GSTV

Travel Diary-5/ એ યુવાને મને લેકમાં બોટ હાઉસમાં રોકાવાની વાત કરી, ભાવતાલ નક્કી કર્યા પછી એમની બોટ હાઉસ પહોંચ્યો જ્યાં તેણે અસલ રંગ દેખાડ્યો

Last Updated on July 28, 2021 by Lalit Khambhayata

(Travel ભાગ-5)
દિવસ- ચોથો
તારીખ- ૩૦ મે, ૨૦૧૯
આજનો પ્રવાસ- જમ્મુથી ઉધમપુર, પટની ટોપ હિલ સ્ટેશન, રામવન, બનિહાલ, અનંતનાગ, અવંતિપુરા થઈને શ્રીનગર
આજનું કાપેલ અંતર- ૩૧૦ કિમી
રાત્રિ રોકાણ- શ્રીનગર બોટ હાઉસ (જમ્મુ- કાશ્મીર)

જમ્મુથી શ્રીનગર જતો મારગ

સવારે મિત્ર સાથે ચા પીવા નીચે ગયો ત્યારે મારી વાત મિત્રને જણાવી કે, “ખોટું ન લગાડતા પણ ગઈકાલની ઘટનાથી મને ગ્રુપમાં નહિ ફાવે, હું આગળ એકલો જઈશ.” મિત્રને મનાવીને સવારે ૯:૩૦ વાગે જમ્મુથી શ્રીનગર તરફ રવાના થયો. જયારે એ લોકો બુલેટ લેવા રેલ્વે સ્ટેશન જવા નીકળ્યા. નસીબમાં એકલા સાહસ કરવાનું જ લખાયેલ હશે, માત્ર જમ્મુમાં થોડો સમય મિત્રને મળ્યો એટલું જ. જમ્મુને અલવિદા કહી અને ૨-૩ કિમી વટાવ્યું ત્યાં જમ્મુ શહેરનું પોલીસ ચેકિંગ આવ્યું. અહીં સાઈન બોર્ડનો ફોટો પાડ્યો. મારી મંજિલ લેહ હજુય અહીંથી ૭૨૮ કિમી દૂર હતી અને મારે તો ત્યાંથી પણ આગળ પેંગોંગ લેક, નુબ્રા વેલી જવાનું હતું. જમ્મુ વટાવતા જ સુંદર દ્રશ્યોથી ભરપૂર, વાંકાચુકા રસ્તાવાળો પહાડી વિસ્તાર શરૂ થતો હતો. પ્રવાસનો આનંદ હવે શરૂ થતો હતો. અમદાવાદથી જમ્મુ બાઈક ચલાવવી એ તો સજા હતી. શરીરની તાકાત માપવાની પરીક્ષા પણ હતી. જો આવા સાહસ ન કરવા હોય તો બાઈક ટ્રેનમાં જ લાવવી. મોટાભાગના બાઈકર્સ ટ્રેનમાં જ બાઈક લાવે છે. ઘણાં પછી એવું પણ કહે કે, બેંગ્લોરથી લદ્દાખ બાઈક દ્વારા, પણ ટ્રેનમાં બાઈક ચડાવી હોય એવું નથી કહેતા. જો કે છેકથી બાઈક ચલાવીને લાવનારા બાઈકર્સ પણ હોય છે.

જમ્મુથી કતરા રસ્તા માર્ગે ૪૨ કિમી, ઉધમપુર ૬૨, પટનીટોપ ૧૦૫ અને શ્રીનગર ૨૯૦ કિમી હતું. એટલે આજે મારે માત્ર ૨૯૦ કિમી જ બાઈક ચલાવવાની હતી. આ અંતર સામાન્ય રીતે ૫થી ૬ કલાકનું બાઈક ઉપર હોય છે, આ રોડ પર ઠેક ઠેકાણે ટ્રકનો લાંબો ટ્રાફિક જામ હોય છે, એ ધ્યાન રાખવું અને હા રૂબરૂ જાવ એટલે અહીંના ટ્રક પરના સુત્રો જરૂર વાંચવા. એકાદ કલાકમાં ઉધમપુર આવી ગયું. પેટ્રોલ પુરાવવા શહેરમાં અંદર ગયો અને શહેરની ભૂગોળ જોવા નાનું ચક્કર લગાવીને બહાર આવ્યો. મને શી ખબર હતી કે વળતા પ્રવાસમાં મારે આ જ શહેરમાં એક રાત રોકાવાનું થશે!! કતરા (વૈષ્ણોદેવી મંદિર) દૂરથી દેખાતું હતું. દૂરથી જ દર્શન કર્યા અને આગળ વધ્યો. વૈષ્ણોદેવી મંદિર જવાનો રસ્તો અલગ છે. કતરા સુધી રેલમાર્ગ પણ બની ગયો છે. મંદિર પહાડોની વચ્ચે આવેલું છે. ૫૨ શક્તિપીઠમાંની એક આ પીઠ છે. અહીંથી શિવખોડી પણ જવાય છે. ત્યાં એક ગુફાની અંદર ભગવાન શિવનું મંદિર છે.

