GSTV

દેશના ઇતિહાસની પ્રથમ ઘટના / આ રાજ્યમાં વિપક્ષ વગર ચાલશે સરકાર, તમામ પક્ષો પ્રજાના કામ માટે આવ્યા એક સાથે

Last Updated on September 19, 2021 by Zainul Ansari

આપણા દેશમાં રાજનીતિનું સ્તર અધઃપતન તરફ સતત જઇ રહ્યું છે અને તમામ રાજકીય પક્ષો સંસદ કે વિધાનસભામાં પ્રજાના પ્રશ્નો ચર્ચવાને બદલે એકબીજા પર કાદવઉછાળ, કૌભાંડ, ધારાસભ્યોની ખરીદી-વેચાણ વગેરેમાં જ રચ્યાપચ્યા રહેતા હોવાથી નૈતિક મૂલ્યોનું તો અસ્તિત્વ જ નથી રહ્યું. આવા સંજોગોમાં ભારતમાં સ્વચ્છ રાજકારણનું કિરણ ખરા અર્થમાં પૂર્વ દિશામાંથી ઉગ્યું છે. વાત છે નાગાલેન્ડની કે જ્યાં તમામ રાજકીય પક્ષોએ સરકાર ચલાવવા માટે હાથ મિલાવ્યો છે. સત્તા અને વિપક્ષ સાથે મળીને કામ કરશે. એટલે કે વિપક્ષ જ નહીં રહે. નાગાલેન્ડ દેશનું પહેલું એવું રાજ્ય બન્યું છે કે જ્યાં વિપક્ષ વગર જ સરકાર ચાલશે.

સૂરજનું સોનેરી કિરણ સૌપ્રથમ જ્યાં પડે છે તે પૂર્વોત્તર રાજ્યોમાં સ્વચ્છ રાજનીતિનું એવું સોનેરી અને આશાસ્પદ કિરણ ઉગ્યું છે. કે જો દેશના તમામ રાજ્યો અને રાજકીય પક્ષો આ સોનેરી કિરણનો અજવાસ પોતાનામાં ઉતારે તો ભારત ખરા અર્થમાં ફરી સોને કી ચિડિયા બની જાય તેમ છે. વાત છે પૂર્વોત્તરના રાજ્ય નાગાલેન્ડની કે જ્યાંની સરકારે લીધેલા એક નિર્ણયે આઝાદ ભારતનો આખો ઇતિહાસ બદલી નાંખ્યો છે.

ગૃહમાં સત્તા પક્ષ અને વિપક્ષનું ઘમાસાણ એ સામાન્ય વાત છે. પરંતુ નાગાલેન્ડમાં હવે તમામ રાજકીય પાર્ટીઓએ એક સાથે મળીને સરકાર ચલાવવાનો નિર્ણય કર્યો છે. નાગાલેન્ડ વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરનારા તમામ રાજકીય દળોએ કોહિમા ખાતે એક સર્વદળીય સરકારની રચનાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. તેની સાથે જ સત્તા પક્ષ અને તમામ વિપક્ષી દળોએ હાથ મિલાવી લીધો છે. સત્તા પક્ષ અને વિરોધ પક્ષે સાથે મળીને અભૂતપૂર્વ અને ઐતિહાસિક કહી શકાય તેવો નિર્ણય કર્યો છે. અને આ નિર્ણયને કારણે નાગાલેન્ડમાં વિપક્ષનું અસ્તિત્વ જ નહી રહે. બીજા શબ્દોમાં કહીએ તો નાગાલેન્ડમાં તમામ રાજકીય પક્ષો સાથે મળીને કામ કરશે. એટલે પક્ષ કે વિપક્ષ જેવું કંઇ નહીં રહે. નાગાલેન્ડ ભારતનું એવું પહેલું રાજ્ય બન્યું છે કે જ્યાં વિપક્ષ વગર જ સરકાર ચાલશે.

નાગાલેન્ડમાં વિપક્ષ રહિતની નવી સરકાર માટે સંયુક્ત લોકતાંત્રિક ગઠબંધન યુનાઇટેડ ડેમોક્રેટિક એલાયન્સ નામકરણ થયું છે. જેમાં એનડીપીપી, બીજેપી, એનપીએફ અને અપક્ષ ધારાસભ્યોના પાર્ટી નેતાઓ અને ધારાસભ્યોએ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે. ગૃહે સંકલ્પ લીધો કે નવી સરકાર સંયુક્ત લોકતાંત્રિક ગઠબંધન તરીકે ઓળખાશે. આ ગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટી પણ સામેલ છે.

નાગાલેન્ડના મુખ્યપ્રધાન નેફિયૂ રિયોની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વિપક્ષ રહિત સરકાર અપનાવવા માટેનો પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યો. પહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી કે નવી સરકારને નાગાલેન્ડ સંયુક્ત સરકાર કહેવામાં આવશે. પરંતુ ત્યાર બાદ તમામ નેતાઓ સંયુક્ત લોકતાંત્રિક ગઠબંધન નામ રાખવા સહમત થયા અને હવે તમામ રાજકીય પક્ષોના નેતાઓ પક્ષાપક્ષીને એક બાજુ રાખી નાગાલેન્ડના વિકાસ માટે ખરા અર્થમાં સાથે મળીને કામ કરશે.

Read Also

Related posts

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

શું ભારતની રસી ઇમરજન્સીના ઉપયોગ માટે મંજૂર કરવામાં આવશે? WHO આગામી 24 કલાકમાં લેશે મહત્વનો નિર્ણય

Vishvesh Dave

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!