આજકાલ મોબાઇલ પર સેલ્ફી અને બાઇક સ્ટંટ કરવાનું યુવાવર્ગમાં જબરુ આકર્ષણ છે, ત્યારે સ્ટંટ કરતા યુવકો માટે એક ચેતવણીરૂપ ઘટના બની છે. જેમાં અમદાવાદના સુભાષબ્રિજ પાસે આવેલા રિવરફ્રન્ટ પર પૂરપાટ બાઇક ચલાવી સ્ટંટ કરવા જતા યુવકે જીવ ગુમાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, માધુપુરામાં રહેતો લક્ષમણ પરમાર નામનો યુવક સુભાષબ્રિજ પાસે આવેલા રિવરફ્રન્ટ પર પૂરપાટે બાઈક ચલાવી સ્ટંટ કરતો હતો. આ દરમિયાન તેણએ બાઈક પરથી કાબૂ ગુમાવતા તે સ્ટ્રીટ લાઈટ સાથે ધડાકાભેર અથડાતા તેનું મોત નિપજ્યું હતું. તો બીજીતરફ યુવક સ્ટ્રીટ લાઈટ સાથે અથડાતા અન્ય લોકો મદદ માટે દોડી આવ્યાં હતાં.
જો કે, બાઈક ચાલકના સ્ટંટ સહિત સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઇ હતી. આ મામલે રિવરફ્રન્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના બનતાની સાથે પોલીસની પેટ્રોલિંગવાન આવી પહોંચી હતી.