GSTV
Home » News » અમિત જેઠવાની હત્યા માટે પૂર્વ સાંસદ દીનુ સોલંકીને જન્મટીપ

અમિત જેઠવાની હત્યા માટે પૂર્વ સાંસદ દીનુ સોલંકીને જન્મટીપ

આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ અમિત અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનુ સોલંકી તેમજ તેના ભત્રીજા અને કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવા સોલંકીને સી.બી.આઇ. કોર્ટના જજ કે.એમ. દવેએ આજીવન કેદની સજા ફરમાવી છે. આ ઉપરાંત અન્ય આરોપીઓ સંજય ચૌહાણ, શાર્પશૂટર શૈલેષ પંડયા, પાચાણ દેસાઇ, ઉદાજી ઠાકોર અને પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેરને પણ કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી છે. દીનુ અને શિવા સોલંકીને રૂપિયા 15-15 લાખનો દંડ પણ કોર્ટે ફટકાર્યો છે. તમામ આરોપીઓને કુલ 59, 25, 000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ અમિત જેઠવાના પરિવારને ચૂકવવાનો આદેશ કરાયો છે.

સી.બી.આઇ. કોર્ટના જજ કે.એમ. દવેએ સાતેય આરોપીઓને દોષિત ઠરાવતો ચુકાદો ગત શનિવારે આપ્યો હતો અને સજા ફરમાવતો ચુકાદો આજ પર નિયત કર્યો હતો. શનિવારે તમામ આરોપીઓને સાબરમતી સેન્ટ્રલ જેલ લઇ જવામાં આવ્યા હતા. દીનુ સોલંકીના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે દીનુ સોલંકી હવે ઉંમરલાયક હોવાથી તેને ઓછી સજા થવી જોઇએ. કેસના 105 સાક્ષીઓ ફરી જતા બાકીના સાક્ષીઓને જુબાની લેવામાં આવી હતી.

આ ઉપરાંત 17 સાક્ષીઓની ફરી જુબાની પણ લેવામાં આવી હતી. ઘટનાસ્થળ અને તપાસ દરમિયાન મળેલા પુરાવાઓના આધારે કોર્ટે સાતેય આરોપીઓને હત્યા, ગુનાઇત ષડયંત્ર, પુરાવાઓ સાથે ચેડા અને ગેરકાયદે રીતે હથિયારો રાખવાના ગુનામાં આજીવન કેદની સજા ફરમાવી છે. ગીર જંગલ અને આસપાસના કુદરતી સંસાધનોની જાળવણી માટે અમિત જેઠવા કામગીરી કરતા હતા. વર્ષ 2010માં અમિત જેઠવાએ ગુજરાત હાઇકોર્ટમાં ગીર અભયારણ્યમાં અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે ખનન થતું હોવાની જાહેર હિતની અરજી કરી હતી. જેમાં ભાજપના નેતા દીનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીને પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા.

ગેરકાયદે ખનનમાં બન્નેની સંડોવણી દર્શાવતા પુરાવાઓ અને દસ્તાવેજો પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન 20મી ઓગસ્ટ, 2010ના રોજ રાત્રે પોણા નવ વાગ્યે અમિત જેઠવા પોતાના વકીલને મળી હાઇકોર્ટ સામેના સત્યમેવ કોમ્પલેક્ષ નજીક 12 બોરના તમંચાથી ગોળીબાર કરી અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી. ઘટનાના બીજા દિવસે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળેથી મળેલા બાઇકની નંબરપ્લેટ ખોટી હોવાનું બહાર આવતા બાઇકના ચેસીસ નંબરના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી.

