GSTV

Travel Diary-9 / આર્મીના જવાને તેને રિક્વેસ્ટ કરીને ત્યાંથી ખસીને દૂર જવાનું કહ્યું, મેં વિચાર્યું કે આપણી લોકલ પોલીસ હોય તો રિક્વેસ્ટ કરે?

Last Updated on August 5, 2021 by Lalit Khambhayata

(Travel-ભાગ-9)
દિવસ- છઠ્ઠો
તારીખ- ૧ જૂન, ૨૦૧૯
આજનો પ્રવાસ- સોનમર્ગથી ઝીરો પોઈન્ટ, બાલતાલ, ઝોઝી લા, દ્રાસ, કારગિલ વોર મેમોરિયલ,  કારગિલ શહેર, મુલબેખ (ફ્યુચર બુદ્ધા), નામિક લા, ફોટુ લા, લામાયુરુ, નિમ્મુ થઈને લેહ
આજનું કાપેલ અંતર- ૩૪૮ કિમી
રાત્રિ રોકાણ- લેહ (લદ્દાખ)

વહેલી સવારે તૈયાર થઈને સોનમર્ગથી પ્રવાસ આગળ વધાર્યો. આગળ જતા ઝીરો પોઈન્ટ નામની જગ્યા આવી. અહીં ખાણીપીણીના નાના તંબુ હતા. તંબુની ચારેય તરફ બરફ હતો. સવારમાં થોડાંક પ્રવાસીઓ હતા, જે બરફમાં ચાલીને મજા માણી રહ્યા હતા. થોડેક આગળ જતા હિન્દુઓની ધાર્મિક યાત્રા અમરનાથની ગુફા તરફ જવાનો એક રસ્તો બાલતાલ થઈને જાય છે, તે જોવા મળ્યો. સોનમર્ગથી બાલતાલ ૧૪ કિમી દૂર છે અને અહીંથી ઝોઝી લા પાસ શરૂ થાય છે, બાલતાલથી ઝોઝી લા આશરે ૨૩ કિમી થાય છે. જે ભારે બરફ વર્ષાના લીધે નવેમ્બર-ડિસેમ્બરથી એપ્રિલ-મે સુધી એટલે કે વર્ષના ૫થી ૬ મહિના સુધી બંધ રહે છે. જેના લીધે શ્રીનગર-લેહનો મુખ્ય માર્ગ બંધ થઈ જાય છે. લેહ હવાઈમાર્ગ વડે ભારત સાથે જોડાયેલું રહે છે. વળી એપ્રિલ-મે મહિનામાં પણ મશીનથી બરફ ખસેડવો પડે છે, ત્યારે જ રસ્તો ખુલે છે. મોટેભાગે અહીં ઓક્ટોબર-નવેમ્બરમાં બરફવર્ષા શરૂ થઈ જતી હોય છે અને નવેમ્બર-ડિસેમ્બરમાં ભારે બરફ વર્ષાને લીધે રસ્તો બંધ થઈ જાય છે.

સોનમર્ગ ઝીરો પોઈન્ટ

બાલતાલથી પહાડી રસ્તો દુર્ગમ હતો, વળી અમુક જગ્યાએ કાચો પણ હતો. જે મોટે ભાગે બરફવર્ષામાં રસ્તો ધોવાઈ જવાના લીધે થતું હોય છે. આ રસ્તો પાર કરવા માટે પણ પહાડ ઉપર જ આગળથી બે ફાંટા પડે છે, જેમાં આર્મીના જવાનો ટ્રાફિકની અનુકુળતા જોઇને ટ્રકને બંનેમાંથી એક અનુકુળ દિશામાં વાળે છે. આ રસ્તા પર ટ્રક પસાર કરવી એ જોખમી કામ છે, સાંકડા રસ્તા પર જો બેલેન્સ ન જળવાય તો ટ્રક ઊંડી ખીણમાં ખાબકે. જયારે બાઈક માટે એવી કોઈ તકલીફ નથી. રાઈડરને ક્યારે ઝોઝી લા પાસ પસાર થઈ જાય એ પણ ખબર ના પડે. જો કે ઉંચી પહાડી પર કાચા રસ્તા પર બાઈક લપસી જવાનો ભય તો ખરો જ. ક્યારેય ઓવર કોન્ફીડંસમાં ન રહેવું.

