હાર્દિક માટે અમરેલી લોકસભા જીતવી પડશે અઘરી, 1991થી ભાજપનો છે દબદબો

કોંગ્રેસે પાસ કન્વિનર હાર્દિક પટેલને અમરેલી બેઠકથી લોકસભા ચૂંટણી લડવાની ઓફર કરી છે. ત્યારે યુપીના લખનઉંમાં સંબોધન કરતા હાર્દિકે કહ્યું હતું કે તે લોકસભા ચૂંટણીમાં ઝંપલાશે. જોકે કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. જોકે, તે અમરેલી અથવા મહેસાણામાંથી ચૂંટણી લડશે એ ફાયનલ છે. કારણ કે આ જ 2 બેઠકો છે ત્યાં પાસનું આજે પણ અસ્તિત્વ છે. હાર્દિક જો અમરેલીમાંથી ચૂંટણી લડે તો જીતવાની સંભાવના કેવી છે તે ગણિતો કેવા છે.

હાર્દિક કડવા પાટીદાર સમાજમાંથી આવે છે

અમરેલીમાં લેઉવા પાટીદારોનું પ્રભુત્વ છે. હાર્દિક એ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. અમરેલીમાં લેઉવા પાટીદારોનું પ્રભુત્વ છે. અમરેલીમાં ભલે પાટીદાર અનામતનું પ્રભુત્વ હોય પણ 1991થી કોંગ્રેસ એકવાર પણ આ બેઠક જીતી શકી નથી. અહીં આ બેઠક પર પાટીદાર સિવાય કોળી અને આહિર મતદારો પણ નિર્ણાયક ભૂમિકામાં હોય છે.

કોંગ્રેસનો અહીં હવે દબદબો વધ્યો છે. ગત વિઘાનસભાની ચૂંટણીમાં અમરેલીમાં સ્થિતિ પલટાઈ ગઈ છે. અમરેલીની તમામ બેઠકો હાલમાં ભલે કોંગ્રેસ પાસે હોય પણ હાલમાં સ્થિતિ અલગ છે. હાર્દિક પટેલ માટે અહીં ચૂંટણી જીતવી એ લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે. કોંગ્રેસમાંથી હાર્દિક લોકસભામાં ઉભો રહેશે તુરંત જ ભાજપ લેઉવા પાટીદારને ટીકિટ આપશે. આમ કડવા અને લેઉવાની આ ચૂંટણી બની રહેશે એ નક્કી છે.

  • પાટીદાર, કોળી અને આહિર મતદારોની નિર્ણાયક ભૂમિકા
  • સૌથી વધારે પાટીદાર મતદારો
  • લેઉના અને કડવાની હરિફાઈમાં અમરેલીમાં લેઉવા પટેલોનો દબદબો
  • મોટાભાગે લેઉવા પટેલ ઉમેદવાર જ જીતે છે
  • હાર્દિક પટેલ ઉત્તર ગુજરાતના કડવા પટેલ સમાજમાંથી
  • અમરેલીમાં ભાજપ લેઉવા પટેલ ઉમેદવાર ઉતારે તો હાર્દિક માટે કપરાં ચઢાણ
  • 1984 પહેલાં કોંગ્રેસનો ગઢ હતી
  • કુલ 8 વાર કોંગ્રેસે મેળવી છે જીત
  • 1991થી અમરેલી બેઠક પર ભાજપનો કબજો
  • દિલીપ સંઘાણી સતત 4 વાર જીત્યા ચૂંટણી
  • 2004માં વીરજી ઠુમ્મરે દિલીપ સંઘાણીને પાતળી બહુમતીથી હરાવ્યા હતા.
  • હાલમાં અમરેલી લોકસભા સીટ ભાજપ પાસે
  • છેલ્લી બે ટર્મથી ભાજપના નારણ કાછડિયા સાંસદ
  • સાત વિધાનસભા સીટનો સમાવેશ

વિધાનસભામાં ભાજપને પછાડવા માટે કોંગ્રેસને ભારે મદદ કરી હતી

હાર્દિક પટેલે વિધાનસભામાં ભાજપને પછાડવા માટે કોંગ્રેસને ભારે મદદ કરી હતી. પાસનું આજે મજબૂત અસ્તિત્વ ન હોવા છતાં હાર્દિક પટેલનો પડતો બોલ ઝિલવા માટે પાટીદાર યુવાનો આજે પણ તૈયાર છે. ગુજરાતમાં પાસનું સૌથી વધુ સક્રિય આંદોલન મહેસાણા, સુરત અને અમરેલીમાં ચાલી રહ્યું છે.

આજે ભલે સરકારે આ આંદોલનને દાબી દેવામાં સફળતા મેળવી છે પણ જો સવર્ણોને અનામત મામલે ફરી વિવાદ થયો તો આ 3 જિલ્લામાં ભડકા થવાની પૂરી સંભાવના છે. એટલે જ ભાજપ પણ અમરેલી અને મહેસાણાની સીટ કોંગ્રેસને ફાળે જશે તેવા ગણિતો માંડીને બેઠી છે.

ચૂંટણી લડવાનો નિર્ણય સમાજ સાથેનો દ્રોહ ગણાય

યુપીમાંથી હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવાની વાત કહી છે. ત્યારે હાર્દિક પટેલના આ નિવેદન પર પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યુ હતુ કે, સમાજની માંગો પૂરી થઈ નથી. પાસ આંદોલનમાં મોતને ભેટેલા યુવાનોના પરિવારજનોને ન્યાય મળ્યો નથી. ત્યારે ચૂંટણી લડવાનો નિર્ણય સમાજ સાથેનો દ્રોહ ગણાય. હાર્દિક જો લોકસભામાં જીત્યો તો મોદી માટે સૌથી વધારે પરેશાનીનું કારણ બની શકે છે. હાર્દિકે તૈયારીઓ પણ કરી લીધી હોવાથી હવે એ જોવાનું છે કે તે કઈ બેઠક પરથી ચૂંટણી લડશે. કારણ કે તેને એનસીપીમાંથી પણ ચૂંટણી લડવાની ઓફર કરાઈ છે પણ તેના માટે કોંગ્રેસ એ સૌથી મોટો બેસ્ટ ઓપ્શન છે અથવા તે અપક્ષ તરીકે ચૂંટણી લડે બાદમાં સમર્થન જાહેર કરે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter