અમેરિકાએ કહ્યું છે કે, રશિયા અને ચીન વચ્ચે વધતી મિત્રતા અમેરિકા અને ભારત બંને માટે સારી નથી. અમેરિકનાં વિદેશ મંત્રીએ રશિયન હથિયારો પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, જો ભારત ઇચ્છે તો તે સંરક્ષણ હથિયારોની સપ્લાય કરી શકે છે.યુક્રેન સંકટને લઈને પશ્ચિમી દેશો દ્વારા વારંવાર અપીલ કરવા છતાં ભારતે રશિયન હુમલાની નિંદા કરી નથી. ભારતના આ વલણ પાછળનું કારણ લશ્કરી શસ્ત્રો માટે રશિયા પર નિર્ભરતા છે. અમેરિકા પણ ભારતની આ મજબૂરીને સમજે છે અને હવે તેઓએ ભારતને એક બમ્પર ઓફર કરી છે.
અમેરિકાએ રશિયાના હથિયારોની ટીકા કરતા કહ્યું છે કે, તેઓ ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ કરવા આતુર છે. વધુમાં અમેરિકાએ કહ્યું છે કે, ભારતે એ વિચારવાની જરૂર છે કે શું શસ્ત્રો માટે રશિયા પર તેની નિર્ભરતા વાજબી છે કારણ કે રશિયાની લગભગ 60 ટકા મિસાઇલો કામ કરવાની સ્થિતિમાં નથી. અને યુદ્ધના મેદાનમાં રશિયન શસ્ત્રોનું પ્રદર્શન કેટલું ખરાબ છે.

અમેરિકાનાં વિદેશ વિભાગના સચિવ વિક્ટોરિયા નુલેન્ડે બુધવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાતો કહી હતી. તેમણે કહ્યું કે, તેઓએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા સાથે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે વાત કરી છે અને અમેરિકા સંરક્ષણ પુરવઠા માટે રશિયા પર નિર્ભરતા સમાપ્ત કરવામાં ભારતને મદદ કરવા તૈયાર છે.
રશિયા-ચીન સંબંધોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ‘યુક્રેન પરના હુમલા વચ્ચે રશિયાએ ચીન પાસે મદદ માંગી છે. તે ચીન પાસેથી પૈસા અને હથિયારોની મદદ માંગી રહ્યો છે. આનાથી રશિયા અને ચીન વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે, જે ન તો આપણા માટે યોગ્ય છે અને ન તો ભારત માટે. રશિયા રાસાયણિક અને જૈવિક શસ્ત્રોના ઉપયોગને લઈને બેજવાબદાર નિવેદનો આપી રહ્યું છે. એવા સમયે જ્યારે ઉગ્રવાદી શક્તિઓ એક થઈ રહી છે, ત્યારે ભારત અને અમેરિકા જેવા લોકશાહી દેશોએ સાથે ઊભા રહેવું જરૂરી છે.’

વિક્ટોરિયા નુલેન્ડે કહ્યું કે, ‘અમેરિકા સમજે છે કે ભારત-રશિયા વચ્ચે ઐતિહાસિક સંબંધ છે, પરંતુ યુક્રેન-રશિયાના મુદ્દે આપણે સાથે ઊભા રહીએ તે મહત્વનું છે.’ વધુમાં તેમણે કહ્યું, ‘અમે આ સંબંધમાં ભારતના વિદેશ પ્રધાન સાથે વાત કરી હતી કે ભારત એ સમયથી સોવિયત સંઘ અને રશિયા પાસેથી સુરક્ષા સહાય લઈ રહ્યું છે જ્યારે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો બહુ મજબૂત નહોતા. હવે સમય બદલાઈ ગયો છે અને અમે ભારત સાથે સંરક્ષણ ક્ષેત્રે વધુ સહયોગની આશા રાખીએ છીએ.’
અમેરિકી વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું, ‘અમે એ હકીકત વિશે પણ વાત કરી હતી કે શું રશિયા ખરેખર ભારત માટે વિશ્વસનીય સંરક્ષણ સપ્લાયર છે? શું તમે આવા દેશ પાસેથી સંરક્ષણ શસ્ત્રો ખરીદવા માંગો છો? યુદ્ધના મેદાનમાં રશિયન શસ્ત્રો કેટલું ખરાબ પ્રદર્શન કરી રહ્યા છે તે જુઓ. તેમની લગભગ 60 ટકા સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો પણ કાર્યરત નથી. આટલી વહેલી તકે સંઘર્ષમાં રશિયાને શસ્ત્રોનું મોટું નુકસાન થયું છે.’

ભારતે યુક્રેનને મોકલેલી સહાય વિશે વાત કરતા અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું, ‘મને લાગે છે કે, ‘અમે ભારત તરફથી યુક્રેન માટે ખૂબ જ ઉદાર માનવતાવાદી સમર્થન જોયું છે. આ યુદ્ધને રોકવાની બાબતમાં ભારતે પોતાનો અવાજ ઉઠાવ્યો છે… પછી તે માનવતાવાદી કોરિડોર બનાવવાની વાત હોય કે મુત્સદ્દીગીરી દ્વારા આ મુદ્દાને ઉકેલવાનો આગ્રહ હોય. અમે ઈચ્છીએ છીએ કે અમારા બધા મિત્રો રશિયન આક્રમણની ટીકા કરે.’
READ ALSO
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