અક્ષય કુમાર અને રજનીકાંતની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 2.0નું ટીઝર આખરે રિલિઝ કરી દેવામાં આવ્યું છે. દર્શકોની આતુરતાનો અંત લાવતાં મેકર્સે આજે 2.0નું ટીઝર રિલિઝ કરી દીધું છે. અક્ષય કુમારે તાજેતરમાં જ ફિલ્મનુ પોસ્ટર પણ રિલિઝ કર્યું હતું. જેના કારણે દર્શકોની ઉત્સુકતા વધી છે.
દોઢ મનિટના આ ટીઝરમાં જોઇ શકાય છે કે આકાશમાં પક્ષીઓનું ઝુંડ મંડરાવા લાગે છે અને અચાનક બધાના મોબાઇલ ગાયબ થઇ જાય છે. ત્યારે રજનીકાંત,એમી જેક્સન અને અન્ય ટીમ કહે છે કે આ મુશ્કેલી સામે લડવા માટે સુપર પાવરની જરૂર છે અને ચિટ્ટી એટલે રકે રોબોટને ફરીથી બનાવવામાં આવે છે.
આ ટીઝર 3ડી ફોર્મેટમાં છે. ટીઝરમાં અક્ષય કુમારનો લુક ખૂબ જ ભયાનક છે. જે દર્શકોને રોમાંચિત કરી શકે છે. ટીઝર રિલિઝ થયાની ગણતરીની મિનિટમાં જ વાયરલ થઇ ગયું છે અને અત્યાર સુધીમાં તેને 2 લાખથી વધુ લોકો જોઇ ચુક્યાં છે. આ ફિલ્મ રજનીકાંતની રોબોટની સિક્વલ છે.
આ વખતે ફિલ્મમાં અક્ષય અને રજનીકાંત ઉપરાંત એમી જેક્સન પણ જોવા મળશે. આ ફિલ્મની ખાસિયત તેનું વીએફએક્સ છે. અક્ષય કુમારે એક ટ્વિટ દ્વારા જણાવ્યું કે ફિલ્મ માટે 3000થી વધુ ટેક્નિશિયન્સે કામ કર્યુ છે.
ટીઝર પરથી જ ખ્યાલ આવે છે કે આ ફિલ્મને હૉલીવુડ સ્ટાઇલથી બનાવવામાં આવી છે. ટીઝર જોઇને લાગી રહ્યું છે કે આ ફિલ્મ વર્ષની સૌથી મોટી ઓપનર બની શકે છે. અનેક એક્સપર્ટસનું માનવું છે કે જો ફિલ્મને માઉથ પબ્લિસીટી મળશે તો પહેલાં જ દિવસે ફિલ્મ 100 કરોડની કમાણી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં અક્ષય કુમાર વિલનના રોલમાં છે. ફિલ્મ માટે અક્ષય પહેલી પસંદ ન હતો. આ રોલ આમિર ખાનને ઑફર કરવામાં આવ્યો હતો. પરંતુ આમિરે આ રોલ કરવાથી ઇનકાર કરી દીધો હતો જે પછી આ રોલ અક્ષય કુમારને ઑફર કરવામાં આવ્યો હતો. ફિલ્મનું બજેટ 550 કરોડ છે તેવું કહેવામાં આવી રહ્યું છે. જે બાહુબલીથી 200 કરોડ રૂપિયા વધુ છે.
ફિલ્મનું બજેટ એટલા માટે વધુ કારણ કે આ ફિલ્મ માટે અક્ષય કુમારે 45 કરોડ રૂપિયા ફી લીધી છે. સ્ટંટ સીનના શુટિંગ માટે અનેક ઇન્ટરનેશનલ એક્શન ડાયરેક્ટર અને એક્સપર્ટને હાયર કરવામાં આવ્યાં છે. ફિલ્મના ક્લાઇમેક્સ પર આશરે 20 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં છે.
અક્ષય કુમારના મેકઅપ પાછળ 3 કલાકની મહેનત લાગતી હતી અને મેકઅપ ઉતારવા પાછળ 1 કલાકનો સમય લાગતો હતો. તેમાં આશરે 4 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં છે.
મેકર્સ દ્વારા ટ્વીટર પર જાહેરાત કરવામાં આવી છે કે ફિલ્મ માટે 75 મિલિયન ડૉલર એટલે કે 550 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ જાહેરાત ફિલ્મના લીડ સ્ટાર અક્ષય કુમારે પોતાના ઓફિશ્યલી પેજ પરથી કરી હતી. ફિલ્મમાં વપરાયેલી VFX ટેક્નોલોજી ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી ખર્ચાળ ટેક્નોલોજી છે.