GSTV
Home » News » જૂનાગઢનો મીની કુંભ મેળો મહાશિવરાત્રીના મધરાતે મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે પૂર્ણ

જૂનાગઢનો મીની કુંભ મેળો મહાશિવરાત્રીના મધરાતે મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે પૂર્ણ

આ વખતે જૂનાગઢનો મેળો શિવરાત્રી મીની કુંભ મેળા તરીકે ઉજવાયો છે. જેને લઇને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. 26મી ફેબ્રુઆરીથી પ્રારંભ થયેલો ભવનાથનો મેળો મધરાતે મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે પૂર્ણ થયો. રવેડી બાદ સાધુ સંતોએ હર હર મહાદેવના નાદ સાથે મૃગી કુંડમાં છલાંગ લગાવી હતી તો શ્રદ્ધાની ડૂબકી લગાવીને સાધુ સંતોએ વિવિધ અખાડાના નાગા બાવાઓએ ભવનાથ મહાદેવની આરાધના કરી હતી.

મિનિકુંભ મેળા સમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ઉજવાયેલો મેળો મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ મહા આરતી સાથે પૂર્ણ થયો. ભગવાન ભવનાથ મહાદેવની મહાઆરતીમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. હર હર મહાદેવના નાદ સાથે ગીરના જંગલને અડીને આવેલા ભવનાથ મહાદેવના મંદિરની અંદર અને બહાર રસ્તા પર ક્યાંય સુધી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. સૌ કોઇ શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. ભવનાથ મહાદેવની આરતી સાથે જ ભવ્યાતિભવ્ય ભવનાથ મહાદેવનો મેળો પૂર્ણ જાહેર કરાયો હતો

ભવનાથ મહાદેવનો મેળો જોવા જાવ અને રવેડીના દર્શન ન કરો તેવું કેવી રીતે બને.સાધુ સંતો અને દશનામ અખાડાની રવેડી જોવાનો લ્હાવો બીજે ક્યાંય જોવા ન મળે. તે જૂનાગઢના આ ભવનાથના મેળામાં જોવા મળે. વિવિધ અખાડાના નાગા સાધુ અને તેની શારીરીક ક્ષમતાને જોઇને ભલભલા અવાક બની જતા હોય છે. કારણકે સાધુ સંતોની આ રવેડીમાં નાગા સાધુઓ દ્વારા જે કરતબ કરવામાં આવે છે. તે કરતબ જોઇને ભલભલાના શ્વાસ થંભી જાય. અદમ્ય શારીરીક ક્ષમતા દર્શાવતા સાધુ સંતોના કરતબો જોવા માટે ભવનાથના આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. આ વર્ષે પણ સાધુ સંતોની રવેડીમાં સુચારુ આયોજન કરાયુ હતું. જેમાં આ વર્ષે તો રવેડી તેના સમય કરતા વહેલી નીકળી હતી. અને આ રવેડીને નિહાળવા સમય કરતા પહેલા જ રસ્તાની બંને તરફ શ્રદ્ધાળુઓએ ભીડ જમાવી હતી.

ભોળાનાથનો પવિત્ર દિવસ મહાશિવરાત્રી હોવાથી સવારથી અખાડાઓમાં ભાંગ અને ચલમની બોછાર વહેતી થતી જોવા મળતી હોય છે. દિગમ્બર સહિતના સાધુ-સંતો ભાંગ અને ચલમના સથવારે અલૌકિક આનંદ માણતા જોવા મળ્યા હતા. દિગંબર સાધુઓ પોતાના દેખાવને લઇને વિશેષ ધ્યાન આપતા હોય છે. જેમાં દેશના ખૂણેખૂણેથી આવતા દિગંબર સાધુઓમાં કોઇ પોતાની જટાથી આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે તો કોઇ કલરફૂલ ચશ્મા પહેરીથી શ્રદ્ધાળુઓનું ધ્યાન આકર્ષિત કરતા હોય છે. તો ધૂણો ધખાવીને ભોલેનાથનો રણકાર કરતા હોય છે. તો કોઇ ચલમની કશ લઇને જય ગિરનારીનો નાદ આલાપ્તા હોય છે. આમ ભવનાથ મેળાનું ઝવેર ગણાય છે નાગા સાધુઓ. ભવનાથ મેળામાં આવતા શ્રદ્ધાળુઓમાં ઘણા શ્રદ્ધાળુઓ તો ખાસ નાગા સાધુના દર્શન અર્થે જ અહીં આવતા હોય છે

ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતો જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો દર વર્ષે શિવભક્તો માટે એ ગંત્વય સ્થાન હોય છે જેની શિવભક્તો આખુંયે વર્ષ રાહ જોતા હોય છે. કારણકે આ ભવનાથનો આ મેળો ભગવાન શિવની ભક્તિ સાથે ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ હોય છે. આ ત્રિવેણી સંગમનો લ્હાવો લેવા અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જેમાં આ વર્ષે પણ ભવનાથના આ મેળાને મ્હાલવા આવેલા શિવભક્તોથી જૂનાગઢના ભવનાથની તળેટીમાં આયોજીત કરાયેલા ભંડારાઓમાં શ્રદ્ધાળુઓની મોટી ભીડ જોવા મળી હતી.

જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો એટલે ભગવાન ભવનાથનો સાક્ષાત્કાર. ભવનાથનો મેળો કરવા આવતા દરેક શ્રદ્ધાળુઓ ભગવાન ભવનાથના ચરણોમાં શિશ ઝૂકાવીને મૃગીકુંડના દર્શન કરીને ત્યારબાદ મેળાને મ્હાલવાની શરૂઆત કરતા હોય છે. આ વર્ષે પણ મહાશિવરાત્રીના પર્વે વહેલી સવારથી લઇને મધરાતની મહાઆરતી સુધીમાં લાખો શ્રદ્ધાળુઓ ભગવાન ભવનાથના દર્શન માટે લાંબી કતારો લગાવી હતી. ખૂબજ લાંબી પ્રતિક્ષા બાદ જ્યારે શ્રદ્ધાળુઓને દર્શનનો લ્હાવો પ્રાપ્ત થયો ત્યારે દરેક શ્રદ્ધાળુઓના ચહેરા પર હર્ષની લાગણી સાથે મુખમાં હર હર મહાદેવનો નાદ જોવા મળ્યો હતો

જૂનાગઢનો ભવનાથનો મેળો આ વર્ષથી મીની કુંભ મેળા તરીકે જાહેર કરાયો હતો. જેથી સ્વાભાવિક રીતે આ મિનિ કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવવાના હતા. જેથી સુરક્ષાની દ્રષ્ટીએ સઘન બંદોબસ્ત કરાયો હતો. તો ભવનાથના મેળાના ખૂણેખૂણા પર બાજનજર રાખવા સીસીટીવીથી સતત વોચ રખાઇ હતી. અને ખાસ હંગામી સીસીટીવી કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાયો હતો

આ વર્ષે ભવનાથ મેળાને મીની કુંભ જાહેર કરાયો હતો. પરંતુ કમનસીબે આ વર્ષે પુલવામા જેવી ધ્રુણાસ્પદ આતંકી ઘટના પણ બની હતી. જેથી રાજ્ય સરકારે આ મેળા માટે ભલે 15 કરોડની જોગવાઇ કરી હતી. પરંતુ સાધુસંતોએ આ વર્ષે આતંકી ઘટનાને લઇને મેળામાં સાદગી જળવાઇ તેવો નિર્ણય કર્યો હતો. જેમાં રવેડીમાં હાથી ઘોડા નહીં રાખવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે બેન્ડવાજા પણ ન રાખવાનો નિર્ણય કર્યો હતો. તો બીજી તરફ પુલવામાં આતંકી હુમલાનો ભોગ બનેલા શહીદોના પરિવારજનોને સાધુ સંતો પણ સહાય કરી શકે તેવા ઉમદા હેતુ સાથે સાધુ સંતોએ દાન દક્ષિણાની તમામ આવકને શહીદના પરિજનો સુધી પહોંચાડવાનો ઉમદા નિર્ણય કર્યો હતો.

Related posts

તેજસ્વી યાદવની ચૂંટણી સભામાં કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી

Arohi

UPમાં Viral થઈ રહી છે “ અલ્લાહ વાળી માછલી”, કિંમત પહોંચી લાખો સુધી

Mansi Patel

આ કંપનીએ બનાવ્યુ દુનિયાનું પહેલું સોનાનું ATM કાર્ડ, લાખોમાં છે કિંમત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!