આગળ બે રસ્તા આવતા આર્મીના જવાને મને આગળ જઈને ફરી પાછા બીજા માર્ગે જવાનું કહ્યું, કારણ કે ત્યાં પાછો ટ્રાફિક જામ થઈ ગયેલો. ઘાટ ચડ્યા પછી સીધો રસ્તો શરૂ થયો. રસ્તાની બંને તરફ બરફ હતો, જે મશીન દ્વારા કાપીને રસ્તો ખુલ્લો કર્યો હોય એ સ્પષ્ટ જણાતું હતું. ચાલુ બાઈકમાં આપણી બાજુમાં જ બરફની દિવાલ હોય ત્યારે બરફને મુઠ્ઠીમાં ભરવાની મજાજ કંઈક ઓર હોય છે પણ વગર અનુભવે એવું કોઈ જોખમ ન લેવું.

ઝોઝી લા પસાર થઈ જતાં લદ્દાખની સરહદ શરૂ થાય છે. સોનમર્ગને લદ્દાખનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે. અહીં આર્મી પોસ્ટ દ્વારા દરેક વાહનની એન્ટ્રી કરવામાં આવતી હતી. જેમાં વાહન નંબર, વ્યક્તિનું નામ, મોબાઈલ નંબર તેમજ તારીખ, સમય લખવાનો હોય છે. આનો ફાયદો એ થાય કે ક્યારેક કોઈનો અકસ્માત થાય અથવા કોઈક ખીણમાં પડી જાય અને વ્યક્તિ ન મળે ત્યારે આ એન્ટ્રીથી જે તે વ્યક્તિનો પસાર થયેલ તારીખ અને સમય જોઈને શોધવામાં સરળતા રહે.

ઝોઝી લા પાસ

ઝોઝી લા પસાર કર્યા પછી દ્રાસ નામનું નાનું નગર આવે છે, જે કારગિલ જીલ્લામાં આવે છે, લદ્દાખમાં બે જીલ્લા છે એક લેહ અને બીજો કારગિલ, કારગિલમાં મુસ્લિમ લોકોની વસ્તી વધારે છે જયારે લેહમાં બૌદ્ધ લોકો વધારે છે, જો કે ત્યાં પણ ઘણાં સામાજિક પ્રોબ્લેમ થઈ રહ્યા છે, જે અહીં લખવા ઉચિત નથી. ઈ.સ. ૧૯૯૯માં ભારત-પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ લડાયેલું એ અહીં કારગિલ જીલ્લાના દ્રાસ સેક્ટરમાં. કારગિલ અહીંથી ઘણું આગળ, પણ વિશ્વમાં પ્રખ્યાત થયું કારગિલ.

કારગિલ વોર મેમોરિયલ

દ્રાસમાં કારગિલ વોર મેમોરિયલ આવેલ છે, તે જોવા જેવું છે. શ્રીનગરથી જઈએ ત્યારે દ્રાસને પસાર કર્યા પછી આશરે ૭ કિમી બાદ ડાબા હાથ ઉપર આ મેમોરિયલ આવે છે. આ મેમોરિયલ જોવાનું જતું ન રહે એટલા માટે મારે ઘણીવાર સ્થાનિક લોકોને પૂછવું પડતું હતું.

આ મેમોરીયલ ઈ.સ. ૧૯૯૯માં ભારત-પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ લડાયેલ તેના સ્મારક રૂપે બનાવવામાં આવેલ છે. ૧૯૯૯ના યુધ્ધમાં વપરાયેલ હોવિત્ઝર તોપ, મિગ-૨૧ વિમાન વગેરે પ્રદર્શન રૂપે મૂકવામાં આવેલ છે, જયારે યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત સૈનિકોની યાદગાર રૂપે તેમના નામ સાથેની ખાંભીઓ મૂકવામાં આવેલ છે. એક રૂમમાં યુધ્ધમાં ઉપયોગમાં આવેલો સામાન વગેરે પ્રદર્શનમાં મૂકવામાં આવેલો, પણ શિયાળામાં ૧૦-૧૨ ફૂટના બરફમાં સમગ્ર રૂમ ઢંકાઈ જતા, તેને નુકસાન થતું હતું એટલે રૂમ બંધ કરીને તેનો સામાન ખસેડી લેવાયેલો અને રૂમને પણ બીજે ક્યાંક ખસેડવાની વાત હતી.

