રફાલ ડીલ પર ચાલી રહેલા રાજકીય વિવાદ અને આ ડીલમાંથી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને બહાર કરવાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ-પ્રતિઆરોપ કરી રહ્યા છે. ત્યારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ માટે એક સારા સમાચાર આવ્યા. HALને એરફોર્સ માટે હળવા યુદ્ધ વિમાન તેજસની હથિયાર સાથેની આવૃતિ તૈયાર કરવાની મંજૂરી મળી ગઇ છે. ચાલુ વર્ષના અંત સુધીમાં હથિયાર સહિતનું તેજસ વિમાન તૈયાર કરી લેવાશે.
યુદ્ધ ઉપકરણો બનાવનારી ભારતીય સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ માટે રફાલ વિવાદ વચ્ચે એક મોટા સમાચાર આવ્યા. HALને ભારતીય વાયુસેના માટે હળવા યુદ્ધ વિમાન તેજસનું હથિયારોથી સજ્જ આવૃતિ તેજસ એમકે-1 બનાવવાની મંજૂરી મળી ગઇ છે. કંપની મુજબ CIMILCના અંતિમ સંચાલન મંજૂરી કન્ફીગરેશન હેઠળ તેજસ એમકે-1નું ઉત્પાદન કરવા માટે લીલીઝંડી આપી દેવાઇ છે. જો કે અંતિમ સંચાલન મંજૂરી વ્યાપક પરીક્ષણ બાદ જ અપાશે.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના પ્રવક્તા મુજબ અંતિમ સંચાલન મંજૂરી પ્રાપ્ત કરવા માટે વિમાનમાં હવામાં ફરીથી ઇંધણ ભરવાની, AESA રડાર, ઇલેક્ટ્રોનિક વોરફેર સ્વિટ, બોમ્બ અને હથિયારોના જુદા જુદા પ્રકાર સહિત યુદ્ધના સમયે જરૂરી અન્ય ક્ષમતા હોવી જોઇએ. CIMILCએ તેજસની ડિઝાઇન અને વિકસીત કરનારી એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા જમા કરાયેલા ડિઝાઇન દસ્તાવેજોને સ્વિકાર કરી લીધા છે. HAL મુજબ એરફોર્સ 40 એલસીએ વિમાનોનો ઓર્ડર આપ્યો હતો. જેમાંથી 20 એફઓસી કન્ફિગર્ડ હશે. જ્યારે કે બાકીના 20 પ્રાથમીક સંચાલન મંજૂરી કન્ફિગર્ડ હશે.
CIMILC સૈન્ય વિમાનો અને એર ટેકનોલોજીને પ્રમાણીત કરનારી ડીઆરડીઓની એક પ્રયોગશાળા છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે હથિયારોથી સજ્જ પ્રથમ તેજસ વિમાનની સપ્લાઇ ચાલુ વર્ષના અંત સુધીમાં કરી દેવાનું લક્ષ્યાંક રાખ્યું છે.