અમિત શાહનો ગુજરાત કાર્યક્રમ રદ, જસદણ માટે ભાજપની રાજકોટમાં હતી બેઠક

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સતત દોડાદોડી કરી રહયાં છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં ગીતા મહોત્સવનો કાર્યક્રમ રદ કરી અમિત શાહે પાંચ રાજ્યોની હાર અંગે ભાજપના ટોચના નેતાઓની બેઠક બોલાવી છે. જેમાં પાંચ રાજ્યોના અધ્યક્ષ પણ સામેલ હશે. આજે ગુજરાતમાં રાજકોટના એક કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહેવાના હતા. કાર્યક્રમમાં હાજર રહ્યાં બાદ જસદણ અંગે સૌરાષ્ટ્રના સંગઠન અને સરકારના નેતાઓ વચ્ચે એક બેઠક યોજાવાની હતી. જોકે, અમિત શાહે અતિ વ્યસ્તતા વચ્ચે અા કાર્યક્રમમાં આવવાનું પણ ટાળી દીધું છે. હવે આ કાર્યક્રમમાં રૂપાણી જઈ રહ્યાં છે. અમિત શાહ સતત લોકસભાની તૈયારીમાં લાગી ગયા છે.

પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મ જયંતિની ઉજવણીમાં ભાગ લેવા આવવાના હતા

અમિત શાહ પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મ જયંતિની ઉજવણીમાં ભાગ લેવા રાજકોટની મુલાકાતે આવવાના હતા. શાહની ગેરહાજરી બાદ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સ્વામિનારાયણ નગરની મુલાકાત લેવાના છે. જસદણ માટે અમિત શાહ બેઠક કરી રૂપરેખા આપે તેવી સંભાવના ટળી ગઈ છે. રાફેલ ડીલમાં સુપ્રીમે મોદી સરકારને ક્લિનચીટ અાપ્યા બાદ હાલમાં તેઓ વ્યસ્ત બની ગયા છે.

ભાજપ ઘડશે હવે આ રણનીતિ

ભાજપની ચિંતા આ હાર બાદ વધી ગઈ છે કારણકે હિન્દી બેલ્ટમાં ત્રણ રાજ્યોમાં ભાજપને સત્તા ગુમાવવી પડી છે અને તે પણ લોકસભાની ચૂંટણી સામે છે ત્યારે કુરક્ષેત્રમાં ગીતા મહોત્સવ છ દિવસ ચાલનારો છે. જેમાં આખરી દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ હાજરી આપવાના છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને પાર્ટીના પ્રદેશ પ્રમુખોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 2019ની લોકસભાના ચૂંટણી અભિયાનની રૂપરેખ મામલે પણ અમિત શાહ દ્વારા ચર્ચાવિચારણા બાદ સૂચક માર્ગદર્શન આપવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે આ બેઠકની યોજના ચૂંટણી પરિણામની ઘોષણા પહેલા તૈયાર કરવામાં આવી હતી. બેઠકમાં સંગઠનાત્મક મુદ્દાઓ પર નેતાઓના અભિપ્રાયો મેળવવામાં આવશે. આ બેઠકમાં જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજાનારા ભાજપના રાષ્ટ્રીય અધિવેશનના એજન્ડાને લઈને પણ ચર્ચા થવાની છે.

જમીની સ્તરે ઝડપથી પહોંચાડવા માટે વિશેષ રણનીતિ મામલે પણ મંથન

વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા કેવી રીતે સંગઠન તૈયાર કરવું અને સ્થાનિક મુદ્દાઓ પર ભાજપની કેવી રણનીતિ કેવી હોવી જોઈએ તેના સંદર્ભે મહત્વની ચર્ચા વિચારણા થવાની છે. કેન્દ્ર સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓને જમીની સ્તરે ઝડપથી પહોંચાડવા માટે વિશેષ રણનીતિ મામલે પણ મંથન કરવામાં આવશે. બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોમાં સરકાર અને પાર્ટી વચ્ચે સમન્વયને બહેતર બનાવવા પર પણ ભાર મૂકવામાં આવશે. ભાજપ શાસિત રાજ્યોમાં સરકારી અને રાજકીય પદોની ખાલી જગ્યાઓ પર પાર્ટીના નેતાઓની ઝડપથી નિયુક્તિઓ કરવા મામલે પણ વિચારણા થવાની છે.

ભાજપનો વિજય રથ હવે આ ત્રણેય રાજ્યોમાં આવીને થંભ્યો

ચૂંટણી પહેલા કોંગ્રેસ માત્ર પંજાબ, મિઝોર, કર્ણાટકમાં જેડીએ સાથેની ગઠબંધન સરકાર અને પુડ્ડુચેરીમાં સત્તામાં હતી. પરંતુ હવે આમા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ પણ જોડાયેલા છે. 2013થી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સત્તામાં આવેલા ભાજપનો વિજય રથ હવે આ ત્રણેય રાજ્યોમાં આવીને થંભ્યો છે. ભાજપના હાથમાંથી સતત રાજ્ય લપસતા દેખાઈ રહ્યા છે. ભાજપ હવે માત્ર 16 રાજ્યોમાં સત્તામાં છે. જેમાં ભાજપ અને તેના સાથીપક્ષોની ગઠબંધન સરકારોનો પણ સમાવેશ થાય છે. આવા રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, હરિયાણા, મહારાષ્ટ્ર, ગોવા અને બિહારમાં ગઠબંધન સરકાર, આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયમાં ભાજપ સત્તામાં છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter