GSTV

Travel Diary-8 / “ઓયે કેમેરા નીચે કર, ફોટો ડિલિટ માર, નહી તો વહા આકર તોડ દુંગા” ચાલુ ટ્રકમાંથી આર્મીના જવાને મને કહ્યું

Last Updated on August 2, 2021 by Lalit Khambhayata

(Travel – ભાગ-8)
દિવસ- પાંચમો
તારીખ- ૩૧ મે ૨૦૧૯
આજનો પ્રવાસ- શ્રીનગર સાઈટ સીન- લાલ ચોક, માર્કેટ, દલ લેક, ચશ્મેશાહી ગાર્ડન, પરી મહેલ, નિશાત ગાર્ડન, શાલિમાર ગાર્ડન થઈને ગંદેરબલ, કંગન, નારાનાગ પ્રાચીન શિવ મંદિર ત્યાંથી કંગન થઈને સોનમર્ગ
આજનું કાપેલ અંતર- ૧૩૦ કિમી
રાત્રિ રોકાણ- સોનમર્ગ

નારાનાગ શિવ મંદિર કોમ્પ્લેક્ષ, વાનગાથ, કંગન

ફોટો પાડવાની વાત આવી તો યુવતીઓએ મોઢું ફેરવી લીધું

ત્યાંથી આગળ જતા મુખ્ય રસ્તા પર ગંદેરબલ જીલ્લાનું ‘કંગન’ નામનું નાનકડું નગર આવ્યું. અહીંથી એક રસ્તો નારાનાગ જતો હતો. મુખ્ય હાઈવેથી નારાનાગ ૧૬ કિમી દૂર છેક છેવાડે આવેલું નાનું ગામ છે. આ રસ્તો સ્થાનિક ગામડાંઓમાં થઈને જતો હતો. ધીમે-ધીમે ઊંચાઈ વધી રહી હતી. અહીં એક લાકડાંની ઈમારતના ફોટો પાડી રહ્યો હતો. ત્યારે અહીંની મુસ્લિમ યુવતીઓ મોઢું ઊંધું કરીને ઉભી રહી. જો કે હું દૂરથી ફોટો પાડી રહ્યો હતો, એટલે મને એ લોકો જોવામાં આવ્યા નહોતા. પીઠ બતાવેલો ફોટો પડ્યો. જો કે આગળ જતા ઘણાં લોકોના ફોટા પાડ્યા, પણ લગભગ કોઈએ ના નહોતી પાડી. થોડેક આગળ વધતા ૮થી ૧૦ વર્ષના બે બાળકો રસ્તા પર ઉભા રહી, હાથમાં એક પહોંચ બુક રાખીને મસ્જિદ માટે ફંડ ભેગું કરી રહ્યા હતા. મેં એ બંને બાળકોને ચોકલેટ આપી અને આગળ વધ્યો.

પાકો રસ્તો પૂરો થયો, ડેડ એન્ડ આવી ગયો ત્યારે પ્રાચીન નારાનાગ શિવ મંદિરનું વિશાળ પરિસર જોવા મળ્યું. ચારેય બાજુ અડાબીડ જંગલ અને ઊંચા-ઊંચા બર્ફિલા પહાડો. દેવદાર અને પાઈનના વિશાળ વૃક્ષોનું જંગલ, પહાડોની વચ્ચેના મેદાનમાં મંદિરોનો સમૂહ, પાણીનો કુંડ, શિવલિંગ વગેરે જોવામાં આવ્યા. મે મહિનાનો અંત હતો છતાય મંદિરથી થોડેક દૂર બરફ હતો, જે હજુ પીગળ્યો નહોતો, એટલે અહીં વર્ષના ૬ મહિના તો બરફ જ રહેતો હશે, એવું કોઈને પણ પૂછ્યા વગર અનુમાન લગાવી શકાય. પહાડો પર રીંછ અને અન્ય જંગલી પ્રાણીઓ ઘણાં બધા છે, ખોરાકની શોધમાં રીંછ રાત્રે નીચે સુધી આવે છે, પણ કોઈને જોવામાં આવતા નથી. એટલે માનવથી અંતર રાખે છે, એવું જાણવા મળ્યું.

