GSTV
Ahmedabad Trending ગુજરાત

સત્તાનો શોખ/ ભાજપ-કોંગ્રેસમાં પુત્ર અને પત્નીના નામે ટિકિટ માંગનારાઓની લાઈનો : જાણો કોને માગી?

ભાજપ

અમદાવાદ શહેરના ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો માટે ૨૧ ફેબુ્આરીના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે. આ અગાઉ ભાજપ અને કોંગ્રેસના જે રાજકારણીઓ પરીવારવાદને ગાંધી પરીવાર પોશી રહ્યો હોવાની દુહાઈઓ જાહેરમાં આપતા રહ્યા છે. એવા બંને રાજકીય પક્ષના ટિકીટવાંચ્છુઓ જો તેમનો પક્ષ તેમને ટિકીટ ના આપે તો તેમના પુત્ર કે પત્નીને પણ ટિકીટ આપવી જ પડશે એ પ્રકારની ગર્ભીત ચીમકી પણ પક્ષની નેતાગીરીને આપી હાવી બન્યા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

ભાજપ અને કોંગ્રેસમાં આ પ્રકારેની માંગણી કરનારા એક ડઝનથી પણ વધુ મુરતીયાઓના નામ છડેચોક ચર્ચામાં આવ્યા છે. સંનિષ્ઠ બંને પક્ષોના કાર્યકરો આ માંગણી અંગે ટૂંકમાં વ્યાખ્યા કરતા કહે છે, દરેકને એમના ઘરની રાજકારણની દુકાન ચાલુ રાખવી છે. જાહેરમાં ગાંધી પરીવારને પરીવારવાદના નામે અપમાનિત કરવાનો. ખાનગીમાં પક્ષના નેતાઓની જીહજુરી કરી ટિકીટ આપવા દબાણ કરવાનું આ છે સાંપ્રત રાજકારણ. એક કાર્યકરે કહ્યુ, જે કારણ વગર નડે એને જ રાજકારણ કહેવાય.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી લડવા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ નેતાગીરી ઉપર એડીચોટીની જોર લગાવી દેવામાં કાંઈ બાકી રાખ્યુ નથી.ભાજપ હોય કે કોંગ્રેસ કોઈ એમના પુત્ર માટે કોઈ એમની પુત્રી માટે તો કોઈએ પત્ની કે જમાઈ માટે પણ ટિકીટ માંગી હોવાનું પક્ષના અંતરંગ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

ભાજપ એક કેડરબેઝ પક્ષ હોવાની મોટી વાતો કરનારા પક્ષની હાલત જો ટિકીટ આપવામાં સહેજ કાચુ કપાશે તો કોંગ્રેસ જેવી થશે. એમ ભાજપની શિર્ષ નેતાગીરી પણ રજુઆતો અને ઉમેદવારીને લઈ કરવામાં આવી રહેલા દબાણો બાદ માનતી થઈ છે.ભાજપ દ્વારા ત્રીજી ફેબુ્આરીએ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવશે એમ પક્ષના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. બીજી તરફ કોંગ્રેસની હાલત તો ભાજપ કરતા પણ કફોડી છે. કોંગ્રેસમાં તો વોર્ડ કક્ષાએ પણ સંગઠનના ઠેકાણા હજુ પડી શકયા નથી.

તામ્રધ્વજ સાહૂ ગુજરાતના પ્રવાસે પહોંચ્યા

છત્તીસગઢના ગૃહમંત્રી અને ગુજરાત કોંગ્રેસના નિરીક્ષકની જેમને જવાબદારી સોંપવામાં આવી છે એવા તામ્રધ્વજ સાહૂ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે.કોંગ્રેસ વર્તુળોમાંથી મળતી વિગતો અનુસાર,તેઓ અમદાવાદ સહીત અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં લઈ ઉમેદવારોની પસંદગી અંગે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો મેળવી કોંગ્રેસ અધ્યક્ષને તેમનો રીપોર્ટ આપશે.

