GSTV
News World

અમેરિકાએ મધ્ય-પૂર્વમાં પલિતો ચાંપ્યો : અમેરિકાના પરંપરાગત દુશ્મનનો શાબ્દિક હુમલો

ઈરાનના નેતા જનરલ કાસિમ સોલેમાનીની હત્યા પછી જગતભરમાં સોંપો પડી ગયો છે. ઈરાને તો સ્વાભાવિક રીતે ટીકા કરી છે, પરંતુ અન્ય દેશો પણ ઈરાનના પક્ષે આવ્યા છે. તો વળી ઈઝરાયેલ જેવા દેશોએ અમેરિકાના પગલાંને સમર્થન આપ્યું છે. આ હુમલા પછી રશિયાએ કહ્યું હતું કે મધ્યપૂર્વના શાંત વાતાવરણમાં આગ લગાવાનું કામ કર્યું છે. રશિયાના વિદેશ મંત્રીએ બયાન આપતા કહ્યું હતું કે અમેરિકાનું પગલું તો આકરૂં છે, પરંતુ હવે તેનું પરિણામ આવે એ ખરૂં. અમેરિકાએ આ હુમલા દ્વારા મર્યાદાની રેખા ઓળંગી દીધી છે.

ફ્રાન્સના નેતાઓએ કહ્યું હતું કે જગત રાત્રે સુતું ત્યારે શાંત હતું પરંતુ સવારે ઉઠયા ત્યાં ખબર પડી કે ખતરનાક ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યા છીએ. ઈરાનના કટ્ટર દુશ્મન ઈરાકે પણ આ મુદ્દે તો અમેરિકાના પગલાંને અયોગ્ય ગણાવ્યું હતું. જ્યારે ચીને બન્ને પક્ષોને શાંતિ માટે અપીલ કરી હતી. અમેરિકાને સમર્થન આપતા બ્રિટને કંઈ સ્પષ્ટ કહેવાને બદલે હવે શાંતિ જાળવો એવું બયાન આપ્યું હતું. જર્મનીએ પણ કંઈ ખોખારીને કહેવાને બદલે બન્ને પક્ષોને ટાઢા પડવા કહ્યું છે. ઈરાનના વિદેશ મંત્રી જાવેદ ઝારિફે ટ્વીટ કરીને કહ્યું હતું કે અમેરિકાનું આ કૃત્ય આંતરરાષ્ટ્રીય આતંકવાદ છે. હવે જે થશે એ માટે અમેરિકા જવાબદાર રહેશે.

ભારતે કહ્યું હતું કે હવે આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે એ માત્ર મિડલ-ઈસ્ટ નહીં સમગ્ર જગત માટે જરૂરી છે. સિરિયાએ કહ્યું હતુ કે અમેરિકાએ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ઈરાન-અમેરિકાની લડાઈમાં મધ્ય-પૂર્વના દેશ ઈઝરાયેલનો ખો ન નીકળે એ માટે એ દેશે અત્યારથી જ સાવધાની વર્તી છે. હુમલા વખતે ઈઝરાયેલી વડા પ્રધાન નિતેન્યાહુ ગ્રીસના પ્રવાસે હતા. એ પ્રવાસ ટૂંકાવીને તેઓ તુરંત વતન પરત ફર્યા છે. એ પછી તેમણે પોતાના લશ્કરી જનરલો સાથે મિટિંગ કરીને ઈઝરાયેલના સંરક્ષણ માટે રણનીતી ઘડી હતી. અમેરિકા-ઈરાન વચ્ચે સંઘર્ષ વધે તો ઈઝરાયેલ પર પણ હુમલો થઈ શકે. કેમ કે બધા જ આરબ રાષ્ટ્રો ઈઝરાયેલના દુશ્મન છે, બીજી તરફ ઈઝરાયેલ અમેરિકાનું સમર્થક છે.

ઈઝરાયેલે અગાઉ એવી પણ શંકા વ્યક્ત કરી હતી કે ઈઝરાયેલ પર વારંવાર હુમલો કરનારા સંગઠનો હિઝબુલ્લાહ અને શિયા લડવૈયાઓને સુલેમાનીએ જ તાલીમ આપી હતી. એટલે ઈઝરાયેલ માટે સુલેમાની પહેલેથી શંકાસ્પદ હતા જ. સુલેમાની પણ તક મળે ત્યારે પોતાના ભાષણમાં ઈઝરાયેલને આડે હાથ લેવાનું ચૂકતા ન હતા. રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડર કાસીમ સુલેમાનીનું ઈરાનમાં કદ કેટલું મોટું હતું તે એ બાબત પરથી સમજી શકાય છે કે આ વર્ષના પ્રારંભમાં સુલેમાનીએ પાકિસ્તાનને ધમકાવ્યું હતું. તેમણે પાકિસ્તાનને સવાલ કર્યો હતો કે તમે પરમાણુ બોમ્બ રાખો છો અને દેશમાંથી આતંકી જૂથોનો સફાયો નથી કરી શકતા? અમે પાકિસ્તાનને હંમેશા મદદ કરીએ છીએ, પરંતુ ત્યાંની સરકારને મારો સવાલ છે. તમે કઈ દિશામાં જઈ રહ્યા છો? તમારા બધા જ પડોશી દેશોની સરહદો પર તણાવ અને અશાંતિનું વાતાવરણ છે.

શું કોઈ એવો પડોશી દેશ બાકી છે, જેને તમે અસલામતીનો અનુભવ કરાવવા માગતા હોવ? તમારી પાસે તો એટમ બોમ્બ છે. છતાં તમે દેશમાંથી સક્રિય આતંકી સંગઠનોને ખતમ નથી કરી શકતા? પાકિસ્તાની સૈન્યે આમ ખર્વો ડોલર બરબાદ કરવા જોઈએ નહીં અને તેણે આતંકી સંગઠનોને ફંડિંગ કરવાનું બંધ કરવું જોઈએ.

READ ALSO

Related posts

અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો 

Rajat Sultan

ઉત્તરકાશી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલ કામદારોની શું છે સ્થિતિ, જાણો AIIMS દ્વારા શું કહેવામાં આવ્યું

Rajat Sultan

‘પશ્ચિમ બંગાળમાં દીદીનો સમય પૂરો, 2026માં ભાજપની સરકાર બનશેઃ’ અમિત શાહે મમતા બેનર્જીને લીધા આડેહાથ

HARSHAD PATEL
GSTV