અહીં આર્મીના જવાન દ્વારા યુદ્ધ વિશેની ટૂંકી માહિતી અને સામે જ દેખાતી ટાઈગર હિલ, તોનોલીંગ પહાડીઓની ટોચ પરનાં ભારતીય બંકરના લોકેશન બતાવવામાં આવે છે. જો કે નરી આંખે નીચેથી આ બંકર જોવા મુશ્કેલ છે. આ પહાડ એટલા ઊંચા અને સીધી ચડાઈ વાળા છે કે એકવાર ગુમાવી લીધાં પછી પાછા મેળવવા મુશ્કેલ હતા, પણ ઇન્ડિયન આર્મીએ પોતાના જીવની ચિંતા કર્યા વિના એ કામ કરી બતાવેલું. સામાન્ય રીતે ભારત અને પાકિસ્તાનની આર્મી શિયાળાના સમયે પહાડ પરથી ઉતરીને તળેટીમાં નીચે આવતી રહેતી હતી, પણ ઈ.સ. ૧૯૯૯ના યુદ્ધમાં પાકિસ્તાને કરેલી ઘુસણખોરીના લીધે હવે બારેય મહિના પહાડી પર ચોકી પહેરો કરવામાં આવે છે.

કારગિલ વોર મેમોરિયલ

આ મેમોરિયલની પ્રવેશ ટિકિટ ૫૦ રૂપિયા છે. ત્યારબાદ દરેક મુલાકાતીની એન્ટ્રી કરવામાં આવે છે. ફોટા પાડવા માટે ટિકિટ લેવી પડે છે અથવા કેમેરા દરવાજા પાસે જ જમા કરાવીને તેની પહોંચ લેવાની હોય છે. અહીં ૧૯૯૯ના યુદ્ધની વિગત આપતો એક ઓડિયો-વિડિયો શો બતાવવામાં આવે છે. સોવેનીયર શોપ, કાફે પણ છે, જે આર્મી દ્વારા ચલાવવામાં આવે છે. અંદર એસબીઆઈનું એટીએમ છે. જો કે હું ગયો ત્યારે મશીનમાં પૈસા નહોતા. પાસે જ સુલભ શૌચાલયની વ્યવસ્થા પણ છે.

દ્રાસ દુનિયાનું બીજા નંબરનું સૌથી વધુ ઠંડુ સ્થળ છે. (પહેલો નંબર સાઇબેરિયાનો છે.) કેટલીક વાર ૧૦-૧૨ ફૂટનો બરફ એક રાતમાં જ પડી જતો હોય છે, શિયાળામાં દ્રાસનું તાપમાન માયનસ ૨૦ ડીગ્રી સુધી પહોંચી જતું હોય છે. વરસાદ પડે તો એની રીતે નદીના વહેણની દિશામાં જતો રહે, પણ આ તો બરફ અને વાતાવરણ ઠંડુ, એટલે જામેલો જ રહે, ક્યાંય ખસે પણ નહિ. આ વોર મેમોરીયલની બહાર એક વ્યક્તિ સફરજન વેચતો હતો, જો કોઈ મોટું વાહન આવે તો નડે એમ હતું. આથી, આર્મીના જવાને તેને રિક્વેસ્ટ કરીને ત્યાંથી ખસીને દૂર જવાનું કહેલું. મેં ત્યારે વિચાર્યું કે આપણી લોકલ પોલીસ હોય તો રિક્વેસ્ટ કરે?

અહીં દ્રાસમાં હોટલ-રિસોર્ટ છે, જેમાં રહેવા-જમવાની વ્યવસ્થા છે. જો કે મને દ્રાસમાં કોઈ જમવાની યોગ્ય હોટલ ન દેખાતા અહીંની બેકરીમાંથી નાન, ક્રીમરોલ, પાઉં વગેરે ખરીદ્યા. જે આગળ નદી કિનારે બેસીને એકલા-એકલા ખાધેલા. દ્રાસથી કારગિલ તરફ જતા સ્કૂલના કેટલાંક બાળકો દેખાયા, સુંદર રૂપાળા બાળકો જોઇને ફોટો ખેંચવા બાઈક ઉભી રાખી, પછી બધાને ચોકલેટ આપી. અહીં પણ એકવાર ચોકલેટ લીધા પછી બીજી વાર લેવાનો બાળસહજ સ્વભાવ જોવા મળ્યો.

કારગિલ શહેર

થોડીવારમાં કારગિલ શહેર આવ્યું. કારગિલ સિંધુ (ઈન્ડસ) નદીના કિનારે વસેલું નગર છે. કારગિલમાં પ્રવેશ કરતાં એ ધ્યાન રાખવાનું કે શહેરમાં વન વે રોડ છે, જો કોઈ ગલી ચુકી ગયા તો પાછુ આશરે ૨ કિમીનું અંતર કાપીને આવવું પડશે. ટ્રાફિક પોલીસ કડક છે. મોટા ભાગની વસ્તી મુસ્લિમ છે. બૌદ્ધ લોકોની વસ્તી ઓછી છે, પહેલાં બૌદ્ધ લોકો ઘણાં હતા, પણ ઘણાં ધર્મપરિવર્તન કરેલ છે. શહેરમાં રહેવા-જમવા માટે ઘણી હોટલ છે. બેંક અને એટીએમની સુવિધા છે, બજાર છે.

શ્રીનગરથી લેહ અથવા લેહથી શ્રીનગર જતાં મોટાભાગના રાઈડર માટે રોકાવાનું આ સ્થાન છે. કારગિલ એ લદ્દાખનું બીજા નંબરનું મોટું શહેર છે. જો કે હું નારાનાગ જોવા ગયેલો તેના લીધે સોનમર્ગ રોકાયેલો અને બીજા દિવસે બપોરે કારગિલ છોડેલું. જેના લીધે કારગિલથી લેહ વચ્ચે આવતા સ્થળો જોવાના રહી ગયેલા અને અમુક સ્થળો જોવા માટે લેહથી ફરી પરત આવવું પડેલું. એટલે કહેવાનો મતલબ કે શ્રીનગર અથવા લેહથી એવી રીતે સમય ગોઠવવો કે કારગિલમાં રાત રોકાઈ શકાય, જેથી સીન સીનરીઝ માણવા માટે અને વચ્ચે આવતા મુખ્ય સ્થળો જોવા માટે પૂરતો સમય મળી રહે.

કારગીલ શહેરના વિવિધ રંગ

જમ્મુમાં અમે જ્યાં રોકાયેલા ત્યાંથી અમને કહેલુ કે કારગિલમાં તમને ‘ખુબાની’ નામનું ડ્રાયફ્રુટ મળશે, જે તમે ૩-૪ કિલો ખરીદશો તો તમારી ટુરનો ખર્ચો નીકળી જશે. એટલે અહીં હું એ દુકાનો શોધવા લાગ્યો. જેમાં મને સ્પેશિયલ એની જ ચાર-પાંચ દુકાનો સળંગ મળી ગઈ. વળી, શાક માર્કેટમાં તો થેલાઓમાં ભરી ભરીને વેચાતું હતું, આ ડ્રાયફ્રુટ કારગિલ તેમજ ઝંસ્કાર વેલીની આજુબાજુની પહાડીઓ પર પુષ્કળ પ્રમાણમાં થતાં હોય છે. ત્યાંથી લોકો લાવતા હોય છે. અંગ્રેજીમાં તેને એપ્રિકોટ અને ગુજરાતીમાં જરદાળુ કહેવામાં આવે છે. શ્રીનગર અને લેહમાં પણ અહીંથી જ ખરીદીને લઈ જવામાં આવે છે. આ ઉપરાંત ભારતમાં અહીંથી જ પહોંચાડવામાં આવે છે. અહીંના ઠંડા વાતાવરણમાં તે ઉગે છે. ક્વોલિટી પ્રમાણે તેમજ દુકાન પ્રમાણે અલગ-અલગ ભાવ હોય છે. તેનો ઠળિયો તોડતા તેમાંથી બદામ નીકળશે, તેને પણ ખાઈ શકાય છે. મેં ચાર કિલો ખરીદેલું. પણ રાઈડરને એવું ન કરવાની સલાહ આપું છું. કારણ કે સામાનમાં તેનું વજન વધી જશે. મને આવી રીતે ૫૦ કિલો વજન સુધીના તાંબાના સિક્કાઓ બાઈક પર લાવવાની પ્રેક્ટિસ છે. એટલે કે અનુભવ હોવાથી મેં કરેલું. હું વળતા પણ લઈ શકતો, પણ મારે મનાલીથી પરત જઈને લદ્દાખની સર્કિટ પૂર્ણ કરવાની હતી. ખુબાની ખરીદીને પાંચ-સાત મિનિટમાં હું મારી બાઈક પાસે પહોંચ્યો ત્યાં જઈને જોયું કે ભરબજારમાં સામે જ પોલીસનો પોઈન્ટ હોવા છતાં મારી બાઈક પર બાંધેલી સેડલબેગને કોઈકે ચોરી કરવાના હેતુથી ખોલી હતી, બેગના બક્કલ ખોલી દીધેલા, પણ બેગની અંદરની બીજી ચેઈન પણ ખોલવાની હતી, જે મારે પણ ખોલવી મુશ્કેલ હતી, એટલી મજબૂત રીતે બેગને બાંધેલી. જેથી મારો સામાન ચોરી થતો બચી ગયેલો. જો કે પાકીટ, મોબાઈલ અને કેમેરા બધું મારી પાસે હતું, અંદર તો કપડાં જ હતા. પણ આ વિસ્તારમાં સાવધાન રહેવું.

કાગરીલ શહેર

બજારમાં એક વાસણની દુકાન જોઈને મારો સંશોધકનો જીવ જાગી ઉઠ્યો, ત્યાં જઈને સિક્કા વિશેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, હવે સિક્કા નથી આવતા, પણ વર્ષો પહેલાં આવતા હતા. એમનો ગ્રુપ ફોટો પાડીને હું આગળ વધ્યો. અહીં કારગિલમાં બેંકના એટીએમમાંથી દસહજાર રૂપિયા ઉપાડ્યા. આગળના રિમોટ એરિયામાં રોકડ રૂપિયા ખિસ્સામાં રાખવા સારા, અંદરના વિસ્તારમાં કેશલેશની સગવડ નથી. કારગિલ અને લેહમાં ઘણાં એટીએમ છે.

એટલામાં જ બે પોલીસ જવાનો ભરેલી બંદૂકે રોડ વચ્ચે આવી પહોંચ્યા, એની પાછળ બે પોલીસની ગાડી એની પાછળ એમ્બેસેડર કે એવી કોઈ ગાડી, વળી એની પાછળ પોલીસની ગાડી આવી. આ ડિસ્ટ્રીક્ટ જજની સુરક્ષાનો કાફલો હતો. આવી રીતે તો ગુજરાતમાં કોઈ મિનિસ્ટર પણ ન ફરે. પણ આટલી સુરક્ષા જોઈને એ ખ્યાલ આવ્યો કે ક્યારે આતંકવાદી હુમલો થાય એ નક્કી નહિ, અહીંથી પીઓકે (પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર) ખુબ જ નજીક આવેલ છે.  (ક્રમશ:)

Related posts

ઈતિહાસનું સૌથી મોટું રહસ્ય / જ્યાં મૃતદેહો બાળવાની પ્રથા હોય એવી ભૂમિ પરથી સંખ્યાબંધ શબપેટીઓ મળી આવી! સિનૌલીની અનોખી કથા!

Lalit Khambhayata

Case study / વર્ષો પુરાણી ઑટોમોબાઇલ કંપની FORD કેમ ભારતમાંથી ઉચાળા ભણી રહી છે?

Lalit Khambhayata

અકલ્પનિય / 21મી સદીનું યુદ્ધ મગજ પર કાબુ મેળવવા લડાઈ રહ્યું છે, James Bondની ફિલ્મ જેવી સત્યઘટના

Lalit Khambhayata
Do NOT follow this link or you will be banned from the site!