પટનીટોપ હિલ સ્ટેશન

ઉધમપુરથી પટનીટોપ પહોંચ્યો. પટનીટોપ એ એક સુંદર હિલ સ્ટેશન છે. અગાઉ શ્રીનગર જવા માટે વાહનોને ઊંચા પહાડ પાર કરીને જવું પડતું. જેના લીધે ઘણો સમય બગડતો. પણ હવે, એ જગ્યાએ ચેનાની-નાશરી ટનલ બની ગયેલ છે, જે હવે ડો. શ્યામા પ્રસાદ મુખરજી ટનલ તરીકે ઓળખાય છે, જે આશરે ૯.૨૮ કિમી લાંબી છે, આ ટનલ આજે પણ ભારતની સૌથી લાંબી ટનલ છે. (રોહતાંગ લાની પાસે બનેલી અટલ ટનલ ૯.૦૨ કિમી લાંબી છે.) આ ટનલના સીધા સરળ રસ્તેથી આખોય પહાડ ટનલ દ્વારા પસાર કરી શકાય છે, પણ નવી જગ્યા જોવાની ઈચ્છાએ મેં પટનીટોપ હિલ સ્ટેશન જવાનું નક્કી કર્યું. ટનલની બાજુમાંથી જ પટનીટોપ જવાનો રસ્તો હતો. જેમ-જેમ આગળ વધતો ગયો તેમ તેમ ઠંડી હવા શરૂ થવા લાગી. એવું લાગ્યું કે હમણાં સ્વેટર પહેરવું પડશે. ચારેય બાજુ ઊંચા ઊંચા પહાડો અને પહાડો ઉપર દેવદાર અને પાઈનના શંકુ આકારના આકાશને આંબતા ઊંચા વૃક્ષોની હારમાળા. બપોરે થોડો નાસ્તો કરીને બાઈકને ટેકે જ ૧૦ મિનિટ એક જોકું ખાઈ લીધું, પ્રવાસ કરતી વખતે એ ધ્યાન રાખવું કે ભરપૂર ઊંઘ લેવી જરૂરી છે અને વાહન ઉપર અને પોતાના ઉપર ભરોસો હોવો જરૂરી છે, નહિતર ક્યારે અકસ્માત થાય એ નક્કી નહિ.

જવાહર ટનલ

અહીં હિલ સ્ટેશન ઉપર ચારે તરફ હોટલ જ હોટલ હતી. મને નગર જેવું કંઈ લાગ્યું નહિ. ઉપર જઈને તરત જ બીજા રસ્તે ઉતરવાનું શરૂ થયું. પહાડ ઉતરતો ઉતરતો નીચે આવ્યો અને એ જ પાછી ગરમી શરૂ થઈ ગઈ. અહીં હિમાલયના પર્વતોમાં આપણા માઉન્ટ આબુ જેવું નથી હોતું કે જે રસ્તેથી ગયા એ જ રસ્તેથી પાછા આવવાનું. અહીંના મોટાભાગના તમામ રસ્તાઓમાં એક જગ્યાએથી ઉપર ચડીને બીજા રસ્તેથી ઉતરવાનું હોય છે, ટૂંકમાં સમજોને કે તમારે એક પહાડને ઓળંગવાનો હોય છે. જો કે હવે ભારત સરકાર દ્વારા સ્થાનિક લોકો તેમજ ઇન્ડિયન આર્મી ઝડપથી પહોંચે એ માટે ઘણી જગ્યાએ પહાડો કોતરીને ટનલ બનાવાઈ રહી છે. જેથી સમયની બચત થાય અને પુરવઠો ઝડપથી પહોંચે. જેનો આડકતરો ફાયદો પ્રવાસન ઉદ્યોગને પણ મળતો હોય છે.

પટનીટોપના પાછળના રસ્તેથી ઉતરીને પાછો મુખ્ય હાઈવે પર આવી ગયો. હવે ચિનાબ નદીના કિનારે કિનારે રસ્તો આગળ વધતો હતો. આગળ રામવન આગળ ટ્રાફિક જામ હતો. પણ રાઈડરને આગળ જવા દેતા હોય છે. અહીં કોઈ પણ જગ્યાએ ટ્રાફિક જામ હોય તો પણ રાઈડરએ રોકાવું નહિ. ગમે તેમ રસ્તો કરીને આગળ વધવું. કારણ કે પહાડી પ્રદેશનાં નાના નાના નગરોમાં ત્યાં આ રોજની સમસ્યા છે. તમને એ લોકો જવા દેશે. આર્મીનો કાફલો ચાલતો હોય તો પણ જગ્યા જોઈને નીકળી શકો છો અથવા સમય હોય અને શાંતિથી જવું હોય તો કાફલાને જવા દેવો. કારણ આપણે આર્મીની દસેક ટ્રકને પાસ કરતા થાકી જઈશું, કાફલો ઘણો લાંબો હોય છે અને ઘણીવાર કાફલાની વચ્ચે જ ફસાઈ જઈએ તો પછી આગળ-પાછળની ટ્રકનું અંતર જાળવીને સાવચેતીથી બાઈક ચલાવવી પડે.