ભાજપ

વર્ષે ૨૫ લાખ બજેટ મળે છે, ગાડીને બીજી સગવડ પણ શું કરવા નસીબ ન અજમાવીએ?

છેલ્લા પંદર વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાથી વંચિત રહેલા કોંગ્રેસ પક્ષમાં તો ટિકીટોને લઈ કાળો કકળાટ શરુ થઈ ગયો છે. હદ તો ત્યાં થાય છે કે, સિત્તેર કે એંશીની ઉંમરે પહોંચેલા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ-૨૦૦૫ની સામાન્ય ચૂંટણીમાં કારમો પરાજય મેળવી ઘર ભેગા થયેલા મુરતીયાઓએ પણ તેમને ટિકીટ મળે એ માટે ગોડફાધરોનું શરણુ લીધુ છે.

કોંગ્રેસના આવા એક વરિષ્ઠ ટિકીટ વાંચ્છુ ઉમેદવારને પુછવામાં આવ્યું કે, હવે ઉંમર થઈ ઘરે માળા લઈને બેસો. તો સામે જવાબ મળ્યો કે, શું કરવા? અરે દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેટર દીઠ ૨૫ લાખનું બજેટ આપે છે વોર્ડના વિકાસકામો માટે. ઉપરથી સત્તા આવે તો ગાડીમાં ફરવા મળે. મોબાઈલ, લેપટોપ મળે આ બધુ નહીં જોવાનું?

ભાજપ

બંને પક્ષમાંથી કોણે-કોના માટે ટિકીટ માંગી?

૨૧ ફેબુ્આરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાવા જઈ રહ્યુ છે.આ અગાઉ ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષોના ઉમેદવારો પૈકી જે લોકોએ પોતાના પુત્ર,પુત્રી કે અન્ય સંબંધી માટે ટિકીટ પક્ષ પાસે માંગી છે એની એક આછેરી ઝલક આ પ્રમાણે છે.

નામ           પક્ષ   ભલામણ કોના માટે કરી
અમિત શાહ    ભાજપ  પોતાને નહીં પુત્ર સનીને
ભૂષણ ભટ્ટ     ભાજપ   પોતાને નહીં પુત્ર જયવલને
સુરેન્દ્રબક્ષી     કોંગ્રેસ   પુત્ર નિરવ બક્ષી માટે
લિયાકત ઘોરી કોંગ્રેસ    પુત્રી કે જમાઈ માટે
તૌફીક પઠાણ  કોંગ્રેસ     પુત્ર ઝુલ્ફીકાર માટે
નિતીન પટેલ  કોંગ્રેસ   ભાઈ કમલેશ પટેલ
કાંતિ લકુમ  ભાજપ   કાવીઠા બેઠક પત્ની

પૂર્વ કોર્પોરેટરો પણ ટિકીટના મેદાનમાં

ભાજપના પૂર્વ કોર્પોરેટર અને હવે પૂર્વ ધારાસભ્ય એવા ભૂષણ ભટ્ટ ઉપરાંત જીતુ વાઘેલાએ ફરી કોર્પોરેટર બનવા પક્ષ પાસે ટિકીટ માંગી છે. આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર મંગળ સુરજકર, રફીક શેખ, શરીફ દુધવાલા અને હવે હુ ચૂંટણી નહીં લડુ એમ કહેનારા અને પૂર્વ કોર્પોરેટરો પ્રદેશ કોંગ્રેસ કચેરીએ નિયમિત હાજરી પુરાવા લાગ્યા છે. મળતી માહીતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય રહી ચૂકેલા એવા ઈલ્યાશ કુરેશી, નાગજી દેસાઈ અને ગણપત પરમારે પણ ઉમેદવારી કરવા પક્ષ પાસે દાવેદારી રજુ કરી છે.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV