મુંબઈના ધરાશાયી થયેલા બ્રિજ સાથે અજમલ કસાબનું છે કનેક્શન

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસને જોડતો રાહદારી બ્રીજ આજે સાંજે તૂટી પડતા છ જણ મોતને ભેટયા હતા. જ્યારે ૩૬ જણ જખમી થયા હતા. મૃતકમાં હોસ્પિટલની મહિલા કર્મચારીનો સમાવેશ હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનામાં મૃતકની સંખ્યા વધી શકે છે. બીજી તરફ આ બનાવ માટે જવાબદાર સંબંધિત વ્યક્તિ સામે કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી છે. આ જોખમી પુલનું તત્કાળ તોડકામ શરૃ કરવામાં આવ્યું હતું.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે સાંજે પ્રવાસીઓનો ભારે ઘસારો હોય છે. અહીં આવેલા ફૂટઓવર બ્રિજ (હિમાલયા બ્રિજ) પરથી અનેક લોકો પસાર થતા હોય છે. આજે સાંજે ૭.૩૫ વાગ્યે આ બ્રીજનો અમૂક હિસ્સો તૂટી પડયો હતો. જેને લીધે કાટમાળ નીચે દબાઈ જતા અપૂર્વા પ્રભુ (ઉ.વ.૩૨), અંજના તાંબે (ઉ.વ.૪૮), ઝાહિદ ખાન (ઉ.વ.૩૨) સહિત પાંચ જણના મોત નિપજ્યા હતા. જ્યારે અનેક જણ જખમી થયા હતા. એમ મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું હતું. આ ઘટનામાં ટેક્સી અને અન્ય વાહનને નુકસાન થયુ હતું. બીજી તરફ બનાવની માહિતી મળતા અગ્નિશામક દળના જવાનો, પોલીસ અહીં પહોંચી ગયા હતા. તેમણે બ્રિજનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

શિવાજી મહારાજ ટર્મિનસ અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની ઈમારત પાસેના રસ્તાને જોડતા આ બ્રિજનો અમૂક હિસ્સો તૂટી ગયા બાદ વાહન વ્યવહાર ખોરવાય ગયો હતો. અહીં હાજર લોકોની મદદથી કાટમાળમાંથી ઈજાગ્રસ્તને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન પિંપરી ચિંચવડના સુંદુબરેથી એનડીઆરએફની ટીમ રાહત કામગિરી માટે મુંબઈ આવી રહી હતી.

આ બ્રિજ તૂટી પડતા પ્રવાસી અને અન્ય લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી હતી. તેમણે મામલાની ઝીણવટભરી તપાસ અને ઘટના માટે જવાબદાર દોષી સામે કડક કાર્યવાહીની માગણી કરી હતી. આ સિવાય જુદા જુદા રાજકીય પક્ષના નેતાઓ ઘટનાસ્થળે આવ્યા હતા. તેમણે બ્રિજ તૂટવા બાબતે એકબીજા પર આક્ષેપો કર્યા હતા. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘટના સ્થળની મુલાકાત લઈ મૃતકો પ્રત્યે દુ:ખ અને ઝખ્મીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના પરિવારને પાંચ લાખની અને જખ્મીઓને ૫૦ હજાર રૃપિયાની સહાયની જાહેરાત કરી હતી.

એલફિન્સ્ટન પુલ દુર્ઘટનાએ ૨૩ જણનો ભોગ લીધો હતો

મુંબઈના સીએસટીને જોડતા પુલની આજે દુર્ઘટના વખતે લોકોને ૨૯મી સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ પશ્ચિમ રેલવેના એલફિન્સ્ટન સ્ટેશનના બ્રિજ પર ભારે ધક્કામુક્કીને કારણે ૨૩ જણનો ભોગ લેનારી જે દારૃણ દુર્ઘટનાની યાદ આવી ગઈ હતી. એલફિન્સ્ટન રોડ સ્ટેશનના બ્રિજ ઉપર સવારના ઘસારાના સમયે દુર્ઘટના સર્જાઈ હતી. વરસાદ પડતો હોવાથી ઘણા લોકો સાંકડા બ્રિજ પર ઊભા રહી ગયા હતા. એ દરમિયાન બે-ત્રણ ટ્રેન આવતા તેના પેસેન્જરોનો પણ ભરાવો થયો હતો.

આમાં બૂમાબૂમ અને ધક્કામુક્કી થતા જોત જોતામાં ૨૩ જણ ચગદાઈ ગયા હતા અને લગભગ ૪૦ જણ ઘાયલ થયા હતા. આ દુર્ઘટનાને પગલે રેલવે તંત્ર સફાળુ જાગ્યું હતું અને તત્કાલિક આર્મીએ એક બીજો પુલ બાંધ્યો હતો. ત્યાર પછી બંધાયેલા પરેલ ટર્મિનસના બ્રિજ પણ પહોળા બનાવવામાં આવ્યા છે જેથી અકસ્માત નિવારી શકાય.

શું છે કસાબનું કનેક્શન ?

26 નવેમ્બર 2008માં આ બ્રિજ પરથી આતંકી સીએસટી ટર્મિનસના પેસેન્જર હોલમાં દાખલ થયા હતા અને ત્યાં અંધાધૂન ફાયરિંગ કર્યું હતું. આ સિવાય તેમણે ભીડ પર ગ્રેનેડ પણ ફેંક્યા હતા. જેમાંનો એક આતંકી એટલે અજમલ કસાબ. આ ઘટનામાં 58 લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે 104 અન્ય લોકોને ઈજા પહોંચી હતી. અજમલ કસાબે ગઈકાલે મુંબઈમાં ધરાશાયી થયેલા બ્રિજનો ઉપયોગ કર્યો હતો ત્યારે મુંબઈના ફોટોગ્રાફર સેબેસ્ટિયન ડિસૂઝાએ તેની ફોટો ખેંચી હતી. જે કસાબને સજા દેવામાં પુરાવા રૂપે મદદરૂપ થઈ હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter