GSTV
GSTV લેખમાળા

Travel Diary-6 / આગળ પોલીસ ચેકિંગ ચાલતું હતું : સ્થાનિક લોકોનું થાય પણ બહારની પ્રવાસી ગાડીઓનું ખાસ ચેકિંગ થતું નથી

(Travel ભાગ-6)
દિવસ- પાંચમો
તારીખ- ૩૧ મે ૨૦૧૯
આજનો પ્રવાસ- શ્રીનગર સાઈટ સીન- લાલ ચોક, માર્કેટ, દલ લેક, ચશ્મેશાહી ગાર્ડન, પરી મહેલ, નિશાત ગાર્ડન, શાલિમાર ગાર્ડન થઈને ગંદેરબલ, કંગન, નારાનાગ પ્રાચીન શિવ મંદિર ત્યાંથી કંગન થઈને સોનમર્ગ
આજનું કાપેલ અંતર- ૧૩૦ કિમી
રાત્રિ રોકાણ- સોનમર્ગ

શ્રીનગરમાં પોલીસ ચેકિંગ, નાગરિકો, માર્કેટ, મંદિર..

સવારે દાદાને બોટ હાઉસના ભાડાના પૈસા આપ્યા અને જમવાના ૩ રોટલી અને બાફેલા શાકના ૨૦૦ રૂપિયા હિસાબમાં ગણ્યા. ત્યારે મેં જણાવ્યું કે, “ખાને કે ઇતને સારે પૈસે?”
તો એમણે કહ્યું કે, “યહાં પર ખાના મહેંગા હોતા હૈ!!”
મેં તો પૈસા આપી દીધા, પણ જતા જતા વિચાર્યું કે રાતે તો મેં પણ જાતજાતના અથાણાં આપ્યા, એની પણ કોઈ શરમ ન ભરી? આપણે દિલથી આપ્યું, પણ એમણે આવું કર્યું?
પછી મેં મનોમન વિચાર્યું, “કદાચ એમને મારા કરતા વધારે જરૂરત હશે.” એ ગુરુમંત્ર યાદ કરીને હું વહેલી સવારે સાડા આઠ વાગ્યે શ્રીનગરનું માર્કેટ, લાલ ચોક ફરવા નીકળી પડ્યો.
બાઈક પર સામાન ગોઠવીને શ્રીનગરના મુખ્ય રસ્તાઓ પર ફરીને તેનાં ભૂગોળને સમજવાની કોશિશ કરી. હું કોઈ પણ શહેર ફરું તો પહેલાં શહેરના કિનારે કિનારે ફરીને પછી છેક છેલ્લે મધ્યમાં અને મુખ્ય સ્થાનો પર ફરવાનું શરૂ કરું. જેથી કંઈ છૂટી ન જાય અને શહેરના વિકાસની સાચી સ્થિતિ પણ સમજાય.

થોડેક આગળ ગયો ત્યાં લાલ મંડીમાં આવેલ પુરાતત્વ વિભાગનું મ્યુઝિયમ બહારથી જોયું. હજુ ખુલ્યું નહોતું. મુખ્ય દરવાજા પરના હોર્ડિંગનો મોબાઈલથી ફોટો પાડીને આગળ વધ્યો. ત્યારબાદ મોબાઈલના કેમેરાને વિડીયો મોડ પર મૂકીને સમગ્ર શહેરનું શુટિંગ કરવાનો વિચાર કર્યો અને અમલમાં પણ મુક્યો. ખિસ્સામાં મોબાઈલ કેમેરો ચાલુ કરીને બાઈક હંકારવા લાગ્યો. સવારનો ટ્રાફિક થોડો ઘણો હતો. સવાર હોવાથી મોટાભાગની દુકાનો બંધ હતી. ઘણી જગ્યાએ પેરા મિલિટરી અને પોલીસ સાથે હતી.

દલ સરોવર અને શિકારા નામે ઓળખાતી હોડી

આગળ ચાર રસ્તા પર પોલીસ ચેકિંગ ચાલતું હતું. અહીં શ્રીનગરમાં સ્થાનિક લોકોની શંકાસ્પદ ગાડીઓનું ચેકિંગ થાય પણ બહારની પ્રવાસી ગાડીઓનું ખાસ ચેકિંગ થતું નથી, એટલે સ્થાનિક લોકો નારાજ હોય છે. જયારે સામાન્ય રીતે કોઈ પણ શહેરમાં બહારની ગાડીનો પાસીંગ નંબર જોઈને ચેકિંગ થાય. અહીં પણ મિલિટરીનો જવાન મજબૂત અને પોલીસ તો આપણી સ્થાનિક હોય એવી ભારે શરીરવાળી જ દેખાઈ. અહીં સામાન્ય પોલીસ પાસે પણ મશીનગન હોય છે. કારણ કે ક્યારે આતંકવાદી હુમલો થાય એ નક્કી ન હોય, માટે હંમેશા તૈયાર રહેવું પડતું હોય છે.

દલ લેક

ત્યાંથી આગળ જતા દલ લેક આવ્યું, ચારેય બાજુ ઊંચા ઊંચા પહાડોની વચ્ચે વિશાળ દલ લેક (દલ સરોવર) આવેલ છે, આ સરોવર વિશ્વનાં સુંદર સરોવરમાંથી એક ગણાતું હતું, પણ હવે તે તેની સુંદરતા ગુમાવી ચુક્યું છે. અગાઉ તેનો વિસ્તાર ૨૫ ચોરસ કિમી હતો જે અત્યારે માત્ર ૧૨ ચોરસ કિમી રહ્યો છે. અહીં જાત જાતના આકારવાળી બોટ હાઉસ જોઈ. પછી ખબર પડી કે હું ગઈકાલે જ્યાં રોકાયો હતો, એ દલ લેક નહિ પણ જેલમ નદી હતી, મને મૂર્ખ બનાવ્યાનો અહેસાસ થયો. એટલે નવા પ્રવાસીઓએ એકલા ક્યાંય પણ મોટા શહેરમાં ફરવાનું હોય ત્યારે ગૂગલ મેપમાંથી મુખ્ય સ્થળો અને શહેરની અંદર આવેલ પ્રવાસન સ્થળોના અંતર અગાઉથી જ કાગળમાં લખી જ રાખવા. જેથી છેલ્લી ઘડીએ હેરાન ન થવું પડે, આપણે બહારગામ હોઈએ ત્યારે ઘણીવાર ઇન્ટરનેટ ધીમું ચાલે અથવા સર્ચ કરવાની સમય-શક્તિ જ બચી ન  હોય.

સરોવરમાંથી દેખાતો કિલ્લો

દલ લેક સવારમાં સુમસામ હતું, મને બોટિંગ કરવા માટે એક બુઝુર્ગે કહ્યું, પણ સમય નહોતો. થોડીવારમાં મુઘલ ગાર્ડનનું સાઈન બોર્ડ દેખાયું. ત્યાં એક યુવાન ચાલતો જતો હતો. એને રસ્તો પૂછતા એ રસ્તો બતાવવા લાગ્યો. ત્યાં પાસે એક પેરા મિલિટરીનો જવાન હતો. એ અમારી પાસે આવીને વાત સાંભળવા લાગ્યો. કેટલું કડક ચેકિંગ!!

શ્રીનગરનું વાતાવરણ બારેમાસ ઠંડુ હોય છે. ઉનાળામાં પણ જાણે શહેરમાં એર કંડીશનર લગાવ્યું હોય એવું લાગે. ચારેય બાજુ પહાડો, પહાડોની વચ્ચે વિશાળ દલ લેક, સામે પ્રાચીન કિલ્લો, મુઘલ સમયના બગીચાઓ. શ્રીનગરમાં દલ લેકના કિનારે પાણીમાં લાંગરેલી બોટ હાઉસમાં રહેવાનો પણ એક લ્હાવો છે, જો કે વાતાવરણ પરિવર્તન (ગ્લોબલ વોર્મિંગ)ના લીધે હવે બોટ હાઉસમાં પણ પંખા લાગી ગયા છે. શિકારા બોટમાં બોટિંગ કરવું અને ચારેય બાજુ દૂર દૂર આવેલા પહાડોનો નજારો નયનરમ્ય છે. અહીંના સ્થાનિકોની મોટાભાગની આવક પ્રવાસન ઉપર નભતી હોય છે. પણ આતંકવાદી હુમલાઓના લીધે પ્રવાસીઓ ઓછા થઇ ગયા છે. ઈ.સ. ૨૦૧૬ની નોટબંધી પહેલાં લાખ – બે લાખ રૂપિયા આંગડીયામાં મોકલી એડવાન્સ બુકિંગ કરાવીને મજા કરવા આવનારો ગુજરાતી વર્ગ હવે સાવ ઓછો થઈ ગયો છે, એવું અહીંના હોટલ માલિકે જ કહેલું. ટૂંકમાં, બે નંબરના પૈસા ફરતા ઘણાં ઘટી ગયા છે.

દલ લેકનું ચક્કર લગાવ્યા પછી બગીચાઓ જોવાનું નક્કી કર્યું. મુઘલ બગીચાઓમાં ચશ્મેશાહી ગાર્ડન, પરી મહેલ, નિશાત ગાર્ડન, શાલીમાર ગાર્ડન વગેરે છે. મુઘલકાલીન આ બગીચાઓ જમ્મુ- કાશ્મીર સરકારના ફ્લોરીકલ્ચર વિભાગ હેઠળ આવે છે.

ચશ્મેશાહી ગાર્ડન

સૌ પહેલાં ચશ્મેશાહી ગાર્ડનમાં ગયો. અહીં બગીચાની બહાર સ્થાનિક લોકો ક્રિકેટ રમતા હતા. ટિકિટ લીધી. અહીંના દરેક બગીચામાં પુખ્ત વયના વ્યક્તિની ટિકિટ ૨૪ રૂપિયા, જે ૧૮% જીએસટી સાથે હતી અને બાળકોની ૧૨ રૂપિયા ટિકિટ જીએસટી સાથે હતી. સીડીઓ ચડીને બગીચામાં પ્રવેશ કર્યો. આ બગીચો શ્રીનગરનો પહેલો મુઘલ બગીચો માનવામાં આવે છે. જે શહેરની સૌથી ઉંચી જગ્યાએ સ્થિત છે અને અહીં એક કુદરતી ઝરણું પણ છે. મૂળ અહીંના તમામ બગીચાઓમાં પહાડ પરથી પીગળતા બરફનું પાણી સતત વહ્યા કરે છે, જેથી પાણીની તંગી ન હોવાથી તેમજ વાતાવરણમાં ઠંડક હોવાથી રંગબેરંગી ગુલાબ તેમજ અન્ય ફૂલો પુરબહારમાં ખીલે છે. વધારાનું પાણી નીચે દલ લેકમાં પહોંચે છે. આ બગીચામાં પહાડ ઉપરથી પાણી આવે છે તે જગ્યાએ મુઘલ સમયની પ્રાચીન ઈમારત છે. અહીં એક ફુવારો છે, વિવિધ રંગના ફૂલો છે. અહીંથી પરંપરાગત વેશભૂષા ભાડે મેળવીને ફોટોગ્રાફી કરાવી શકાય છે.

ચશ્મેશાહી ગાર્ડન

આ ચશ્મેશાહીનું પાણી આરોગ્યપ્રદ ગુણોના લીધે મુઘલ બાદશાહો રોજબરોજના પીવાના પાણી માટે આ ચશ્મેશાહીના પાણીનો ઉપયોગ કરવા લાગ્યા હતા, શ્રીનગરથી આગ્રા સુધી દરરોજ પાણી મોકલાતું રહે એવી વ્યવસ્થા મુઘલ બાદશાહોએ કરી હતી. આ પાણી પાચક અને અત્યંત ભૂખ ઉઘાડનારું છે. વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ માટે પણ આ ચશ્મેશાહીનું પાણી મોકલાતું હતું. અહીં પાસે જ રાજભવન, મિનિસ્ટર બંગલો અને મુખ્ય સરકારી અધિકારીઓના બંગલા આવેલ છે, ત્યાં પાઈપલાઈન દ્વારા આ ચશ્મેશાહીનું પાણી પહોંચાડાય છે. જેના લીધે અહીં બગીચામાં પાણીની પાતળી ધારા જ વહી રહી છે. અત્યારે જ્યાંથી પાણી વહે છે, ત્યાં પાણીની આસપાસ રેલીંગ લગાવી દીધી છે અને અંદર જઈને પાણી પીવાની તેમજ હાથ-પગ ધોવાની મનાઈ છે.

