અન્ડરગ્રાઉન્ડ થઈ ગયેલ અલ્પેશ કથિરીયા મિત્રના લગ્નમાં પહોંચ્યો અને પોલીસે કરી ધરપકડ

સુરતના પાસ નેતા અલ્પેશ કથિરીયાની વેલનજા ગામેથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. છેલ્લા કેટલાક દિવસથી પોલીસ ધરપકડથી બચવા નાસતા ફરતો અલ્પેશ વેલનજા ગામે પહોંચ્યો હતો. જોકે સુરત ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે. સુરત સેશન્સ કોર્ટે રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથિરીયાના જામીન રદ કર્યા હતા. અને ધરપકડનો આદેશ કર્યો હતો. ત્યારે ધરપકડથી બચવા માટે નાસતો ફરતો અલ્પેશ આખરે ઝડપાયો છે. અલ્પેશ કથિરીયા વેલનજા ગામે મિત્ર આશિષ વઘાસિયાના લગ્નમાં આવ્યો હતો. જોકે, ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો હતો.

રાજદ્રોહ કેસમાં નાસતા ફરતા પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાની પોલીસે ધરપકડ કરી છે. રાજદ્રોહના કેસમાં જામીન રદ થયા બાદથી પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. અને પોલીસ પર પરિવારને હેરાન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસના MLA લલિત વસોયા અને કિરીટ પટેલે અલ્પેશ કથીરિયાના ઘરની મુલાકાત પણ લીધી હતી. તેમણે અલ્પેશના પરિવારજનો સાથે વાતચીત કરી પોલીસની હેરાનગતિ અંગે પૂછપરછ કરી હતી. રાજદ્રોહ કેસમાં રાજ્યની પોલીસ અલ્પેશ કથિરીયાને શોધી રહી હતી જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.

અલ્પેશ કથિરીયા સામેના રાજદ્રોહ કેસમાં તેની જામીન રદ થઇ હતી. જે બાદ તે ફરાર હતા. અલ્પેશ કથિરીયાની ધરપકડ માટે સુરત પોલીસે ગતિવિધિ તેજ બનાવી હતી. અલ્પેશની શોધખોળ માટે પોલીસ દ્વારા તેના વતન અને ઘર તેમજ ગામના સરપંચ સહિત સબંધીઓના ત્યાં તપાસ શરૂ કરી હતી. સબંધીઓના પણ નિવેદનો પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે.

અલ્પેશ કથિરીયાના મોટા ગોખરવાળા ગામે સુરત ક્રાઈમ બ્રાન્ચ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. તો બીજી તરફ અલ્પેશે સોશિયલ મીડિયા મારફતે પ્રતિક્રીયા આપી હતી. જેમાં તેણે પોલીસ ખોટી રીતે સંબંધીઓને હેરાન કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. અલ્પેશ કથિરીયાને શોધતી પોલીસે તેના ગામના સરપંચના નિવેદન લીધા હતા. આ ઉપરાંત મામા- મામી, બહેન સહિત સબંધીઓના ત્યાં સર્ચ કરવામાં આવ્યું હોવાની વાત પણ અલ્પેશે કરી હતી. અલ્પેશે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે શા માટે આ રીતે કુટુંબ સામે બદલાની રાજનીતિ રમાઇ રહી છે.

અલ્પેશે કહ્યું હતું કે રાજદ્રોહ કેસમાં ખોટી રીતે જામીન રદ કરાવી અને ખોટી રીતે ધરપકડ કરવા જે પ્રયાસ કરી સંબંધીઓને હેરાન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેને હું સખ્ત શબ્દોના વખોડું છું. સાથે અલ્પેશે કહ્યુ કે હું બે હાથ જોડીને વિન્નતી કરું છું કે કુટુંબની રાજનીતિ અને બદલાની રાજનીતિ નહીં રમે. નહીંતર આવનાર સમયમાં ઉગ્ર પરિણામ ભોગવવા ભારતીય જનતા પાર્ટી તૈયાર રહે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter