GSTV

કેરળમાં લેન્ડિંગ સમયે જ એર ઇન્ડિયાનું વિમાન ધડાકાભેર તૂટી પડ્યું, બે પાયલટ સહિત 17ના મોત

વિમાન

દુબઇથી 184 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બરને લઇને ભારત આવેલા એર ઇન્ડિયાના એક વિમાન સાથે રનવે પર લેન્ડિંગ સમયે જ ભયાનક દુર્ઘટના ઘટી હતી, કેરળના કોઝિકોડના કાલીકટ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે જ આ વિમાન ક્રેશ થઇ ગયું હતું.જેને પગલે બન્ને પાઇલટ અને ક્રૂ મેમ્બર સહિત 17 લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. લેન્ડિંગ સમયે જ વિમાને કાબુ ગુમાવી દીધો હતો અને રનવેને પાર કરીને ખાડીમાં 30 ફુટ નીચે જતુ રહ્યું હતું. વિમાનના બે ટુકડા થઇ ગયા હતા.

ઘટના રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ બની હતી. કેરળમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે જેને પગલે એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી થઇ ગઇ હતી, રિપોર્ટ અનુસાર જ્યારે વિમાને લેન્ડિંગ કર્યું ત્યારે વિઝિબિલિટી અતી ઓછી હતી.વરસાદ અને ઓછી વિઝિબિલિટી ઉપરાંત એરપોર્ટનો રનવે પણ જોખમી હોવાને કારણે વિમાન લેન્ડિંગ સમયે લસરી ગયું હતું જેથી કન્ટ્રોલ સંપૂર્ણપણે ગુમાવી દેતા રનવે પરથી ઉતરીને 30 ફુટ નીચે જતુ રહ્યું હતું. આ દરમિયાન જ વિમાનના બે ટુકડા થઇ ગયા હતા.

ઘટના ઘટી ત્યારે વિમાનમાં જે મુસાફરો સવાર હતા જેમાં 128 પુરૂષો, 46 મહિલાઓ અને 10 બાળકોનો પણ સમાવેશ થાય છે. કોઝિકોડનું આ એરપોર્ટ ભૌગોલિક રીતે ટેબલ ટોપ માનવામાં આવે છે જ્યાં વિમાનને ઉતારવા માટેનો જે રનવે હોય તેની આસપાસ ખાડી હોય છે.

આ પ્રકારના એરપોર્ટના રવને પર વિમાન ઉતારવા જોખમી પણ માનવામાં આવે છે. એવામાં કેરળમાં શુક્રવારે ભારે વરસાદ પડયો હતો અને રનવે પર પણ પાણી હતા. વિઝિબિલિટી પણ ઘટી ગઇ હતી. જેને પગલે વિમાનને ઉતારવામાં આવી રહ્યું હતું ત્યારે પાયલટના કન્ટ્રોલમાં નહોતુ રહ્યું અને દુર્ઘટના ઘટી હતી.

ડીજીસીએના જણાવ્યા અનુસાર એર ઇન્ડિયાનું આ વિમાન બોઇંગ 737 હતું અને વંદે ભારત મિશન અંતર્ગત મુસાફરોને દુબઇથી ભારત લાવી રહ્યું હતું. એર ઇન્ડિયા એક્સપ્રેસે આ ઘટના બાદ ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ ઘટના અમારા નેટવર્કને પ્રભાવિત કરી શકે છે પણ વંદે ભારત મિશન ચાલુ જ રહેશે તેને કોઇ અસર નહીં થવા દઇએ.

ઘટના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્ય પ્રધાન વિજયન સાથે ફોન પર વાતચીત કરી હતી સાથે જ ટ્વિટર પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. ઘટનાના થોડા સમય બાદ સંયુક્ત અરબ અમીરાતના શારજાહ અને દુબઇમાં હેલ્પ સેંટર શરૂ કરી દેવાયા છે અને લોકોને મદદ માટે હેલ્પલાઇન નંબર અપાઇ રહ્યા છે કે જેથી તેમના પરિવારજનો વિમાનમા ંસવાર હોય તો તેની માહિતી મેળવી શકે.

આ ઘટના એટલી ભયાનક હતી કે વિમાનનો આગળનો ભાગ અને પાછળનો ભાગ ટુકડા થઇ ગયા બાદ અલગ પડી દુર સુધી ઢસડાયા હતા. બે પાયલટ અને બે ક્રૂ મેમ્બરના ઘટના સૃથળે જ મોત નિપજ્યા હતા. એનડીઆરએફ, પોલીસ, ડોક્ટરો સાથેની એમ્બ્યૂલન્સ સહિતની ટીમ સૃથળ પર દોડી ગઇ હતી. ચારેય તરફ અફરા તફરીનો માહોલ હતો અને ઘાયલોને નજીકના હોસ્પિટલમાં લઇ જવાયા હતા, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

2010માં મેંગાલુરૂના ટેબલ ટોપ રનવે પર વિમાન ક્રેશ થતાં 158 માર્યા ગયાં હતાં

માત્ર કેરળ જ નહીં મેંગાલુરૂમાં પણ આ જ પ્રકારના ટેબલ ટોપ રનવે ધરાવતું એરપોર્ટ આવેલું છે. કોઝિકોડની આ ઘટનાએ 2010ની મેંગાલુરૂની ઘટનાની યાદ તાજી કરી હતી. 2010માં પણ એર ઇન્ડિયા એક્સપ્રેસનું જ એક વિમાન 812 બોઇંગ 737-800 પણ રનવે પરથી કાબુ ગુમાવી બેઠુ હતું, જેને પગલે 158 લોકો માર્યા ગયા હતા. મોટા ભાગના પેસેંજર આગમાં ભડથુ થઇ ગયા હતા અને માત્ર આઠ લોકો જ બચી શક્યા હતા. આ એરપોર્ટ એક પહાડ પર આવેલું છે અને તેને પણ ટેબલ ટોપ રનવે તરીકે ઓળખવામાં આવે છે. યોગાનું યોગ તે સમયે પણ વિમાનના બે ટુકડા થઇ ગયા હતા. આ બન્ને એવા એરપોર્ટ છે કે જેના રનવે પર વિમાન ઉતારવા અને ટેકઓફ માટે વિશેષ તાલીમની જરૂર પડતી હોય છે.

‘ટેબલ ટોપ’ રનવે જોવામાં સુંદર પણ ભારે જોખમી હોય છે

વિમાને લેન્ડિંગ કર્યું તે કોઝિકોડના એરપોર્ટનો રનવે ટેબલ ટોપ કેટેગરીમાં આવે છે. આ પ્રકારના રનવે મોટા ભાગે બહાડી વિસ્તારોમાં જોવા મળે છે. અને રનવેની આસપાસ ઘાટી હોય છે. જોવામાં આ પ્રકારના રનવે સુંદર લાગે છે પણ એટલા જ ખતરનાક હોય છે, કેમ કે આ પ્રકારના રનવે સામાન્ય રનવે કરતા અલગ હોવાથી લેન્ડિંગ સમયે ભારે જોખમ રહે છે. જ્યારે ટેક ઓફ અને લેન્ડિંગ થાય છે ત્યારે વિશેષ પ્રકારની સાવધાની રાખવી પડે છે. જોકે સવાલ એ થાય છે કે હાલ ભારતના મોટા ભાગના એરપોર્ટ બંધ હાલતમાં છે કેમ કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ છે. આવી સ્થિતિમાં આવા જોખમભર્યા એરપોર્ટને કેમ વિમાનને ઉતારવા માટે પસંદ કરવામાં આવ્યું તેને લઇને પણ સવાલો ઉઠી રહ્યા છે.

Read Also

Related posts

30 સાંસદો કોરોનાની ઝપેટમાં : ચોમાસું સત્ર વહેલું પૂરું થઈ શકે છે, સંસદમાં પ્રવેશવા માટે એન્ટિજન ટેસ્ટ રોજ ફરજિયાત

Dilip Patel

સરકારે પહેલીવાર કહ્યું આ તારીખે ભારતને મળશે કોરોના વેક્સીન, રશિયા સાથે ચાલી રહી છે ચર્ચા

pratik shah

વોટ્સએપ યુનિવર્સિટીની કરામત/ આ સરકારી વિભાગમાં નિકળી છે 70 હજાર ભરતી, જાણો આ વાયરલ મેસેજની સચ્ચાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!