પરી મહલ

આ રસ્તે ૨ કિમી આગળ જતા પરી મહલ આવે છે. જે ઊંચા પર્વત ઉપર આવેલ ચારેય બાજુ હરિયાળીથી ઘેરાયેલો સાત માળનો એક ટેરેસ ગાર્ડન છે. પ્રાચીન સમયમાં અહીં એક બૌદ્ધ મઠ હતો, પછીથી આ ઈમારતને ૧૭મી સદીના મધ્યમાં શાહજહાંના મોટાભાઈ દારા શિકોહએ સુફીઝમનો પ્રચાર કરવા માટે રહેઠાણ સાથેની સ્કૂલ બનાવેલી.

પરી મહેલ

બગીચામાં પ્રવેશ ત્રીજા માળના કમાન આકારના દરવાજેથી આપવામાં આવે છે. અહીં સુંદર ફૂલો છે, પહાડ પરથી પાણી આવે છે, ઉપર બગીચામાં જ હમામ અને પાણીની ટાંકીઓ આવેલી છે. અંદર સીડીઓ દ્વારા બગીચામાં ઉપર-નીચે જઈ શકાય છે. આ એક સ્ટેપ ગાર્ડન છે. અહીંની પ્રાચીન ઈમારત જોવા જેવી છે. બગીચો પહાડ પર આવેલો હોવાથી ઈમારતના ઝરૂખામાં બેસીને દલ લેક, શ્રીનગર શહેર અને દૂર દૂર ફેલાયેલા પહાડોનો નજારો માણી શકાય છે. આ બગીચામાં પેરા મિલિટરીની સુરક્ષા છે. અહીંથી નિશાત ગાર્ડન પહોંચ્યો.

નિશાત ગાર્ડન

નિશાત ગાર્ડનનું નિર્માણ ઈ.સ. ૧૬૩૪માં નુરજહાંના મોટાભાઈ આસિફ ખાન દ્વારા કરવામાં આવેલ, કાશ્મીર વેલીમાં આવેલ આ સૌથી મોટો બગીચો છે, જે ૪૬ એકરમાં ફેલાયેલ છે. નિશાત બાગનો અર્થ ‘આનંદનો બગીચો’ થાય છે. રંગબેરંગી ફૂલોનો નજારો અદ્દભુત છે. પહાડોનું પાણી જ્યાંથી પડે છે ત્યાંથી શરૂ કરીને દલ લેક સુધી આ બગીચો ૧૨ માળના તબક્કામાં ફેલાયેલ છે, જે એક ટેરેસ ગાર્ડન છે. આ ૧૨ તબક્કા (૧૨ માળ) ૧૨ રાશિઓનું પ્રતિનિધિત્વ કરે છે. બાર તબક્કા પૂર્ણ થતા પહાડોનું પાણી દલ લેકમાં જાય છે. બગીચાની વચ્ચે ફુવારાની હારમાળા મનોરમ્ય છે. બગીચાના છેક છેવાડે પહાડની તળેટી પાસે પહોંચીએ ત્યાં હમામખાના છે અને અહીંથી જ પહાડ પરથી પાણી ઝરણાં રૂપે વહીને આવે. અહીંયાથી લઈને દલ લેક સુધીની જગ્યા સુધી આ લાંબો બગીચો બાંધવામાં આવેલ છે. અહીંથી પીર પંજાલ પર્વતની શ્રુંખલાઓ જોઈ શકાય છે. (ક્રમશ:)

Related posts

World Lion Day / સિંહો વિશે ક્યારેય ન જાણી હોય એવી 17 ફેક્ટ્સ, વાંચો એક જ ક્લિકમાં

Zainul Ansari

મહેન્દ્ર મેઘાણીનું 100 વર્ષની વયે અવસાન : વાજબી દરે ખૂણે ખૂણે પહોંચાડ્યુ છે ગુજરાતી વાંચન, ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટાં પુત્ર હતા!

Zainul Ansari

હવા પ્રદૂષણની આરોગ્ય પર ગંભીર અસરો : વિજ્ઞાનીઓ આપી રહ્યાં છે વારંવાર ચેતવણી

Hardik Hingu
GSTV