રામવનમાં ટ્રાફિક

રામવનથી આગળ વધતા બનિહાલ આવ્યું. ત્યાંથી આગળ વધતા અનંતનાગ અને પહેલગામ જવાનું સાઈન બોર્ડ દેખાયું. એટલે મને યાદ આવ્યું કે અમરનાથ જવાનો મુખ્ય રસ્તો અહીંથી જાય છે. હાઈવેથી સાતેક કિમી દૂર જ અનંતનાગની દિશામાં પ્રાચીન માર્તંડ સૂર્ય મંદિરના ખંડેરો આવેલા છે. સૂર્યની ઉપાસના માટે પર્વતની ટોચ પર આ મંદિરને આશરે આઠમી સદીમાં બાંધવામાં આવેલ. ભારતના પુરાતત્વ વિભાગે આ મંદિરને ભારતનું અતિ મહત્વનું મંદિર પણ જાહેર કરેલ છે. અહીંથી કાશ્મીર વેલી જોઈ શકાય છે. (વેલી એટલે ખીણ, જ્યાં સપાટ મેદાનોમાં નાના ગામડાંઓ વસાવીને લોકો રહેતાં હોય છે અને એની ચારેય બાજુ ઊંચા ઊંચા પહાડો હોય છે તે જગ્યા.) પરંતુ, અફસોસ!! ક્યાંય સાઈન બોર્ડ ન હોવાથી આ મંદિરે રૂબરૂ જઈ શક્યો નહોતો. એક બોર્ડ લગાવવામાં શું જતું હશે? ઘરે આવીને ખબર પડી હતી કે, અહીં એક પ્રાચીન મંદિર છે.

અનંતનાગથી શ્રીનગર ૫૫ કિમી દૂર હતું. થાક લાગ્યો હતો એટલે રસ્તાની એક બાજુ બાઈક ઉભું રાખીને નદી કિનારે મેદાનમાં એકલો બેસી ગયો અને વહેતી નદીને માણવા લાગ્યો. નાની બાઈકમાં આગળ બેસવાની સીટ સાંકડી હોય છે અને પાછળની સીટ પહોળી હોય છે. જયારે બુલેટમાં આગળની સીટ મોટી અને પહોળી હોય એટલે ચાલકને થાક ઓછો લાગે, પણ બુલેટમાં પાછળની સીટ નાની હોય છે, એ મોટી કરાવવી પડે નહિતર પાછળ બેસનાર (પીલીયન) અડધા કલાકમાં જ થાકી જાય. સાંજ સુધી હું શ્રીનગર બાયપાસ સુધી પહોંચી ગયો. અહીં મને એક યુવાન મળ્યો, જેણે મને દલ લેકમાં બોટ હાઉસમાં રોકાવા માટેની વાત કરી. રહેવાનો ભાવતાલ નક્કી કર્યા પછી એમની બોટ હાઉસ પહોંચ્યો. અહીં એમનો અસલી રંગ બતાવવા લાગ્યા.

પટનીટોપ હિલસ્ટેશન

મને કહે કે આ રૂમ છે, એના ૨૦૦૦ રૂપિયા છે. આ બીજો રૂમ છે અને તમારે અહીં રોકાવાનું છે. હવે જે રોકાવાની જગ્યા મને બતાવી, એ વિઝીટીંગ રૂમ હતો. ત્યાં એકાદ સોફા સેટ અને એમના આવવા જવાની મુખ્ય જગ્યા હતી.
એટલે મેં કહ્યું કે, “ભાઈ, આપને બાત અલગ કી થી ઔર યહાં પર અલગ બતા રહે હો.”
મેં તો પાછા જવાની તૈયારી બતાવી એટલે નક્કી કર્યા પ્રમાણેનો રૂમ આપ્યો. બાકી આ વિસ્તારના લોકો પ્રવાસીને લૂંટવા જ બેઠા છે, લેહમાં આવો કોઈ જ ખરાબ અનુભવ મને થયો નહોતો, ત્યાંની સંસ્કૃતિ જ અલગ છે.
બોટ હાઉસનો રૂમ સરસ મજાનો હતો. બારીની બહાર જ સરોવરનું પાણી દેખાય. બાજુમાં જ પલંગ. બધી જ સગવડ હતી. પણ રૂમમાં હું એકલો હતો. ન્હાવા માટે પહેલી વાર ગરમ પાણીની જરૂર ઉભી થયેલી. બાથટબમાં ગરમ પાણી આવશે અને બાથટબમાં હું ન્હાઈશ. પણ અડધો કલાક રાહ જોવા છતાંય ગીઝરથી પાણી ગરમ થયું નહોતું. આથી, બહારથી એક ડોલ ગરમ પાણી મંગાવીને ન્હાયો. વળી, રાતે વળતી મુસાફરીની અત્યારથી જ તૈયારી કરવા માટે કોટનના કપડાં ધોઈ નાખ્યા.

અહીં મુશ્કેલી એ થઈ કે આજુબાજુ કોઈ જ હોટલ કે અન્ય બોટ હાઉસ કે ખાણીપીણીનું બજાર નહોતું, એટલે મારે ના છૂટકે આ બોટ હાઉસમાં જ જમવું પડ્યું. રાતના સાડા આઠ વાગે જમવાનું આવ્યું. રોટલી અને વટાણા-બટાકાનું સાવ ફીકું શાક. વળી સરસિયાનું તેલ. આ તેલ ખાવાથી મને ઉલટી જેવું થાય, પણ અહીં મારા અથાણાં કામ લાગ્યા. શાકમાં મિક્ષ કરીને ખાધા ત્યારે ખાવાનું માંડ ગળે ઉતર્યું. એમની જે ઘરવાળી હતી, એ અથાણાં જોઇને તો ખુશ-ખુશ થઈ ગઈ. મને આપશો એવું કહ્યું, એટલે મેં પણ દરેક ડબ્બામાંથી ચમચા ભરી ભરીને આપ્યા.

રામવન માર્કેટ

પછી એ બાએ કહ્યું, “મેં હૈ ના મહારાષ્ટ્ર કી હું, યે મુઝે ભગાકર લાયા હૈ, યે પહલે વહાં શોલ બેચતા થા, મેં ઈસકે ચક્કર મેં ફસ ગઈ થી.” મેં દાદા સામે જોયું તો, એ દાદા પણ કાતિલ વિજયી મુસ્કાન કરતા હતા. સ્ત્રી એક વાર ફસાઈ જાય, પછી એ કરે પણ શું? વળી, આ બાને કોઈ બાળકો પણ નહોતા. કેવું દુઃખદ જીવન!! મેં શ્રીનગરમાં બે દિવસ રોકાવાનું નક્કી કર્યું હતું. પણ આ દાદા એ જ રાત્રે ભારત વિરુદ્ધ જે ઝેર ઓકનારી વાતો મને કરી, એમાં મારો મૂડ બગડી ગયો. વળી, એવું પણ કહ્યું કે, “કલ જુમ્મા હૈ, કુછ ન કુછ તો હોંગા હી, આપ નિકલ લેના.” એક તો માંડ માંડ કોઈક ગ્રાહક આવ્યું હોય અને એમાં પણ ડરાવવાની વાત કરીને પોતે જ ગ્રાહકને ભગાડે, તો વેપાર ક્યાંથી ચાલે?

વળી રાતે હું જે બોટ હાઉસમાં રોકાયેલો, ત્યાં નદીની સામેની તરફ મસ્જિદ હતી અને ત્યાં જોર જોરથી તેજાબી ભાષામાં ભાષણો થતા હતા, હું ભાષા સમજી શકતો નહતો, સાચું કહું તો એકલા ડર પણ લાગી રહ્યો હતો. રાત શાંતિથી પસાર કરી, એ વિચારે કે એમને થોડી ખબર કે, હું અહીં રોકાયો છું? આ એ સમયની મનોસ્થિતિ હતી. (ક્રમશ:)

Related posts

જળશક્તિ / દુનિયાભરમાં Hydropower દ્વારા ઊર્જા મેળવવાના પ્રોજેક્ટ કેમ નિષ્ફળ જઈ રહ્યા છે? સંશોધકો માટે ચિંતાનો વિષય…

Lalit Khambhayata

ઈતિહાસનું સૌથી મોટું રહસ્ય / જ્યાં મૃતદેહો બાળવાની પ્રથા હોય એવી ભૂમિ પરથી સંખ્યાબંધ શબપેટીઓ મળી આવી! સિનૌલીની અનોખી કથા!

Lalit Khambhayata

Case study / વર્ષો પુરાણી ઑટોમોબાઇલ કંપની FORD કેમ ભારતમાંથી ઉચાળા ભણી રહી છે?

Lalit Khambhayata
Do NOT follow this link or you will be banned from the site!