ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને ભાજપના પદાધિકારીઓ વચ્ચે બેઠક મળી. જેમાં નક્કી કરાયું કે અમિત શાહનો પાર્ટી અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ વધુ એક વર્ષ આગળ ધપાવાશે. અને તેમની અધ્યક્ષતામાં 2019ની ચૂંટણી લડવામાં આવશે. જે બાદ સંગઠનની ચૂંટણી યોજાશે.
ભાજપ 2019ની ચૂંટણી તૈયારીઓ માટે કમર કસી રહ્યું છે. જેના માટે ભાજપે સંગઠન ચૂંટણીને મોકૂફ રાખીને વર્તમાન અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં 2019ની સામાન્ય ચૂંટણી લડવાનો નિર્ણય લઇ શકે છે. અમિત શાહનો ત્રણ વર્ષનો કાર્યકાળ આગામી વર્ષે જાન્યુઆરીમાં સમાપ્ત થઇ રહ્યો છે. સૂત્રો મુજબ સંગઠન ચૂંટણીને લોકસભા ચૂંટણી બાદ કરાવવાના પ્રસ્તાવ પર રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મહોર લાગી શકે છે. 2019ની લોકસભા ચૂંટણી માર્ચ અથવા એપ્રિલમાં થવાની સંભાવના છે. તેવામાં ભાજપ નવી ટીમ સાથે ચૂંટણીમાં ઉતરવા ઇચ્છતું નથી. જેથી ભાજપે વર્તમાન ટીમ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની શરૂઆત પહેલા પદાધિકારીઓ સાથેની બેઠકમાં અમિત શાહે કહ્યું હતું કે આપણે 2019માં સ્પષ્ટ બહુમતની સાથે જીત મેળવીશું. સંકલ્પની શક્તિને કોઇ પરાજીત કરી શકતું નથી. સૂત્રો મુજબ અમિત શાહે બેઠકમાં કહ્યું કે આપણે તે ત્રીસ કરોડ લોકો સુધી પહોંચવાનું છે કે જે મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થી છે. આવા લાભાર્થીઓના ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે. અને તેમના સંપર્ક માટે કોલ સેન્ટર ખોલવામાં આવી રહ્યા છે. પદાધિકારીઓને અમિત શાહે જણાવ્યું કે આપણે 2014 કરતા પ્રચંડ બહુમતી સાથે 2019ની ચૂંટણી જીતવાની છે. આપણી પાસે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી છે. ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ઉપરાંત તેલંગાણા પર પણ વિશેષ ધ્યાન અપાશે.
આ બેઠકમાં પાર્ટીને અજેય બીજેપીનો નારો અપાયો છે. અમિત શાહ સાથેની આ બેઠકમાં ભાજપના તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ સહિત તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખ અને મહામંત્રીઓ સામેલ થયા. કાર્યકારિણીના ઉદ્ધઘાટન સત્રમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરવાનો સંકલ્પ લેવામાં આવ્યો.