નારાનાગનું ઐતિહાસિક મંદિર આજે ક્રિકેટ મેદાન બની ગયું છે

નારાનાગના પ્રાચીન મંદિરને કાશ્મીર સામ્રાજ્યના કારાકોટ વંશના મહાન સમ્રાટ લલિતાદિત્યના શાસનકાળમાં (ઈ.સ. ૭૨૪ થી ૭૬૦) બનાવવામાં આવેલ છે. મંદિર એક છેડાથી બીજા છેડા સુધી આશરે ૨૦૦ મીટર સુધી ફેલાયેલ છે, મંદિર ભગવાન શિવને સમર્પિત છે, મંદિરનું શિવલિંગ ગોળાકારમાં બનાવેલ છે. આઠમી સદીમાં બનાવેલ આ મંદિરનો ઉલ્લેખ કાશ્મીરના ઇતિહાસકાર કલ્હાનની ‘રાજતરંગીની’ નામના પુસ્તકમાં મળે છે, જે ઈ.સ.ની ૧૨મી સદીમાં આઠ ભાગમાં લખવામાં આવેલા.

અહીં નારાનાગ જળસ્ત્રોત પાસે પાપશોધન નાગ નામનો જળકુંડ છે. પ્રાચીન સમયમાં હિંદુઓ પોતાના પાપ ધોવા માટે કુંડમાં ડૂબકી લગાવતા હતા અને નાગની સાથે જોડાયેલ સાત શિવલિંગનો જળાભિષેક કરતા હતા. કાશ્મીરી પંડિતોમાં એવી માન્યતા છે કે આ કુંડમાં ડૂબકી લગાવવાથી પોતાના સમસ્ત પાપનો નાશ થાય છે. જો કે હવે અહીં કોઈ કાશ્મીરી રહ્યા નથી, બધાને તગેડી મૂકવામાં આવ્યા છે અને સ્થાનિક મુસ્લિમો દ્વારા તે પાણીનો ઘર વપરાશ અને અન્ય કાર્યોમાં ઉપયોગ થાય છે.

દુઃખદ વાત એ હતી કે, મંદિરના શિવલિંગ ઉપરની છત ઉપર જ સ્થાનિક લોકોએ કપડાં અને એમની ચાદરો સૂકવવા મુકેલા, એ જોઈને મને અત્યંત દુઃખ થયું અને ત્યાંથી એ હટાવવાનું પણ કહ્યું, એમનો વિસ્તાર હોય તો શું થઈ ગયું? મુખ્ય મંદિર બંધ હતું અને તેને પુરાતત્વ વિભાગ દ્વારા તાળું મારેલું હતું. પુરાતત્વ વિભાગે આ મંદિરને ફરતે દિવાલ અને મુખ્ય મંદિરને તાળા મારવા સિવાય કોઈ કાર્ય કર્યું હોય, એવું લાગતું નથી. પ્રાચીન ભારતના ઈતિહાસ માટે આ મંદિર અત્યંત મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત અહીં કાશ્મીરમાં ઠેર-ઠેર અનેક પ્રાચીન મંદિરો ખંડેર હાલતમાં રઝળતાં ફેલાયેલા છે. પીઓકેના મુઝફ્ફરાબાદની આસપાસ પણ ઘણાં પ્રાચીન મંદિરો છે, જેમાંની શારદાપીઠ પણ એક છે.

ઐતિહાસિક મંદિર અને ત્યાં સુકાઈ રહેલા વસ્ત્રો

અહીં મને સામેથી જ એક નાની ઉંમરનો યુવા ગાઈડ મળી ગયો, મંદિર પરિસરના ફોટા લીધાં અને સ્થાનિક લોકોને પણ કેમેરામાં  કંડાર્યા. મંદિરની આજુબાજુ તેમજ પાસેના પર્વતો ઉપર દૂર દૂર સુધી મકાનો જોઈ શકાય છે, જ્યાં મુસ્લિમ લોકો રહે છે. ટુરિસ્ટ વિલેજ છે, પણ ભારતીય પ્રવાસી ન બરાબર આવે છે. એટલામાં એક આર્મીની ગાડી આવી, એ ટ્રક ઉપર આર્મી જવાન હતો, મને એમનો ફોટો લેવાની ઈચ્છા થઈ.
“ઓયે કેમેરા નીચે કર, ફોટો ડિલિટ માર, નહી તો વહા આકર તોડ દુંગા.” ચાલુ ટ્રકમાંથી આર્મીના જવાને મને કહ્યું.
એક સેકન્ડ માટે તો હું ડરી ગયો. પણ પછી જ્યાં એમની ટ્રક ઉભી રહી ત્યાં હું ગયો, ત્યાં જઈને મેં મારો પરિચય આપ્યો.
એમણે કહ્યું કે, “અચ્છા ટુરિસ્ટ હો, ગુજરાત સે હો, હમારે ગ્રુપ મેં ભી એક ગુજરાત કા જવાન હૈ.” પછી જવાનો સાથે ગ્રુપ ફોટો પડાવ્યો.
અહીં આર્મીને સ્થાનિકો સાથે બહુ જ સંભાળીને કામ લેવું પડતું હોય છે. મેં આ આર્મીના જવાનોની સામે જ ત્યાંના સ્થાનિકોને મંદિર પર કપડાં કેમ સૂકવવા મુક્યા છે, એ વિશે કહ્યું અને હટાવવા માટે કહ્યું ત્યારે આર્મીના જવાનોએ મને શાંત રહેવાનું કહ્યું.

આ ઇન્ડિયન આર્મીના રાષ્ટ્રીય રાઈફલના (આર.આર.) જવાનો હતા, અહીં પહાડ પર એક તળાવ છે, ત્યાં આવતાં પ્રવાસીઓની નોંધણી કરવાની તેમની ડ્યુટી હોય છે. અહીં વિદેશીઓ ટ્રેકિંગ, કેમ્પિંગ અને માછીમારી માટે આવતા હોય છે.

નારાનાગથી ગંગબલ તળાવ ટ્રેકિંગ

અહીંના ટ્રેકિંગમાં નારાનાગથી હારમુખ પર્વત (૧૬,૮૭૦ ફૂટ) ઉપર ‘ગંગબલ’ નામના તળાવ સુધી પહોંચવા માટે જંગલમાં થઈને પહાડી સુધી પહોંચવાની પગદંડી છે, ટ્રેકર માટે નારાનાગ એ બેઝ કેમ્પ છે, ત્યાંથી પહાડ ઉપર ચાલીને જવું પડે છે, આશરે ૯ કિમી સુધીના રસ્તે ચાલતા પહાડ પર ગંગબલ નામનું તળાવ આવે છે. ત્યાંથી આગળ સતસર, ગડસર, ક્રિશ્નાસર, વિષ્ણુસર વગેરે અલગ અલગ જગ્યાએ ઊંચાઈ પર આવેલા તળાવો જોતા જોતા છેક સોનમર્ગ સુધીનો આ લાંબો ટ્રેક છે, જે ૫-૭ દિવસનો હોય છે. સ્થાનિક લોકો અને ખચ્ચરો દ્વારા આર્મીનો સામાન (તંબુ વગેરે) ઉપર લઈ જવામાં આવે છે. જેનાથી સ્થાનિકોને રોજગારી મળે છે. મોટેભાગે વિદેશીઓ જ ટ્રેકિંગ માટે આવે છે. અહીં ભારતીય પ્રવાસીઓ ખાસ આવતા નથી. મને પણ ટ્રેકિંગ માટેનું એક સ્થાનિકે કહ્યું, પણ મારે લેહ પહોંચવાનું હતું, પણ એ લોકોના મોબાઈલ નંબર લઈ લીધાં, અહીં ખચ્ચરનો એક દિવસનો ચાર્જ માત્ર ૩૦૦ રૂપિયા કહ્યો, જે હિમાચલ અને ઉત્તરાખંડના હિલ સ્ટેશન કરતા સાવ ઓછો હતો, કારણ કે આતંકવાદી ઘટનાઓના ડરના લીધે યાત્રીઓ આવતા જ બંધ થઈ ગયા છે. એટલે ભાવ સાવ તળિયે છે. એમના વોટ્સએપના સ્ટેટસમાં પણ આઝાદીની માંગ લખેલા સુત્રો અત્યારે પણ વાંચી શકાય છે.

પ્રાચીન નારાનાગ શિવ મંદિર જોઈને મુખ્ય રસ્તા પર કંગન આવ્યો. આ બધામાં સાંજ પડી ગઈ. એટલે આજે કારગિલ સુધી પહોંચવું મુશ્કેલ હતું, કારણ હજુ ઝોઝી લા પસાર કરવાનો બાકી હતો. એટલે સોનમર્ગ રાત રોકાવાનું નક્કી કર્યું. કંગનથી સોનમર્ગ ૪૪ કિમી દૂર છે. ચારેય બાજુની હરિયાળી જોતો જોતો મોડી સાંજે સોનમર્ગ પહોંચ્યો. સોનમર્ગ પહોંચતા પહેલાં બરફની પહાડીનો નજારો જોઈ શકાય છે. કેટલીક જગ્યાએ છેક રસ્તાના કિનારા સુધી બરફ જોઈ શકાય છે.