જેના આધારે ગીર ગઢડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર, શિવા સોલંકી, શાર્પષૂટર શૈલેષ પંડયા, સંજય ચૌહાણ અને ઉદાજી ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી. જો કે ક્રાઇમ બ્રાંચે 16-9-2019ના રોજ દીનુ સોલંકીને આ કેસમાં ક્લીન ચીટ આપી હતી.  ક્રાઇમ બ્રાંચની તપાસ સંતોષકારક ન જણાતા અમિત જેઠવાના પિતા ભીખુભાઇએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં પોલીસ દીનુ સોલંકીને છાવરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

અમિત જેઠવાએ ભૂતકાળમાં કરેલું એક સોગંદનામું પણ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ઉલ્લેખ કરાયો હતો કે જો તેનું મૃત્યુ થાય તો તે માટે દીન સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીને જવાબદાર ગણવા. જેથી હાઇકોર્ટે એડીશનલ આઇ.જી. કક્ષાને અધિકારીને તપાસ સોંપવાનો નિર્ણય કર્યો હતો. જેથી અમદાવાદ ક્રાઇમ બ્રાંચના તત્કાલિન જે.સી.પી. મોહન જ્હા અને સુરેન્દ્રનગરના તત્કાલિન પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ રાઘવેન્દ્ર વત્સની આગેવાનીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ પણ અધૂરી અને સંતોષકારક ન હોવાના આક્ષેપ સાથે ફરી હાઇકોર્ટ સમક્ષ અરજી કરી સી.બી.આઇ.ને કેસ સોંપવાની માગણી કરાઇ હતી. જેથી હાઇકોર્ટે 25-9-2012ના રોજ કેસની તપાસ સી.બી.આઇ.ને સોંપી હતી.

સી.બી.આઇ.એ. આરોપીઓના સી.ડી.આર.(કોલ ડિટેઇલ રેકોર્ડ)ના આધારે તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ સી.બી.આઇ.એ સમન્સ મોકલી 5-11-2013ના રોજ જૂનાગઢના ભાજપના તત્કાલિન સાંસદ દીનુ સોલંકીની આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. પૂછપરછમાં દીનુ સોલંકીએ સંતોષકારક ન હોય તેવા તેમજ વધુ શંકા ઉપજાવે તેવા જવાબો આપતા તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને કોર્ટ સમક્ષ હાજર કરી સી.બી.આઇ.એ રિમાન્ડ મેળવ્યા હતા અને 11-11-2013ના રોજ દીનુ સોલંકીને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવાનો આદેશ આપવામાં આ વ્યો હતો. 25-22014ના રોજ દીનુ સોલંરીને જામીન મળ્યા હતા.

તે સમયે જેલમાંથી બહાર નીકળતી વખતે સાબરમતી જેલના તમામ પાંચ હજાર કેદીઓને દીનુ સોલંકીએ જમાડયા હતા. ત્યારબાદ અમદાવાદથી સોમનાથ હેલિકોપ્ટરમાં જઇ દર્શન કર્યા હતા. જેેને ફરિયાદી પક્ષે રાજકીય પ્રદર્શન ગણાવ્યું હતું. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે હત્યાનું ષડયંત્ર દીનુ સોલંકીના હરમડીયા ગામમાં આવેલા ફાર્મ હાઉસમાં રચવામાં આવ્યું હતું. સી.બી.આઇ. કોર્ટ સમક્ષ ચાલેલી સુનાવણીમાં 195 પૈકી 105 સાક્ષીઓ હોસ્ટાઇલ જાહેર થયા હતા. શરૂઆતમાં આ કેસની સુનાવણી સી.બી.આઇ. જજ દીનેશ પટેલ સમક્ષ હાથ ધરવામા આવી હતી અને ત્યારબાદ જજ કે.એમ. દવે સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી. ઉલ્લેખનીય છે કે કેસની ગંભીરતા જોતા કે.એમ. દવેએ પોલીસ સુરક્ષા માગી હતી અને તેમને સુરક્ષા આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

મજા બની સજા: કાંકરિયા દુર્ઘટનામાં ઘાયલ યુવાનનો પગ કાપવો પડ્યો, મોટાભાગના દર્દીઓને કરોડરજ્જુમાં ઈજા

Bansari

વૃદ્ધ પિતાને પુત્રએ જ મોત ને ઘાટ ઉતારી દીધા, લાશ સ્મશાનમાં દફનાવી અને…

Bansari

શામળાજી મંદિર પરિસરમાં મહિલા ચોર ગેંગ ઝડપાઇ, પોલીસે હાથ ધરી કાનૂની કાર્યવાહી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!