GSTV

Video / ભારતે પ્રથમવાર વિમાનવાહક જહાજ INS Vikrant તૈયાર કર્યું, કોચીના સમુદ્ર કાંઠે ચાર દિવસના પરીક્ષણનો પ્રારંભ : ચીન-પાકિસ્તાનને ભારે પડશે

Last Updated on August 4, 2021 by Karan

ભારતે આજે સ્વદેશી વિમાનવાહક જહાજ ( Aircraft Carrier)  આઈએનએસ વિક્રાંત (Vikrant)ની સી ટ્રાયલ એટલે કે સમુદ્રી પરીક્ષણનો આરંભ કર્યો છે. ભારતના ઈતિહાસમાં આ ક્ષણ અનેક રીતે ઐતિહાસિક છે. દુનિયાના બહુ ઓછા દેશો પોતાના વિમાનવાહક જહાજો બનાવી શકે છે. ભારતનો તેમાં સમાવેશ થયો છે. ભારતીય નૌકાદળ માટે ભારતમાં નાના-મોટા યુદ્ધજહાજો બને છે, પરંતુ વિમાનવાહક જહાજ બનાવવું એ મોટી સિદ્ધિ છે.

ભારતે એ સિદ્ધિ હાંસલ કરી છે. કોચીના નૌકા ડોકયાર્ડમા ઘણા વર્ષોથી આઈએનએસ વિક્રાંતનું સર્જન થતું હતું. હવે એ જહાજ પૂર્ણતાના આરે છે. ફાઈનલ થાય એ પહેલા તેના સમુદ્રમાં વિવિધ ટેસ્ટ લેવાય છે. એ ટેસ્ટ સી ટ્રાયલ તરીકે ઓળખાય છે. આજે સવારે કોચીના બંદરમાંથી રવાના થયેલું વિક્રાંત ચાર દિવસ સુધી સમુદ્રમાં રહેશે.

ભારતના સૌથી પહેલા વિમાનવાહક જહાજનું નામ આઈએનએસ વિક્રાંત હતું. એ 1997માં નિવૃત થયું હતું. એ વિક્રાંતે 1971ના યુદ્ધમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. માટે તેના સન્માનમાં ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજને વિક્રાંત નામ અપાયું છે. ૧૯૬૧માં ભારતીય નૌકાદળમાં શામેલ થયેલા યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રાંતે ૧૯૯૭ સુધી રાષ્ટ્ર સુરક્ષાની સેવા કરી હતી. નિવૃત્તિ પછી વિક્રાંતને તરતું સંગ્રહાલય બનાવાનો વિચાર વારંવાર રજુ થતો રહ્યો પરંતુ કોઈ સરકારે એ માટેની પ્રતિબદ્ધતા દાખવી નહીં.

છેવટે એ જહાજ 60 કરોડ જેવી નજીવી રકમમાં સરકારે ભંગારમાં આપી દીધું હતું. મુંબઈના કાંઠે જ એ તૂટ્યું હતું. વિક્રાંતે સૌથી મહત્ત્વપૂર્ણ રોલ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે નિભાવ્યો હતો. બંગાળના અખાતમાં રહીને વિક્રાંતે બાંગ્લાદેશમાં ભારતનો પ્રહાર પહોંચાડવાનું મહત્ત્વનું કામ કર્યુ હતું. પાકિસ્તાની સબમરીન ગાઝીને વિક્રાંતે જ સમુદ્ર તળિયે પહોંચાડી પાકિસ્તાની નૌકાદળને મોટો ફટકો માર્યો હતો.

Vikrantની સી ટ્રાયલ એટલે શું?

દરેક દેશના નૌકા જહાજો, સબમરિનો વગેરે કાર્યરત થાય એ પહેલા સમુદ્રમાં તેનું પરીક્ષણ થતું હોય છે. આ પરીક્ષણ સી ટ્રાયલ તરીકે ઓળખાય છે. આ ટ્રાયલના સામાન્ય રીતે 3 તબક્કા હોય છે.

  1. ડોક ટ્રાયલ- તેમાં જહાજનું ડોક એટલે કે બંદરમાં જ પરીક્ષણ થાય. મોટે ભાગે તેમાં ફીટ થયેલી મશીનરીનું તેમાં ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે.
  2. બિલ્ડર્સ ટ્રાયલ – આ ટ્રાયલ સમુદ્રમાં લેવામાં આવે છે. બાંધકામ કરનાર બિલ્ડર વિવિધ રીતે જહાજની તપાસ કરે છે.
  3. એક્સેપ્ટેડ ટ્રાયલ – આ પરીક્ષણ ખુલ્લાં સમુદ્રમાં થાય છે અને તેમાં જહાજની મૂવમેન્ટ, સ્પીડ વગેરે પરીક્ષણો થાય છે.

નવું વિક્રાંત 40 હજાર ટન વજનનું છે. આવું કદાવર કે પછી નૌકાદળનું નાનું જહાજ પણ બંદરમાંથી સીધું ચાલુ થઈને નીકળી શકે નહીં. તેનું એન્જીન અત્યંત શક્તિશાળી હોવાથી અથડામણ થવાનો ભય રહે છે. એ સંજોગોમાં ટગ નૌકા દ્વારા આવા જહાજોને બહાર કાઢવામાં આવતા હોય છે. વિક્રાંતને પણ ટગ નૌકાઓએ ખેંચીને ખુલ્લા સમુદ્ર સુધી પહોંચાડ્યું હતું. વિવિધ પરીક્ષણો પુરા થયા પછી આગામી વર્ષે જહાજ નૌકાદળમાં પૂર્ણપણે કાર્યરત થશે.

Vikrant

Vikrant ની બાંધકામની ફેક્ટ ફાઈલ

  • વિક્રાંતના સર્જનમાં 23 હજાર ટન સ્ટીલનો વપરાશ થયો છે.
  • 2500 કિલોમીટર લાંબુ ઈલેક્ટ્રિક વાયરિંગ થયું છે.
  • 150 કિલોમીટર લાંબા પાઈપ વપરાયા છે.
  • 2000 વાલ્વ ફીટ થયેલા છે.
  • ભારતના વિવિધ 50થી વધારે મેન્યુફેક્ચરો પ્રોજેક્ટમાં જોડાયેલા છે.
  • જહાજના બાંધકામમાં 2000ને ડાયરેક્ટ અને 40 હજારને ઈન-ડાયરેક્ટ રોજગારી મળી છે.

23 હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલા જહાજ પર મિગ-29, મલ્ટીરોલર હેલિકોપ્ટર સહિતના આયુધો તેના તૂતક-ડેક પર રહી શકશે. અત્યારે ભારત પાસે એક જ વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રમાદિત્ય છે. આ જહાજ રશિયા પાસેથી લીધું છે અને 2013થી કાર્યરત છે. ભારતીય નૌકાદળ પાસે સાડા પોણા સાત કરોડ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા હિન્દ મહાસાગરના સંરક્ષણની મોટી જવાબદારી છે. ઉત્તરમાં ભારત, પૂર્વમાં આફ્રિકા, પશ્ચિમે ઑસ્ટ્રેલિયા અને દક્ષિણે છેક એન્ટાર્કટિકા સુધીના ‘ઈન્ડિયન ઑશન રિજન (આઈઓઆર)’માં કોઈ સૌથી મોટું અને પ્રભાવશાળી નૌકાદળ હોય તો ભારતનું છે.

કુલ મળીને ૩૬ દેશો છે, જેમને હિન્દ મહાસાગર લાગુ પડે છે. આ બધા દેશોના બંદરો પર રોજ રોજ માલવાહક જહાજો આવતાં-જતાં રહે છે. જગતનો ૯૫ ટકા વેપાર સમુદ્ર માર્ગે થાય છે. એ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ માટે ભારતે ઓછામાં ઓછા બે વિમાનવાહક જહાજો રાખવા જોઈએ. માટે સુરક્ષા નિષ્ણાતો વર્ષોથી તેની ડિમાન્ડ કરી રહ્યા છે. હજુ તો ત્રીજા વિમાનવાહક જહાજનો પણ પ્રસ્તાવ નૌકાદળે સરકાર સમક્ષ રજૂ કર્યો છે.

ચીનની વધતી આક્રમકતા જોતા ભારતે તમામ મોરચે તૈયારી કરવી પડે એમ છે. ચીન પાસે બે વિમાનવાહક જહાજો છે અને બીજા બે બની રહ્યા છે. બ્રિટને પણ તાજેતરમાં બીજા વિશ્વયુદ્ધ પછી પોતાનું પ્રથમ વિમાનવાહક જહાજ કાર્યરત કરી દીધું છે. અમેરિકા પાસે આખા જગતમાં સૌથી વધારે 11 વિમાનવાહક જહાજો છે. દરેક જહાજ 1 લાખ ટન કરતા વધારે વજનનું છે અને તેની સપાટી પર 80-90 ફાઈટર વિમાનો રાખી શકાય છે.

વિમાનવાહક જહાજોનું સૌથી વધારે મહત્વ બીજા વિશ્વયુદ્ધ વખતે હતું. ઈનફેક્ટ બીજું વિશ્વયુદ્ધ એરક્રાફ્ટ કરિયર અને કદાવર યુદ્ધજહાજોના આધારે જ લડાયુ હતુ. 1971ના યુદ્ધની અડધી સદી ચાલી રહી છે અને આઝાદીના 75 વર્ષ થવા જઈ રહ્યા છે. એ વખતે જ આ જહાજ તૈયાર થતાં ભારતીય સંરક્ષણ માટે બેવડો આનંદનો પ્રસંગ સર્જાયો છે.

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!