાછડિયાને રિપીટ કરાયા છે. બીજી તરફ રાહુલ ગાંધીના નજીક ગણાતા ધાનાણીને ભાજપનો વિજયરથ અટકાવવાની જવાબદારી સોંપાઇ છે.
ભાજપના પ્લસ પોઇન્ટની વાત કરીએ તો અનેક ચડાવઉતાર વચ્ચે પણ અમરેલી બેઠક 3 દાયકાથી ભાજપનો ગઢ રહી છે. બીજી તરફ નારણ કાછડિયાએ ગુજરાતના સૌથી સક્રિય સાંસદ તરીકે લોકસભામાં 92 ટકા હાજરી આપી છે. આ ઉપરાંત તેમને મળતી ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. પોતાના મતવિસ્તારના લોકો સાથે મજબૂત સંપર્ક એ તેમનું જમા પાસું છે. જો ભાજપના માઇનસ પોઇન્ટ જોઇએ તો 2017માં અહીં પાટીદાર આંદોલનની સૌથી વધુ અસર જોવા મળી હતી… ખેડૂતો અને પાટીદારોમાં સરકાર વિરોધી રોષ જોવા મળે છે. તો સિંચાઇ માટે પાણીની અછત, રોજગારી અને પાકવીમાનો પ્રશ્ન ભાજપને નડી શકે છે. તો નારણ કાછડિયા સામે ભ્રષ્ટાચાર અને કૌભાંડના અનેક આક્ષેપો ભાજપ માટે ચિંતાજનક છે.
બીજી તરફ કોંગ્રેસના પ્લસ પોઇન્ટ જોઇએ તો તેમની પાસે પરેશ ધાનાણી રૂપી સૌથી લોકપ્રિય અને કદાવર નેતા છે. પાટીદારો ઉપરાંત સમાજના અન્ય વર્ગોનું પણ પરેશ ધાનાણીને સમર્થન છે. 2017માં કોંગ્રેસે અમરેલી જિલ્લામાં ભાજપના સૂપડાં સાફ કરી નાંખ્યા હતા. ત્યાર બાદ પણ પ્રજામાં શાસનવિરોધી લહેર જોવા મળી રહી છે જેનો સીધો ફાયદો કોંગ્રેસને થઇ શકે છે. જો કોંગ્રેસના માઇનસ પોઇન્ટ જોઇએ તો વિપક્ષના નેતા હોવા છતાં પરેશ ધાનાણી અમરેલીના સ્થાનિક પ્રશ્નો ઉકેલી શક્યા નથી. ઉપરાંત પાણી અને પાક વીમાની મુખ્ય સમસ્યા ન ઉકેલી શકવાને કારણે ખેડૂતોમાં કચવાટ જોવા મળે છે. દરેક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હંફાવતી કોંગ્રેસ અહીં લોકસભામાં થાપ ખાઇ જાય છે. ભાજપનો ગઢ હોવાથી કોંગ્રેસે તેમનો જનાધાર વધારવો એ મોટો પડકાર છે. આમ છતાં 2017ના પ્રદર્શનના આધારે કોંગ્રેસ માટે અમરેલી બેઠક સૌથી સુરક્ષિત ગણાય છે.
READ ALSO
- રાજકોટ / ગટર સફાઈ દરમિયાન ઝેરી ગેસને કારણે મજૂર અને કોન્ટ્રાક્ટરનું મોત
- રાજસ્થાનમાં ડિઝનીલેન્ડમાં મોટી દુર્ઘટના, 30 ફૂટ ઉપરથી પડી રાઈડ, ઘણા લોકો ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો
- જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી આવ્યાં
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’