સોનમાર્ગ

સોનમર્ગ આવતા પહેલાં એક એન્ટ્રી પોસ્ટ આવે છે, જ્યાં ‘સોનમર્ગ ડેવલોપમેન્ટ ઓથોરીટી’ દ્વારા  ૩૦ કે ૫૦ રૂપિયા વ્યક્તિદીઠ ટેક્ષ ઉઘરાવાતો હોય છે, જે સોનમર્ગના વિકાસ માટે વપરાય છે. સોનમર્ગ એ કાશ્મીર વેલીમાં આવેલ હિલ સ્ટેશન છે, જે સમુદ્રતળથી ૨૭૩૦ મીટર એટલે કે ૮૯૬૦ ફૂટની ઊંચાઈ પર આવેલ છે. જો કે પર્વત ઉપર ચડ્યા હોય એવું કંઈ લાગે નહિ. આપણે જેને સોનમર્ગ કહીએ છીએ, એનું સાચું નામ સોનામાર્ગ છે અને અહીંના લોકો પણ સોનામાર્ગ જ બોલે છે. સાઈન બોર્ડ પર પણ સોનામાર્ગ જ લખેલ છે. સોનામાર્ગનો અર્થ સોનેરી ઘાસ (Meadows of Gold) એવો થાય છે.

સોનમર્ગ શ્રીનગરથી ૮૦ કિમી દૂર છે. સોનમર્ગ સિંધુ (ઈન્ડસ) નદીના કિનારાના મેદાની વિસ્તાર પર ફેલાયેલી હોટલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટનો સમૂહ છે. જે ૧-૨ કિમી લાંબુ છે.  હોટલની પાછળ એક જગ્યાએ નાનકડું ગામ છે, જ્યાં આશરે ૪૦૦-૫૦૦ લોકોની વસ્તી છે. આગળ ગંગબલ ટ્રેકમાં જે તળાવના નામ જણાવેલ એ પહાડી તળાવ સુધી પહોંચવાનો ટ્રેક અહીં સોનમર્ગથી પણ શરૂ થાય છે.

અહીં ભારતીય અને વિદેશી પ્રવાસીઓ બરફની મજા માણવા આવતા હોય છે. શ્રીનગરના સ્થાનિક લોકો તો ખરા જ. અહીં ઝીરો પોઈન્ટ નામની એક જગ્યા છે, જે એક બરફનું મેદાન છે ત્યાં બરફ ઉપર વિવિધ એડવેન્ચર રાઈડની મજા માણી શકાય છે. આજુબાજૂના પહાડો પર ટ્રેકિંગ માટેની પણ જગ્યાઓ છે. અહીં આકાશને આંબતા બર્ફિલા પહાડો જોઈ શકાય છે. વ્યવસ્થિત હોટલ શોધવા માટે સોનમર્ગનું એક ચક્કર લગાવ્યું અને સ્થાનિકને પૂછીને સસ્તી હોટલ શોધવાની શરૂઆત કરી. ત્યાંથી ખબર પડી કે અહીં બે રેસ્ટોરન્ટ છે, તેની ઉપર રૂમ મળે છે, ત્યાં જઈને એક રૂમ લીધો. ઓફ સીઝન અને એકલો હોવાથી ૪૦૦ રૂપિયામાં રૂમ મળી ગયો.

રૂમમાં જઈને ગરમ પાણીથી ન્હાયો, મારી પાસે જે થેપલાં અને અથાણાં હતા, એ કામ લાગ્યા. રૂમની બારી કાચની હતી, જેના પર બરફના છિદ્રો જામી જવાથી બારી ભીની થઈ ગયેલી તેની ઉપર જ મારી મંજિલ લેહને અંગ્રેજીમાં લખ્યું અને રજાઈ ઓઢીને સૂઈ ગયો. (ક્રમશ:)

Related posts

લેડી રેબિન્સન ક્રૂઝો / એડા બ્લેકજેક માટે મોટો સવાલ હતો લાશ સાથે સફેદ રીંછના ટાપુ પર એકલું રેહવું કઈ રીતે?

Lalit Khambhayata

Treasure Island / 7 લાખ પાઉન્ડનો ખજાનો મેળવવા માટે ચાંચિયાઓ સાથે અજાણ્યા ટાપુ પર લડાઈ

Lalit Khambhayata

Travel / હાઈ સ્પીડ ટ્રેનના યુગમાં આ યુવાને કરી 2800 કિલોમીટરની પગપાળા સફર

Lalit Khambhayata
Do NOT follow this link or you will be banned from the site!